Tuesday, July 15, 2025
More

    ‘ભાષાના નામે ગુંડાગીરી ચલાવી નહીં લેવાય’: વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે MNS કાર્યકર્તાઓ દ્વારા ભાષાના નામે ગુજરાતી વેપારીને માર મારવાની ઘટનાને વખોડીને ભાષાના નામ પર રાજ્યમાં ગુંડાગીરી નહિ સાંખી લેવાય તેમ જણાવ્યું હતું.

    શુક્રવારે (4 જુલાઈ) એક મીડિયા સંબોધનમાં CM ફડણવીસે કહ્યું, “હું ખુબ સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યો છું કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર ગર્વ કરવું ખોટું નથી, પણ ભાષાના નામ પર જો કોઈ ગુંડાગીરી કરશે તો એ કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે”

    આ ઉપરાંત ભાષા વિવાદના કારણે થયેલી મારપીટની ઘટનાને ટાંકતા તેમણે કહ્યું, “ભાષા વિવાદના કારણે જે પ્રકારની મારપીટની ઘટના બની છે, તેના પર પોલીસે કાર્યવાહી કરીને FIR દાખલ કરી છે, અને આગળ પણ જો કોઈ ભાષાના નામે વિવાદ કરશે તો તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ એક સ્થાનિક મીઠાઈની દુકાનમાં વેપારીને મરાઠી ન બોલી શકવાના કારણે માર માર્યો હતો. જેના કારણે હવે વિવાદ વકર્યો છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નીતેશ રાણેએ પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી હતી.