
ભારત સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સંસદનાં નિયમિત સત્રો નિશ્ચિત સમયગાળામાં મળતાં હોય છે, પરંતુ જ્યારે કોઈ અત્યંત મહત્વના કાયદાકીય ફેરફારો કરવાના હોય ત્યારે આવું વિશેષ સત્ર બોલાવવામાં આવે છે. આ સત્રનો મુખ્ય એજન્ડા મહિલા અનામત કાયદાને વહેલી તકે જમીની સ્તરે લાગુ કરવા માટે જરૂરી બંધારણીય સુધારાઓ પસાર કરવાનો છે.
આ વિશેષ સત્ર અંગે PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ આપી હતી. તેમણે આ સત્રને મહિલા સશક્તિકરણ માટેનું ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે માતાઓ અને બહેનોનું સન્માન એ જ દેશનું સાચું સન્માન છે. વડા પ્રધાને તમામ રાજકીય પક્ષોને વિનંતી કરી છે કે તેઓ એકજૂટ થઈને આ ઐતિહાસિક કાર્યમાં પોતાનો સહયોગ આપે.
आज से शुरू हो रही संसद की विशेष बैठक में हमारा देश नारी सशक्तिकरण के लिए ऐतिहासिक कदम उठाने जा रहा है। हमारी माताओं-बहनों का सम्मान राष्ट्र का सम्मान है और यही भावना लेकर हम इस दिशा में दृढ़ता से आगे बढ़ रहे हैं।
— Narendra Modi (@narendramodi) April 16, 2026
व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो… pic.twitter.com/8KWT1WLSje
આ સત્રમાં સરકાર મુખ્યત્વે ત્રણ મહત્ત્વનાં બિલ રજૂ કરી રહી છે. જેમાં 131મો બંધારણીય સુધારો બિલ, ડિલિમિટેશન (સીમાંકન) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામાં સુધારા કરતું બિલ સામેલ છે. આ ત્રણેય બિલોનો સંયુક્ત ઉદ્દેશ્ય ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને કાર્યરત કરવાનો છે. આ કાયદા દ્વારા દેશની લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની વૈધાનિક જોગવાઈ કરવામાં આવશે.
વર્ષ 2023માં જ્યારે મહિલા અનામત બિલ પસાર થયું ત્યારે એવી શરત હતી કે નવી વસ્તી ગણતરી પછી જ તેનો અમલ થશે, જેના કારણે આ પ્રક્રિયા 2034 સુધી લંબાઈ શકે તેમ હતી. જોકે વર્તમાન સરકાર આ પ્રક્રિયાને ઝડપી બનાવીને 2029ની લોકસભા ચૂંટણીથી જ મહિલાઓને અનામતનો લાભ આપવા માંગે છે. આ વિશેષ સત્ર દ્વારા કાયદાકીય અવરોધો દૂર કરી 2029માં મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
લોકસભાની બેઠકોમાં વધારો
મહિલાઓને 33 ટકા અનામત આપવાથી સામાન્ય બેઠકોની સંખ્યામાં ઘટાડો ન થાય તે માટે સરકાર લોકસભાની કુલ બેઠકોની સંખ્યામાં મોટો વધારો કરવાની યોજના ધરાવે છે. હાલમાં લોકસભામાં 543 બેઠકો છે, જેને વધારીને અંદાજે 850 સુધી લઈ જવામાં આવી શકે છે. જેમાં રાજ્યો માટે 815 અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકો ફાળવવામાં આવશે. આ ફેરફારને કારણે મહિલાઓને પ્રતિનિધિત્વ પણ મળશે અને વર્તમાન વ્યવસ્થા પર પણ કોઈ નકારાત્મક અસર નહીં પડે.
બેઠકોની સંખ્યા વધારવા માટે ‘ડિલિમિટેશન‘ એટલે કે મતવિસ્તારોનું પુનઃનિર્ધારણ જરૂરી છે. સરકાર આ પ્રક્રિયા માટે 2011ની વસ્તી ગણતરીના આંકડાઓને આધાર બનાવવા માંગે છે અને તે માટે બંધારણમાં ‘વસ્તી’ શબ્દની વ્યાખ્યામાં સુધારો કરવાની દરખાસ્ત છે. જોકે, વિરોધ પક્ષો એવી દલીલ કરી રહ્યા છે કે 2011ના આંકડા જૂના છે અને નવી વસ્તી ગણતરીના આધારે જ આ પ્રક્રિયા થવી જોઈએ. આ મુદ્દો સત્ર દરમિયાન ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભામાં સરકાર તરફથી જવાબ રજૂ કરશે.

