બ્રિટિશ પીએમ સ્ટાર્મરનું રાજીનામું, લેબર પાર્ટીના નેતાનું પદ પણ છોડશે

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે રાજીનામું ધરી દીધું છે. સોમવારે (22 જૂન) તેમણે સત્તાવાર ઘોષણા કરી. નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર સ્ટાર્મરે એક સંબોધન કર્યું, જેમાં જણાવ્યું કે તેઓ પીએમ પદ છોડી રહ્યા છે.

સ્ટાર્મરે લેબર પાર્ટીના નેતા તરીકે પણ રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે તેમણે સવારે કિંગ ચાર્લ્સ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પોતાના રાજીનામા અંગે જાણ કરી છે.

સ્ટાર્મરે લેબર પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિને નવા નેતાની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવા માટે જણાવ્યું છે અને સાથે કહ્યું છે કે જે કોઈ નેતૃત્વ સંભાળશે તેને પોતે સમર્થન આપશે. 9 જુલાઈથી પ્રક્રિયા શારૂ થશે અને સપ્ટેમ્બર પહેલાં યુકેને નવા વડા પ્રધાન મળશે. ત્યાં સુધી સ્ટાર્મર પીએમ પદે ચાલુ રહેશે.

રાજીનામાની જાહેરાત કરતાં સ્ટાર્મરે કહ્યું પાર્ટી પૂછી રહી છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરવા માટે શું પોતે શ્રેષ્ઠ વ્યક્તિ છે? તેમણે કહ્યું, “મેં જવાબ જાણી લીધો અને તે પૂરેપૂરા આદર સાથે સ્વીકાર્યો છે. મેં જે કોઈ નિર્ણય લીધા છે એ દેશને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લીધા છે. હું લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી રહ્યો છું.”