સોનમ વાંગચુકને કોઈ તાત્કાલિક રાહત નહીં, પત્નીની અરજી પર સુપ્રીમે કેન્દ્રને મોકલી નોટિસ: કપિલ સિબ્બલની દલીલો ન અપાવી શકી વચગાળાની મુક્તિ

લદાખના ‘એક્ટિવિસ્ટ’ સોનમ વાંગચુકની ધરપકડ વિરુદ્ધ તેમની પત્નીએ દાખલ કરેલી હેબિયસ કૉર્પર્સ અરજી પર સોમવારે (6 ઑક્ટોબર) સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જોકે કોર્ટે વાંગચુકને તાત્કાલિક કોઈ રાહત આપી નથી.

સુપ્રીમ કોર્ટે વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોની અરજી પર કેન્દ્ર સરકારને એક નોટિસ પાઠવી છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને એનવી અંજારિયાની બેન્ચે મામલાની આગલી સુનાવણી 14 ઑક્ટોબર મુકરર કરી છે.

હાલ માત્ર કેન્દ્ર સરકારના જવાબની રાહ જોવામાં આવશે. તે સિવાય સોનમ વાંગચુકને કોઈ રાહત મળશે નહીં.

ગીતાંજલિ તરફથી કોર્ટમાં કપિલ સિબ્બલે દલીલો રજૂ કરતાં કહ્યું કે અટકાયતનાં કારણો વિશે વાંગચુકની પત્નીને જાણ કરવી જોઈતી હતી. જેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સોનમ વાંગચુકને જાણ કરી દેવામાં આવી હતી, પત્નીને જાણ કરવા માટે એજન્સીઓ બાધ્ય નથી.

કપિલ સિબ્બલે ડિટેન્શન ગ્રાઉન્ડ્સ ગીતાંજલિને પણ  સોંપવા માટે વચગાળાના આદેશની માગ કરી અને દલીલ આપી કે તેના વગર ડિટેન્શન પડકારી શકાય તેમ નથી. જોકે કોર્ટે કહ્યું કે આ તબક્કે તેઓ કશું જ કહી રહ્યા નથી, પરંતુ પછીથી SGને પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં SG મહેતાએ આ મામલે કાયદાકીય વિકલ્પો તપાસવાની બાંહેધરી આપી હતી.

કપિલ સિબ્બલે તબીબી કારણોસર વચગાળાની રાહતની પણ માંગ કરી, પરંતુ SGએ સ્પષ્ટ કહ્યું કે અટકાયત વખતે જ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વાંગચુકને હાલ કોઈ દવાદારૂની જરૂર નથી. છતાં જો તેમને કોઈ દવાની જરૂર હોય તો તે પૂરી પાડવામાં આવશે.

સિબ્બલે એવી પણ વિનંતી કરી કે પત્નીને વાંગચુક સાથે મુલાકાત કરવા દેવામાં આવે. જેની ઉપર કોર્ટે પ્રશ્ન કર્યો કે શું તેમને મુલાકાત કરતાં રોકવામાં આવી રહ્યાં છે? પરંતુ હકીકત એ છે કે તેમણે હજુ સુધી ઔપચારિક અરજી પણ કરી નથી. જેથી કોર્ટે આ મામલે પણ કોઈ આદેશ પસાર ન કર્યો અને કહ્યું કે પહેલાં તેઓ મુલાકાત માટે અરજી કરે અને જો તે રદ થાય તો કોર્ટનો સંપર્ક કરે.

કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો છે કે આખરે આ મામલો હાઇકોર્ટમાં કેમ લઈ જવામાં ન આવ્યો. જેની ઉપર આગામી સુનાવણીમાં કપિલ સિબ્બલ જવાબ આપશે. SG મહેતાનું કહેવું છે કે મામલાને ખોટી રીતે જોર આપવામાં આવી રહ્યું છે, જેથી મીડિયા અને વિસ્તારમાં એવું દર્શાવી શકાય કે વાંગચુકને તકલીફ આપવામાં આવી રહી છે કે મુલાકાત કરવા દેવામાં નથી આવતી. પરંતુ હકીકત એ નથી.

મામલાની આગામી સુનાવણી 14 ઑક્ટોબરે થશે.