Tuesday, June 24, 2025
More

    સંભલની જામા મસ્જિદના ASI સરવેનો માર્ગ થયો મોકળો: હાઇકોર્ટે ફગાવી મુસ્લિમ પક્ષની અરજી

    અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) સંભલની (Sambhal) જામા મસ્જિદના (Jama Masjid) ASI સરવે (Survey) વિરુદ્ધની મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જામા મસ્જિદની કમિટીની રિવિઝન અરજીમાં સંભલ જિલ્લા કોર્ટમાં પેન્ડિંગ મૂળ દાવાની આગળની કોર્ટ કાર્યવાહી પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી. સાથે દલીલ એવી હતી કે, કોર્ટ સરવે કમિશનર એક્સપર્ટની એકપક્ષીય નિયુક્તિ નહીં કરી શકે. જોકે, કોર્ટે અરજી ફગાવી દીધી છે.

    કોર્ટના નિર્ણય બાદ હવે મસ્જિદના સરવેનો માર્ગ મોકળો થઈ ગયો છે. મુસ્લિમ પક્ષે સરવેને પડકારતી અરજી દાખલ કરી હતી, પરંતુ આ વખતે પણ હાઇકોર્ટમાંથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. રિવિઝન અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ આરઆર અગ્રવાલે કેસમાં અંતરિમ આદેશને વિખંડિત કરતા આ આદેશ આપ્યો છે.

    નોંધનીય છે કે, સંભલની કથિત જામા મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હિંદુ પક્ષનો દાવો છે કે, તે હરિહર મંદિર છે અને તેમને ત્યાં પૂજા કરવા માટે જવાની મંજૂરી મળવી જોઈએ. આ સાથે જ એવો પણ દાવો છે કે, ઇસ્લામી આક્રાંતાઓએ ત્યાં મંદિર તોડી પાડ્યું હતું અને તેના સ્થાને જામા મસ્જિદ ઊભી કરી દીધી હતી.