
કેરળનું સબરીમલા અયપ્પા મંદિર ભારતના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. પરંતુ આ મંદિરમાંથી 4.5 કિલો સોનું ગુમ થવાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. આ ઘટના 2019માં બની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનામાં ગેરરીતિઓની શંકાને કારણે કેરળ હાઇકોર્ટે SITની રચનાનો આદેશ આપ્યો છે.
આ મુદ્દે કેરળ હાઇકોર્ટે સુઓમોટો લઈને સુનવણી કરી હતી. જસ્ટિસ રાજા વિજયરાઘવન વી. અને જસ્ટિસ કે.વી. જયકુમારની બેન્ચે આ ઘટનાની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT) બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમનું નેતૃત્વ ADGP એચ. વેંકટેશ કરશે અને તેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર સશીધરન એસ, અન્ય તપાસકર્તાઓ અને સબ-ઇન્સ્પેક્ટરો હશે. કોર્ટે કહ્યું કે આ ટીમમાં એવા અધિકારીઓ હોવા જોઈએ જે નિષ્પક્ષ હોય, કારણ કે આ કેસ મોટા પ્રમાણમાં સોનાની ચોરીનો છે.
SITને એક મહિનાની અંદર તેની તપાસ પૂર્ણ કરવા અને તપાસ દરમિયાન મીડિયા અથવા જનતા સાથે વાતચીત કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્ટે નિવૃત્ત હાઇકોર્ટના જજ કે.ટી. શંકરને મંદિરની તમામ મૂલ્યવાન વસ્તુઓ, જેમ કે સોનું, ચાંદી, રત્નો અને પ્રાચીન વસ્તુઓની યાદી તપાસવાની જવાબદારી આપી છે.
કોર્ટે એ પણ જણાવ્યું કે 2019ના રેકોર્ડમાં આ પટ્ટાઓને ‘તાંબાના પટ્ટાઓ’ તરીકે નોંધ્યા હતા, પરંતુ તેમાં 1.564 કિલો સોનું હતું. આ બાબતે ચોરી, વિશ્વાસઘાત અને ગેરવહીવટના ગુના નોંધાયા છે. કોર્ટે હવે ચીફ વિજિલન્સ ઓફિસરને સબરીમાલા સ્ટ્રોંગ રૂમ ખોલવાની અને મૂર્તિઓની 2019માં લેવાયેલા તસ્વીરો સાથે સરખામણી કરવાની પરવાનગી આપી છે, જેથી નક્કી કરી શકાય કે સોનાની કોઈપણ વસ્તુઓ ગુમ થઈ છે કે તેમની સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ. આ સિવાય TDBને રેકોર્ડ યોગ્ય રીતે ન રાખવા અને કોર્ટને જાણ ન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો.
શું હતો સમગ્ર મામલો?
સબરીમલા મંદિરમાં દ્વારપાલક મૂર્તિઓ પરના તાંબાના પટ્ટાઓ પર સોનાનું આવરણ હતું. આ સોનું 1999માં દાનમાં આપવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 કિલોથી વધુ સોનું હતું. 2019માં આ પટ્ટાઓને નવું સોનાનું આવરણ આપવા માટે દૂર કરવામાં આવ્યા. મંદિરનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડે (TDB) ચેન્નઈની એક ખાનગી જ્વેલરી કંપની ‘સ્માર્ટ ક્રિએશન્સ’ને આ કામ સોંપ્યું હતું. આ કામને ભક્ત ઉન્નિકૃષ્ણન પોટ્ટીએ આર્થિક રીતે ટેકો આપ્યો હતો.
TDBએ કંપનીને 42.8 કિલો સોનાની પરતવાળા પટ્ટાઓ આપ્યા હતા, પરંતુ કંપનીએ કહ્યું કે તેની પાસે માત્ર 38.3 કિલોનો જ રેકોર્ડ છે. આ રીતે 4.5 કિલો સોનું ગુમ થયું હતું. વિપક્ષી નેતા વી.ડી. સતીશનનું કહેવું છે કે ગુમ થયેલું સોનું 5 કિલોથી પણ વધુ હોઈ શકે. આ પટ્ટાઓને નવું આવરણ આપવામાં 39-40 દિવસ લાગ્યા અને આ દરમિયાન તેને કેટલીક જગ્યાઓ પર રાખવામાં આવ્યા અને ભક્તો માટે દર્શન માટે પણ મૂકવામાં આવ્યા હતા.
જ્યારે આ વર્ષની શરૂઆતમાં પટ્ટાઓમાં ખામીઓ મળી આવી, ત્યારે TDB એ ફરીથી મૂર્તિઓ એ જ કંપનીને મોકલી, જેણે અગાઉ સમારકામ કર્યું હતું. જોકે આ વખતે કોર્ટ અથવા મંદિરના સ્પેશિયલ કમિશનરને જાણ કર્યા વિના વસ્તુઓ મોકલવામાં આવી હતી. જે કોર્ટના 2023ના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સબરીમાલાના આભૂષણોનું કોઈપણ સમારકામ અથવા જાળવણી ફક્ત સ્પેશ્યલ કમિશનરને પૂર્વ સૂચના આપ્યા પછી જ કરવામાં આવે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સબરીમાલાના સ્પેશિયલ કમિશનરે 9 સપ્ટેમ્બરના રોજ બેન્ચને જાણ કરી કે દ્વારપાલક મૂર્તિઓના સોનાના આવરણવાળા પટ્ટાઓ ગુપ્ત રીતે દૂર કરીને રાજ્યની બહાર લઈ જવામાં આવ્યા છે. બાદમાં, એક વિજિલન્સ તપાસમાં સોનાના રેકોર્ડમાં ચિંતાજનક ગેરરીતિઓ બહાર આવી.
વિજિલન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દ્વારપાલક મૂર્તિઓ પરનો સોનાની પરત કોર્ટને જાણ કર્યા વિના દૂર કરવામાં આવી હતી, જે સ્પષ્ટ સૂચનાઓનું ઉલ્લંઘન છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે TDBએ જે રેકોર્ડ્સ રાખ્યા હતા એ પણ ખોટા અને અવિશ્વસનીય હતા. તપાસ દરમિયાન વિજિલન્સ અધિકારીઓએ ઉન્નીકૃષ્ણન પોટ્ટીની નાની બહેનના નિવાસસ્થાનની તપાસ કરી અને કેટલાક સોનાના આવરણવાળા પટ્ટા (સુશોભન પાયા) જપ્ત કર્યા, જેનાથી ગેરરીતિની શંકા વધુ દ્રઢ બની.
રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે TDBના કેટલાક અધિકારીઓ સંડોવાયેલા હતા. મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે, પોટ્ટીએ TDBના અધ્યક્ષને મોકલેલ એક ઇ-મેઇલ સામે આવ્યો, જેમાં પોટ્ટીએ પૂછ્યું હતું કે શું તેઓ મંદિરના કામમાંથી બચેલા સોનાનો ઉપયોગ લગ્ન માટે કરી શકે છે. બેન્ચે કહ્યું કે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કેસમાં ‘ગંભીર ફોજદારી ગુનો’ અને પોટ્ટી અને TDB અધિકારીઓનું સંભવિત કાવતરું છે.

