યુટ્યુબ ચેનલો, ‘પત્રકારો’ સામે MP પરિમલ નથવાણીનો 100 કરોડનો માનહાનિનો દાવો, 48 કલાકમાં અપમાનજનક સામગ્રી હટાવવાનો કોર્ટનો આદેશ

રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ અમુક કથિત પત્રકારો અને ચેનલો સામે કરેલા માનહાનિના દાવાને અમદાવાદની સિવિલ કોર્ટે મંજૂરી આપીને એકપક્ષીય આદેશ થકી આ તમામને અપમાનજનક સામગ્રી બે દિવસમાં હટાવી લેવા માટે આદેશ આપ્યો છે.

અમદાવાદ રૂરલ કોર્ટના એડિશનલ સિનિયર સિવિલ જજ સી. આર. પટેલે 12 ડિસેમ્બરના રોજ આ આદેશ પસાર કર્યો હતો.

સાંસદ પરિમલ નથવાણીએ X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “મારા દ્વારા દાખલ કરવામાં આવેલા 100 કરોડના માનહાનિના દાવા પર સંજ્ઞાન લઈને કોર્ટે (પોસ્ટમાં સરતચૂકથી હાઇકોર્ટે લખાયું છે) તાત્કાલિક તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મારા વિરુદ્ધની બદનક્ષીભરી સામગ્રી હટાવી લેવા માટે આદેશ આપ્યો છે.”

તેમણે જાણકારી આપતાં કહ્યું કે તેમણે સનાતન સત્ય સમાચાર, સંજાત છેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને બન્ની ગજેરા વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો હતો.

પરિમલ નથવાણીએ કોર્ટમાં અરજી કરીને માગ કરી હતી કે તેમની વિરુદ્ધ આરોપીઓએ મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રકાશિત કરેલી અપમાનજનક સામગ્રી તાત્કાલિક હટાવી લેવા માટે આદેશ આપવામાં આવે, કારણ કે પોતે રાજ્યસભા સાંસદ છે, ઊંચી સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે અને આ પાયાવિહોણા આરોપોના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થવાની સંભાવના છે.

આગળ તેમણે એમ પણ જણાવ્યું હતું કે જેમની વિરુદ્ધ તેમણે અરજી કરી છે તેમાંથી એક પણ પત્રકાર કે ચેનલ કોઈ રજિસ્ટર્ડ સંસ્થા હોય કે એક્રિડેશન પામેલા હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી કે ન તેઓ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, કોઈ સેલ્ફ રેગ્યુલેટરી બોડીમાં રજિસ્ટર્ડ છે. આરોપ એવો પણ લગાવવામાં આવ્યો કે કોઈ પણ પ્રકારના પત્રકારત્વના સિદ્ધાંતો અનુસર્યા વગર ઓનલાઇન કામ કરતા આ કથિત પત્રકારો સનસનાટી ફેલાવવા માટે વ્યક્તિગત અને પ્રોફેશનલ પ્રતિષ્ઠા ખરડતા રહે છે.

કોર્ટે આઠ પાનાંના આદેશમાં જણાવ્યું કે માનહાનિના મામલાઓમાં વચગાળાનો એકપક્ષીય (અન્ય પક્ષને સાંભળ્યા વગર આપવામાં આવતો) આદેશ અત્યંત રેર છે અને એ જ સંજોગોમાં આપી શકાય જ્યારે એ પુરવાર થયું હોય કે આરોપો પ્રથમ દૃષ્ટિએ દ્વેષપૂર્ણ અને જે-તે વ્યક્તિની પ્રતિષ્ઠાને અત્યંત નુકસાન પહોંચાડનારા છે અને જેના માટે પ્રાઈમા ફેસી એવિડન્સ પણ ઉપલબ્ધ હોય.

આગળ કોર્ટે કહ્યું કે આ કેસમાં પરિમલ નથવાણીના પક્ષમાં પ્રથમ દૃષ્ટિએ કેસ પુરવાર થાય છે અને એ દર્શાવે છે કે જો કોઈ હસ્તક્ષેપ કરવામાં ન આવે તો તેમને નુકસાન પહોંચશે. કોર્ટ કહે છે, “એકપક્ષીય આદેશો બહુ કરકસરતાપૂર્વક, અપવાદરૂપ સંજોગોમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે, પણ વર્તમાન અરજીને મંજૂરી આપવી જોઈએ એવું આ કોર્ટ માને છે.”

કોર્ટે તમામને તેમની વેબસાઈટ, ચેનલ, પોર્ટલ અને અન્ય માધ્યમો પરથી 2 દિવસમાં તમામ સામગ્રી હટાવી લેવા માટે આદેશ આપ્યો છે. સાથે જણાવ્યું છે કે જો આ આદેશનું પાલન ન થાય તો પરિમલ નથવાણી 2021ના IT નિયમો હેઠળ આગામી કાર્યવાહી માટે જઈ શકે છે.