રામ મંદિરના ઐતિહાસિક ચુકાદાને રદ કરવા વકીલ મહમૂદ પ્રાચાએ કરી હતી અરજી, દિલ્હીની કોર્ટે ફગાવીને ફટકાર્યો ₹6 લાખનો દંડ

દિલ્હીની જિલ્લા અદાલતે વકીલ મહમૂદ પ્રાચાની એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે સુપ્રીમ કોર્ટના 2019ના ઐતિહાસિક અયોધ્યા ચુકાદાને રદ કરવાની માંગ કરી હતી. અદાલતે આ અરજીને ‘અર્થહીન, ખોટી અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ’ ગણાવી છે. આ ઉપરાંત, કોર્ટે પ્રાચા પર ₹6 લાખનો દંડ પણ ફટકાર્યો છે, જે ટ્રાયલ કોર્ટે આ વર્ષની શરૂઆતમાં લગાવેલા ₹1 લાખના દંડ કરતાં વધુ છે. આ ચુકાદો 18 ઑક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો, જે પ્રાચાની તે અરજીના જવાબમાં હતો, જેમાં તેમણે અયોધ્યા ચુકાદા સામેના આદેશને પડકાર્યો હતો.

પ્રાચાનો અયોધ્યા ચુકાદા સામેનો દાવો ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચૂડના ગયા વર્ષના એક ભાષણ પર આધારિત હતો, જેમાં તેમણે અયોધ્યા વિવાદના નિરાકરણ માટે ભગવાનની મદદ માગી હોવાનું જણાવ્યું હતું. પ્રાચાએ આ નિવેદનનું એવી રીતે અર્થઘટન કર્યું કે ચુકાદો ભગવાન શ્રી રામલલા વિરાજમાન, જે મૂળ વિવાદમાં એક વાદી હતા, તેમના પ્રભાવ હેઠળ આપવામાં આવ્યો હતો. તેમણે ચુકાદાને રદબાતલ જાહેર કરવા અને નવેસરથી નિર્ણય લેવાની માંગ કરી હતી.

પટિયાલા હાઉસ કોર્ટના જિલ્લા ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ સ્પષ્ટ કર્યું કે, ચંદ્રચૂડનો ઉલ્લેખ વ્યક્તિગત આધ્યાત્મિક ચિંતન હતો, નહીં કે પક્ષપાત કે બાહ્ય હસ્તક્ષેપનો પુરાવો. ન્યાયાધીશે જણાવ્યું કે ભૂતપૂર્વ CJIએ રામલલાનો ખાસ ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ સામાન્ય રીતે દૈવીય મદદ માગવાની વાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, “અરજદાર ‘સર્વોચ્ચ ભગવાન’ અને ‘કોર્ટમાં વાદી તરીકે રજૂ થયેલી કાનૂની વ્યક્તિ’ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ ચૂકી ગયા હોય તેવું લાગે છે, કદાચ કાયદા અને ધર્મની ગેરસમજને કારણે આવું થયું હોવું જોઈએ.” 

અદાલતે વધુમાં ચુકાદો આપ્યો કે સર્વશક્તિમાન ઈશ્વરનું માર્ગદર્શન મેળવવું એ કાયદા હેઠળ છેતરપિંડી નથી. કોર્ટે આગળ કહ્યું કે, “તેથી, ભગવાનનું માર્ગદર્શન મેળવવું એ ગેરકાયદેસર લાભ મેળવવા માટેનું કૃત્ય નથી, ન તો કાયદામાં કે ન તો કોઈ ધર્મમાં.”

આ ઉપરાંત કોર્ટે એ પણ નોંધ્યું કે, પ્રાચાનો દાવો ન્યાયાધીશ સંરક્ષણ અધિનિયમ, 1985 દ્વારા પ્રતિબંધિત હતો, જે ન્યાયાધીશોને તેમની ન્યાયિક ફરજો સાથે જોડાયેલા નાગરિક કે ફોજદારી કાર્યવાહીથી રક્ષણ આપે છે.

પ્રાચાએ તેમના મૂળ નાગરિક દાવામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ ભગવાન શ્રી રામલલાને ચંદ્રચૂડ દ્વારા ‘નજીકના મિત્ર’ તરીકે સામેલ કર્યા હતા, પરંતુ અયોધ્યા વિવાદની અન્ય પાર્ટીઓને સામેલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ટ્રાયલ કોર્ટે એપ્રિલ 2025માં આ દાવાને ₹1 લાખના દંડ સાથે ફગાવી દીધો હતો, જેના પગલે પ્રાચાએ જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી.

અપીલ ફગાવતાં અદાલતે પ્રાચા પર વધુ ₹5 લાખનો દંડ ફટકાર્યો છે, જેનાથી કુલ દંડ ₹6 લાખ થયો છે. તેમને 30 દિવસમાં આ રકમ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચુકાદામાં ન્યાયાધીશ રાણાએ ‘અર્થહીન અને ફાલતુ કેસો’ સામે નિવારણની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું કે પ્રારંભિક દંડનો ઉદ્દેશ પૂરો થયો નથી. તેમણે વરિષ્ઠ વકીલ પ્રાચાની ટીકા કરતાં કહ્યું કે તેઓ રક્ષક બનવાને બદલે ‘શિકારી’ બની ગયા છે. તેમણે ન્યાયતંત્ર અને વકીલોના સમુદાયને નિવૃત્ત જાહેર અધિકારીઓ પરના આવા હુમલાઓ સામે સાવચેત રહેવાની વાત કરી હતી.