Thursday, July 10, 2025
More

    રાજદીપ સરદેસાઈ વિરુદ્ધના કેસમાં શાઝિયા ઇલ્મીને આંશિક રાહત: કોર્ટે આપ્યો 18 સેકન્ડનો વિડીયો દૂર કરવા આદેશ, ગોપનીયતાનું આપ્યું કારણ

    દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) બુધવાર, 9 એપ્રિલના રોજ, X અને Meta જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ભાજપ નેતા શાઝિયા ઇલ્મીના (Shazia Ilmi) 18 સેકન્ડના ફૂટેજને દૂર કરવા માટે નોટિસ જારી કરી હતી. કોર્ટે એક્સ પર 7 યુઝર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 1 યુઝરે અપલોડ કરેલ શાઝિયાના 18-સેકન્ડના વિડીયો ફૂટેજને દૂર કરવા કહ્યું હતું.

    રાજદીપ સરદેસાઈ, ઈન્ડિયા ટુડે ટેલિવિઝન અને અન્યો સામેના માનહાનિના દાવામાં જસ્ટિસ મનમીત પ્રીતમ સિંઘ અરોરાની સિંગલ બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઇલ્મીને આંશિક રાહત આપતા 18 સેકન્ડના ફૂટેજને કાઢી નાખવાનો આદેશ આપ્યો જેમાં ઇલ્મી તેના નિવાસસ્થાને જોવા મળી હતી.

    નોંધનીય છે કે, 04 એપ્રિલના રોજ, ન્યાયાધીશ અરોરાએ ઇલ્મીને આંશિક રાહત આપી હતી. કોર્ટે કહ્યું હતું કે જે 18 સેકન્ડના વિડીયોમાં ઇલ્મી લાઇવ ડિબેટમાંથી બહાર નીકળી રહ્યા છે. તેનું રેકોર્ડિંગ અને પ્રકાશન તેના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું હતું કે સરદેસાઈ ઇલ્મીની સ્પષ્ટ સંમતિ વિના વિડીયોના તે ભાગને રેકોર્ડ કરી શકતા નથી અથવા તેનો ઉપયોગ કરી શકતા નથી.

    26 જુલાઈના રોજ અગ્નિવીર અને કારગિલ દિવસ પર ઇન્ડિયા ટુડેની ચર્ચામાં ભાગ લઈ રહી હતી ત્યારે ઇલ્મીએ ઇન્ડિયા ટુડેના કેમેરામેનને તેના ઘરે રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. ઇલ્મીએ કહ્યું હતું કે, તેના ઈજાગ્રસ્ત પગને ફ્રેમથી દૂર રાખવો. તેમ છતાં તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

    રાજદીપના હોબાળા અને ઇલ્મીના માઈક્રોફોનને બંધ કરી દેવાના કારણે તેમણે ચર્ચા છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ઇલ્મીના માનહાનિના દાવા મુજબ, તેમ છતાં કેમેરામેને તેમનો વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું.