
મંગળવાર 11 નવેમ્બર 2025ના રોજ સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે. આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને મજબૂત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.
ભૂટાન જવા રવાના થતા પહેલાં PM મોદીએ X પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, “ભૂટાન માટે પ્રસ્થાન, જ્યાં હું વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ. આ મુલાકાત ભૂટાન મહામહિમ ચોથા રાજાના 70મા જન્મદિવસની ઉજવણી સાથે સંકળાયેલી છે.”
Leaving for Bhutan, where I will attend various programmes. This visit comes at a time when Bhutan is marking the 70th birthday of His Majesty the Fourth King. I will be holding talks with His Majesty the King of Bhutan, His Majesty the Fourth King and Prime Minister Tshering…
— Narendra Modi (@narendramodi) November 11, 2025
તેમણે જણાવ્યું છે કે તેઓ ભૂટાનના મહામહિમ ચોથા રાજા અને વડા પ્રધાન શેરિંગ ટોબગે સાથે વાતચીત કરવાના છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઉર્જા આપશે. આ મુલાકાત દરમિયાન પુનાત્સાંગછૂ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ થવાનું છે.
પુનાત્સાંગછૂ-II હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ભારત અને ભૂટાનના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવેલ 1020 મેગાવોટનો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટથી ભૂટાનની હાઇડ્રોપાવર ઉત્પાદન ક્ષમતામાં 40%નો વધારો થશે અને વધેલી ઇલેક્ટ્રિસિટી ભારતને લાભ આપશે. આ પ્રોજેક્ટ બંને દેશોની ઉર્જા ભાગીદારીને મજબૂત કરશે.
આ સિવાય PM મોદી ભૂટાનમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોની પ્રદર્શનીમાં પણ ભાગ લેશે અને થિમ્પુના તાશિચ્હોદ્ઝોંગમાં પ્રાર્થના કરશે. તેમજ ભૂટાનની સરકાર દ્વારા આયોજિત ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં પણ ભાગ લેશે, જે બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોને પ્રગાઢ કરશે.

