
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં મુખ્ય આરોપીઓ શરજીલ ઇમામ અને ઉમર ખાલિદે દાખલ કરેલી જામીન અરજીઓનો દિલ્હી પોલીસે વિરોધ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ અરજીઓ ફગાવી દેવા માટે માંગ કરી છે.
બંને આરોપીઓએ દાખલ કરેલી જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે પોલીસને નોટિસ મોકલીને જવાબ દાખલ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વિગતવાર કારણો આપીને જામીન અરજી ફગાવવા માટે વિનંતી કરી.
દિલ્હી પોલીસે કહ્યું કે બંને આરોપીઓએ સુપ્રીમ કોર્ટના આદેશમાં જે સમયમર્યાદા આપવામાં આવી છે તેના પહેલાં જ અરજીઓ દાખલ કરી દીધી છે, જે ગેરકાયદેસર છે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે.
વાસ્તવમાં જાન્યુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિતના દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ આરોપીઓની જામીન અરજી પર ચુકાદો આપતી વખતે બાકીના તમામને જામીન આપી દીધા હતા અને શરજીલ ઇમામ અને ઉમર ખાલિદના જામીન નામંજૂર કરી દીધા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ દરમ્યાન પ્રોસિક્યુશનના સાક્ષીઓની જુબાની નોંધાય જાય અથવા એક વર્ષ બાદ બંને ફરીથી જામીન અરજી કરી શકશે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે નવી જામીન અરજી મૂકવા માટે ચોક્કસ શરતો મૂકી હતી અને બંનેમાંથી એક પણ શરત પૂર્ણ થઈ નથી. સાક્ષીઓની જુબાની હજુ ટ્રાયલ સ્ટેજમાં છે અને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી. જેથી બંને જામીન અરજીઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોથી વિપરીત છે.
‘બંને માસ્ટરમાઇન્ડ, ઢગલેબંધ પુરાવાઓ ઉપલબ્ધ છે’
સાથે પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કરવામાં આવેલાં અવલોકનો ટાંકીને કહ્યું કે શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ બંને દિલ્હીનાં 2020નાં રમખાણોના માસ્ટરમાઇન્ડ હતા અને તેમની વિરુદ્ધ પૂરતા દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ છે. જે પુરાવાઓ મળ્યા હતા, ડિજિટલ કોમ્યુનિકેશન ટ્રેઇલ મળી હતી અને અન્ય રેકર્ડ પર જે સામગ્રી ઉપલબ્ધ છે તેનાથી આ બાબત સ્પષ્ટપણે પુરવાર થાય છે.
પોલીસે કહ્યું કે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026ના આદેશમાં નવી જામીન અરજી મૂકવા માટે સીધી પરવાનગી નહતી આપી અને તેની અમુક શરતો હતી. જેથી અમુક સ્ટેજ પહેલાં જામીન અરજી રજૂ કરવી એ સુપ્રીમ કોર્ટના આદેશનું અવળું અર્થઘટન કરવા સમાન છે.
પોલીસે સુપ્રીમ કોર્ટનાં અવલોકનોને ટાંકીને કહ્યું કે ઉમર ખાલિદનો કેસ અન્ય આરોપીઓ (જેમને અગાઉ જામીન મળી ગયા છે) કરતાં જુદો છે અને તેણે રમખાણોમાં, માણસો એકઠા કરવામાં અને કાવાતરું ઘડવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
પ્રોસિક્યુશને કહ્યું છે કે કોર્ટ સમક્ષ પહેલેથી જ ચાર્જશીટ સહિતના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે અને બંને આરોપીઓની રમખાણોમાં ભૂમિકા વિશે અન્ય સામગ્રીની જરૂર હોય તો તે પણ રજૂ કરવા માટે તૈયાર છે. પોલીસે કોર્ટને વિનંતી કરી છે કે બંનેની જામીન અરજી ફગાવી દેવામાં આવે.
હવે કોર્ટ આગળ સુનાવણી કર્યા બાદ જામીન અરજીઓ પર નિર્ણય કરશે.

