Sunday, June 15, 2025
More

    કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત: 19 જૂને યોજાશે મતદાન, 23એ થશે મતગણતરી

    ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખ અનુસાર, ગુજરાતની આ બંને બેઠકો પર 19 જૂનના રોજ મતદાન યોજવામાં આવશે. આ ઉપરાંત 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 26 મેથી ચૂંટણી માટેના ફોર્મ ભરવાની શરૂ પણ થઈ જશે.

    ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થયું હતું, જે બાદ કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ ઉપરાંત વિસાવદર બેઠક પણ ખાલી પડી હતી. તેથી બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.

    ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ ખાલી પડેલી વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ (AAP) ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. તારીખ જાહેર થયા પહેલાં જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ આ બંને બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરવાની વાત કરી હતી.