ભારત વિરુદ્ધ યુદ્ધ, કાશ્મીરને અલગ કરવાનું કાવતરું: અલગાવવાદી આસિયા અંદ્રાબીને આજીવન કેદ

દિલ્હીની એક વિશેષ NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને આતંકી પ્રવૃત્તિઓ અને ભારતવિરોધી કાવતરાંના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદો એવા કેસમાં આવ્યો છે જેની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) 2018માં નોંધાયેલા કેસ હેઠળ કરી હતી. આ જ કેસમાં તેમની સહયોગીઓ સોફી ફહમીદા અને નાહિદા નસરીનને 30-30 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે જાન્યુઆરી 2026માં જ ત્રણેયને દોષી ઠેરવી દીધાં હતાં, જે પછી હવે સજા સંભળાવામાં આવી છે.

મામલો શું હતો?

આ કેસ જુલાઈ 2018માં સામે આવ્યો હતો, જ્યારે NIAએ ‘દુખ્તરાન-એ-મિલ્લત’ (DEM) સાથે જોડાયેલા નેટવર્ક સામે કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ એજન્સી અનુસાર આ સંગઠન કાશ્મીરમાં અલગાવવાદી એજન્ડાને આગળ વધારવા, ભારત વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવા અને યુવાનોને બ્રેનવોશ કરવામાં સક્રિય હતું.

તપાસ દરમિયાન એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે સંગઠનનો પાકિસ્તાન સ્થિત આતંકી તત્વો સાથે સંપર્ક હતો અને અલગાવવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવા માટે ફંડિંગના સ્ત્રોતો પણ સંદિગ્ધ હતા. વધુમાં એજન્સીએ મુખ્ય આરોપી મહિલાના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે તે આતંકી સંગઠનની સભ્ય છે અને વેલ-એજ્યુકેટેડ (શિક્ષિત) હોવા છતાં ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. ચાર્જશીટમાં હવાલા મારફતે પૈસા એકત્ર કરવા, ભારતવિરોધી પ્રચાર ચલાવવા અને જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાના કાવતરાં જેવાં આરોપો સામેલ કરવામાં આવ્યા હતા.

ધરપકડ અને તપાસ

આસિયા અંદ્રાબીની ધરપકડ જુલાઈ 2018માં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) કરી હતી. ત્યારબાદ તેને દિલ્હી લઈ જઈને પૂછપરછ અને આગળની તપાસ કરવામાં આવી હતી. એજન્સીએ પોતાના આરોપોના સમર્થનમાં વિવિધ દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા, જેના આધારે કોર્ટે આરોપીઓને દોષી ગણ્યાં હતાં. એજન્સીએ માંગણી પણ કરી હતી મુખ્ય આરોપી મહિલાને આજીવન કેદની સજા આપવામાં આવે, જેથી સમાજમાં એક સંદેશ જાય કે રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ છેડનારાઓને કાયદો માફ નહીં કરે.

કોર્ટનો ચુકાદો

કોર્ટે પોતાના ચુકાદામાં માન્યું છે કે મામલો માત્ર ભાષણો સુધી મર્યાદિત નહોતો, પરંતુ તે સંગઠિત પ્રવૃત્તિઓ અને નેટવર્ક મારફતે દેશ વિરુદ્ધ કામ કરવા સાથે જોડાયેલો હતો. આ જ આધારે આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે અન્ય બે દોષીઓને 30-30 વર્ષની સજા આપવામાં આવી છે.

લગભગ આઠ વર્ષ સુધી ચાલેલી તપાસ અને સુનાવણી પછી આવેલા આ ચુકાદાને કાશ્મીરમાં સક્રિય અલગાવવાદી નેટવર્ક સામે એક મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી ગણવામાં આવી રહી છે. NIAની તપાસ અને કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓના આધારે આ મામલો માત્ર વિચારધારા સુધી મર્યાદિત નહોતો, પરંતુ સંગઠિત ફંડિંગ અને નેટવર્ક સાથે જોડાયેલો સાબિત થયો છે.