Friday, April 11, 2025
More

    જુમ્માની નમાજ પહેલાં આગ્રાની શાહી જામા મસ્જિદમાંથી મળ્યું જાનવરનું કપાયેલું માથું, તપાસ કરી તો પકડાયો નઝરુદ્દીન 

    ઉત્તર પ્રદેશના આગ્રામાં જુમ્માની નમાજ પહેલાં શાહી જામા મસ્જિદમાં (Agra Jama Mosque) કોઈકે જાનવરનું કપાયેલું માથું નાખી દીધું હતું. જ્યારે સવારે લોકો નમાજ માટે પહોંચ્યા ત્યારે તેમને આ અંગે જાણ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.

    માહિતી મળતાં જ ડીસીપી સહિત અનેક પોલીસ સ્ટેશનોની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી. લોકોને સમજાવીને શાંત કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે CCTV કેમેરાની ફૂટેજના તપાસી હતી જેમાં એક વ્યક્તિ મોઢું બાંધેલો જોવા મળ્યો હતો. જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર, મન્ટોલાના રહેવાસી 42 વર્ષીય નઝરુદ્દીને શાહી જામા મસ્જિદમાં જાનવરનું માથું ફેંકી દીધું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નઝરુદ્દીનની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓને ઓળખવા માટે સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ તેમજ સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી હતી.

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નઝરુદ્દીને ચીલ ઘરની એક દુકાનમાંથી જાનવરનું કપાયેલું માથું 250 રૂપિયામાં ખરીદ્યું હતું. આગ્રા જિલ્લા વહીવટીતંત્રે લોકોને સંયમ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.