
મદુરાઈ બેન્ચ ઑફ મદ્રાસ હાઇકોર્ટે શ્રીરંગમ મંદિર પાસે ઇ.વી. રામાસામી ‘પેરિયાર’ની પ્રતિમા તોડવા અંગે ફેસબુક પોસ્ટ કરનાર લૉના વિદ્યાર્થી સામેની FIR રદ કરી છે. જસ્ટિસ આર. વિજયકુમારે આ કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીની આ પોસ્ટ માત્ર એક અભિપ્રાયની અભિવ્યક્તિ હતી અને તેનાથી કોઈ ગુનો બનતો નથી. કોર્ટે નોંધ્યું કે આ પોસ્ટને કારણે સમાજમાં કોઈ અપ્રિય ઘટના બની નથી કે હિંસા ફાટી નીકળી નથી, તેથી તેને ગુનાહિત કૃત્ય ગણી શકાય નહીં.
અદાલતે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે અરજદારે પોસ્ટ દ્વારા માત્ર પોતાની એવી લાગણી વ્યક્ત કરી હતી કે મંદિર પાસે આ પ્રકારની પ્રતિમા હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. જે સમયે આ પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારે અરજદાર બેંગલુરુમાં કાયદાનો અભ્યાસ કરતો હતો અને હવે તે વકીલ તરીકે નોંધણી કરાવવાની તૈયારીમાં છે. મદ્રાસ હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ પોસ્ટ બે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવા માટે નહીં, પરંતુ અંગત મંતવ્ય રજૂ કરવા માટે હતી, જેના કારણે તેની સામેની તમામ ફોજદારી કાર્યવાહી પડતી મૂકવામાં આવી છે.
શ્રીરંગમ પોલીસ સ્ટેશનમાં એમ. બરની ધરન નામના કાયદાના વિદ્યાર્થી વિરુદ્ધ દુશ્મનાવટ વધારવા, ઈરાદાપૂર્વક અપમાન કરવા અને જાહેર શાંતિ ભંગ કરવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશનનો આરોપ હતો કે ધરને ફેસબુક પર શ્રીરંગમ મંદિર પાસેની પેરિયારની પ્રતિમાને તોડી પાડવા અને હટાવવા અંગે પોસ્ટ કરી હતી, જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ મામલે વિદ્યાર્થી સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
અરજદાર વિદ્યાર્થીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેણે તેનો કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને હવે તે વકીલ તરીકે નોંધણી કરાવવાની તૈયારીમાં છે, તેથી આ કેસ તેના ભવિષ્ય અને કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. હાઇકોર્ટે પોસ્ટની સામગ્રીની તપાસ કરી નોંધ્યું કે આ માત્ર એક અભિપ્રાયની અભિવ્યક્તિ હતી. કોર્ટે વધુમાં જણાવ્યું કે આ પોસ્ટથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી કોઈ ઘટના બની નથી, તેથી તે બે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવાના ગુનાની શ્રેણીમાં આવતી નથી.
હાઇકોર્ટના નિર્દેશ મુજબ અરજદારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કર્યું હતું જેમાં તેણે સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયા પોસ્ટ કરવી એ તેની ભૂલ હતી અને તેણે ભવિષ્યમાં આવું કૃત્ય ફરી ન કરવાની ખાતરી આપી હતી. આ એફિડેવિટ અને કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે અભિપ્રાય આપ્યો કે આ કાર્યવાહી ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. પરિણામે હાઇકોર્ટે વિદ્યાર્થી સામેની FIR અને તમામ ફોજદારી કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો.

