Sunday, January 12, 2025
More

    મેટા CEO માર્ક ઝકરબર્ગે પોડકાસ્ટમાં બાફી માર્યું, કહ્યું- ભારતમાં જે સરકાર સત્તામાં હતી એ 2024માં હારી ગઈ!

    ફેસબુકના સ્થાપક અને તેની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝકરબર્ગે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ભૂલથી એમ કહી દીધું કે ભારતમાં 2024માં સત્તાપક્ષ હારી ગયો હતો. આ ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

    ઝકરબર્ગ તાજેતરમાં જો રોગનના પોડકાસ્ટમાં જોવા મળ્યા. બંનેએ લગભગ 2 કલાક સુધી વિવિધ વિષયો પર ચર્ચા કરી. દરમિયાન ઝકરબર્ગે કહ્યું કે, કોરોના સમયે જે રીતે વિશ્વભરની સરકારો સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ ગઈ તેના કારણે સરકારો પર અવિશ્વાસ વધતો ગયો અને 2024માં જેટલી ચૂંટણી થઈ તે બધામાં સરકારો જે સત્તામાં હતી તેમણે હારનો સામનો કરવો પડ્યો. 

    આ દરમિયાન તેઓ કહે છે કે, 2024માં અનેક દેશોમાં ચૂંટણી હતી અને બધે જ સત્તાધારી પક્ષો હારી ગયા. અહીં તેઓ ભારતનો પણ ઉલ્લેખ કરે છે અને કહે છે કે, આ દરેક દેશમાં જે સરકાર સત્તામાં હતી તેણે વાપસી કરી નથી. 

    હવે અહીં એ ઉલ્લેખ કરવાની જરૂર નથી કે ઝકરબર્ગથી ભૂલ થઈ છે. ભારતમાં 2014 પછી સરકાર બદલાઈ નથી. 2024માં અહીં લોકસભા ચૂંટણી હતી અને તેમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ અને NDA સરકાર સત્તામાં પરત ફરી હતી.