42 વર્ષ જૂનો હત્યાનો કેસ, આરોપીની ઉંમર 100 વર્ષ… અલ્હાબાદ હાઇકોર્ટે આપી દોષમુક્તિ, કહ્યું– પ્રોસિક્યુશન સાબિત ન કરી શક્યું કેસ

અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં એક 40 વર્ષ જૂના હત્યા કેસમાં એક 100 વર્ષીય વ્યક્તિને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો. કોર્ટે કારણ આપતાં કહ્યું કે પ્રોસિક્યુશન આરોપો સાબિત કરી શક્યું નહીં અને કેસની સુનાવણીમાં પણ ઘણો વિલંબ થયો છે. 23 પાનાંના ચુકાદામાં કોર્ટની ડિવિઝન બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો. રાહત આપતી વખતે કોર્ટે આરોપીની ઉંમર પણ ધ્યાનમાં લીધી.

ઘટના 1982ની છે. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક જમીન વિવાદમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. આ મામલે ત્રણને આરોપી બનાવવામાં આવ્યા હતા. માઈકુ નામના શખ્સ પર ગોળીબાર કરવાનો આરોપ હતો જ્યારે ધનીરામ અને અન્ય એક સત્તી દિન નામના શખ્સ પર તેને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

ત્રણમાંથી મુખ્ય આરોપી માઈકુ ફરાર થઈ ગયો હતો જે પછીથી પકડાયો જ નહીં. બીજી તરફ સેશન્સ કોર્ટે બાકીના બે આરોપીઓને 1984માં આજીવન કેદની સજા ફટકારી હતી. બંનેએ પછીથી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે બંનેને જામીન આપી દીધા હતા, પરંતુ કેસ 40 વર્ષ સુધી હાઇકોર્ટમાં જ રહ્યો. દરમ્યાન એકનું મોત થઈ ગયું, જેથી ધનીરામ એકલો જ બચ્યો હતો. કોર્ટે હવે ધનીરામને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે.

કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે અરજદારે આટલાં વર્ષોમાં જે સામાજિક પરિણામો ભોગવવાં પડ્યાં હશે અને માનસિક અસર થઈ હશે તેને અવગણી શકાય નહીં. પ્રોસિક્યુશન આરોપો સાબિત કરી શક્યું નથી જેથી આરોપીને શંકાનો લાભ આપવો જોઈએ. આ સાથે કોર્ટે કેસમાં થયેલા વિલંબ અને આરોપીની ઉંમર (100 વર્ષ) પણ ધ્યાને લીધી.