બાંગ્લાદેશનાં પૂર્વ પીએમ શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT-BD) દ્વારા દોષી ઠેરવવામાં આવ્યાં છે અને તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જસ્ટિસ ગુલામ મૂર્તઝાની આગેવાની હેઠળની ત્રણ જજોની ટ્રિબ્યુનલે આ ચુકાદો 6 ભાગમાં સંભળાવ્યો છે, જે 400 પેજમાં છે. જસ્ટિસ ગુલામ મૂર્તઝા સિવાય બેન્ચમાં જસ્ટિસ મોહમ્મદ શફીઉલ આલમ મહમૂદ અને જસ્ટિસ મોહમ્મદ મોહિતુલ હક એનામ ચૌધરી પણ સામેલ હતા.
ટ્રિબ્યુનલે એક કેસમાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને મૃત્યુ સુધી જેલમાં રાખવાનો ચુકાદો પણ આપ્યો છે. ટ્રિબ્યુનલે કહ્યું છે કે તેમણે માનવાધિકાર સંગઠન અને અન્ય સંગઠનોના રિપોર્ટ્સ પર વિચાર કર્યો છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે. આગળ કહ્યું છે કે, “મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ મરાયા છે, શેખ હસીનાએ પ્રદર્શન કરી રહેલા લોકો પર હેલિકોપ્ટરથી બૉમ્બમારો કરવાનો આદેશ પણ આપ્યો હતો.”
ચુકાદામાં એવું પણ કહેવાયું છે કે આવામી લીગના કાર્યકર્તા કથિત રીતે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાર્ટી નેતૃત્વની જાણકારીમાં સુનિયોજિત હુમલા કર્યા હતા. ટ્રિબ્યુનલમાં શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઈનુ વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ વાંચીને સંભળાવવામાં આવી હતી. ટ્રિબ્યુનલે કહ્યું કે, ‘મોટાભાગના પ્રદર્શનકારીઓનાં મોત બાંગ્લાદેશી સુરક્ષાદળોની બંદૂકોની ગોળીઓથી થયાં છે. શેખ હસીનાની સરકારમાં સેના, પોલીસ અને RABએ ન્યાય પ્રક્રિયામાંથી હટીને હત્યાઓ કરી છે. શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે કાવતરું ઘડ્યું હતું.”
ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું છે કે શેખ હસીનાની સાથે આ મામલે પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝામાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન પણ આરોપી છે. ટ્રિબ્યુનલે આગળ કહ્યું કે, “આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને માનવતા વિરુદ્ધ ગુનો આચર્યો છે. રાજકીય નેતૃત્વ તરફથી અપાયેલા સીધા આદેશના કારણે પ્રદર્શનકારીઓ અને અન્ય નાગરિકોના માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું છે.”
ટ્રિબ્યુનલ અનુસાર, 1400ની હત્યા થઈ હતી અને 11 હજારથી વધુ લોકોને કસ્ટડીમાં લેવાયા હતા અને ધરપકડ થઈ હતી. ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે પણ જોયું છે કે રાજકીય નેતૃત્વના નિર્દેશ પર કસ્ટડીમાં યાતના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘાયલોની સારવાર ન કરવાના આદેશ પણ દેવામાં આવ્યા હોવાનું ટ્રિબ્યુનલ દ્વારા કહેવામાં આવ્યું હતું.

