મ્યાનમાર ટ્રેનિંગ કેમ્પ કેસ: અમેરિકી વૈનડાઇક અને છ યુક્રેનિયનો જામીન મળ્યા બાદ જેલમુક્ત, 1 મહિના માટે સ્વદેશ જવાની પરવાનગી અપાઈ

બહુચર્ચિત મ્યાનમાર ટ્રેનિંગ કેમ્પ કેસમાં પકડાયેલા અમેરિકી નાગરિક મેથ્યૂ વૈનડાઇક અને અન્ય છ યુક્રેની નાગરિકોને NIA સ્પેશિયલ કોર્ટે ડિફોલ્ટ જામીન આપ્યા બાદ હવે એક મહિના માટે સ્વદેશ જવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારબાદ ગુરુવારે (24 સપ્ટેમ્બર) રાત્રે તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. એક મહિના બાદ તમામે ફરીથી ભારત આવવું પડશે. આ સાથે કોર્ટે તમામને પાસપોર્ટ પરત કરવાની પણ સૂચના આપી છે.

આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અમેરિકન નાગરિક મેથ્યૂ વૈનડાઈક ઉપરાંત યુક્રેનિયન નાગરિકો વિક્ટર કામિન્સ્કી, પેટ્રો હુર્બા, તારાસ સ્લિવિયાક, ઇવાન સુક્માનોવસ્કી, મેરિયન સ્ટેફાન્કિવ અને મેક્સિમ હોન્ચારુક આરોપી છે. NIAએ માર્ચ 2026માં આ તમામની ધરપકડ કરી હતી. જેમાંથી વૈનડાઈક કોલકાતાથી અને અન્ય છ યુક્રેનિયનો દિલ્હી અને લખનૌ એરપોર્ટ પરથી પકડાયા હતા.

શું હતો સમગ્ર મામલો

તમામ સાત વિદેશી નાગરિકો પર આરોપ છે કે તેઓ ભારતમાં આવ્યા બાદ કોઈ પણ પરવાનગી વગર મિઝોરમ (ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પ્રવેશ માટે અમુક પરવાનગી જોઈએ છે) ઘૂસ્યા હતા અને ત્યાંથી સરહદ પાર કરીને મ્યાનમાર ગયા હતા. મ્યાનમારમાં તેઓ ત્યાંની સેના સામે લડતાં સશસ્ત્ર જૂથોને હથિયાર અને ડ્રોન વગેરેની ટ્રેનિંગ આપી રહ્યા હતા.

આ મામલે NIAએ ધરપકડ બાદ તમામ વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તિહાડ જેલ મોકલી આપવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં 180 દિવસની મુદત પૂર્ણ થતી હોઈ એજન્સીએ ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ ચાર્જશીટ દાખલ થયા બાદ કેસમાં એક મોટો વળાંક આવ્યો.

આ ચાર્જશીટમાં આરોપીઓ વિરુદ્ધ UAPAની જોગવાઈઓને બદલે માત્ર ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025’ની કલમ 21 અને 23 જ ઉમેરવામાં આવી હતી. જોકે, એજન્સીએ સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા સાથે જોડાયેલા UAPA હેઠળના ગંભીર આરોપોની તપાસ હજુ પણ ચાલુ છે અને જો નક્કર પુરાવા મળે તો UAPAના આરોપો સાથે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે.

UAPA હેઠળ તપાસ પૂરી કરવા માટે મળેલી 180 દિવસની સમયમર્યાદા પૂરી થઈ જવા છતાં એજન્સીએ માત્ર ઇમિગ્રેશન કાયદા હેઠળ જ ચાર્જશીટ રજૂ કરી હતી. આથી જોગવાઈઓ મુજબ આરોપીઓને ‘ડિફોલ્ટ જામીન’ મેળવવાનો કાયદેસરનો અધિકાર મળી ગયો. 18 સપ્ટેમ્બરે દિલ્હી કોર્ટે આ જ ટેકનિકલ બાબતને ધ્યાનમાં રાખીને વૈનડાઈક અને છ યુક્રેનિયન નાગરિકોના ડિફોલ્ટ જામીન મંજૂર કર્યા હતા.

ઇમિગ્રેશન સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ યુક્રેનિયન નાગરિકોએ FRRO સમક્ષ ₹5.5 લાખની કમ્પાઉન્ડિંગ રકમ ચૂકવી હતી. આ સાથે જ કોર્ટે ₹1 લાખના કૅશ બોન્ડની શરતે જામીન આપ્યા હતા. અહેવાલ મુજબ, અમેરિકન નાગરિક વૈનડાઈકે પણ આ નિયમનકારી કાર્યવાહી માટે ₹5.5 લાખની રકમ ચૂકવી હતી.

1 મહિના માટે સ્વદેશ જવાની પરવાનગી

24 સપ્ટેમ્બરના આદેશમાં સ્પેશિયલ NIA જજ પ્રશાંત શર્માએ સાતેય આરોપીઓને એક મહિના માટે સ્વદેશ જવાની પરવાનગી આપી. કોર્ટે નોંધ્યું કે વિદેશ જવાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનો એક ભાગ છે. દેશની તપાસની જરૂરિયાતો અને નાગરિકના મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલન જાળવીને આ મંજૂરી આપવામાં આવી છે, જેના માટે આરોપીઓએ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે.

NIAએ કહ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ UAPAની તપાસ ચાલી રહી છે અને પુરાવા મળતાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. જોકે હાલ પૂરતા તો તમામ બહાર રહેશે.