મોટાપાયે રમખાણો કરવા માંગતા હતા 5000 ઉપદ્રવીઓ, અન્ય રાજ્યોમાંથી આવીને રોકાયા હતા મસ્જિદોમાં: બરેલી હિંસાની તપાસમાં ઘટસ્ફોટ

બરેલી હિંસાને લઈને હવે તપાસ વધુ તેજ થઈ ગઈ છે. પોલીસ તપાસમાં જાણવાં મળ્યું છે કે આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ એક પૂર્વનિયોજિત કાવતરાંનો ભાગ હતી. ‘આઈ લવ મુહમ્મદ’નાં પોસ્ટરને માત્ર બહાનું બનાવીને આખું શહેર સળગાવવાની મંશા સાથે મુસ્લિમ કટ્ટરપંથીઓ રસ્તા પર ઉતર્યા હતા. આ હિંસા માટે લગભગ 5000 ઉપદ્રવીઓની આખી ફૌજ તૈયાર કરવામાં આવી હતી.

શહેરની 390 મસ્જિદોમાં આ ઉપદ્રવીઓને શરણ આપવામાં આવ્યું હતું અને તેમની પાસે પહેલાંથી જ ઈંટો, પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ જેવા હથિયારો હતાં. પોલીસની સતર્કતાનાં કારણે શહેરને મોટી તબાહીથી બચાવી લેવામાં આવ્યું હતું. જોકે, તેમ છતાં ઘણાં શહેરોમાં એક સાથે હિંસા ભડકી ઉઠી હતી. 

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કાવતરાંના ભાગરૂપે બિહાર અને પશ્ચિમ બંગાળથી મોટી સંખ્યામાં લોકોને બોલાવવામાં આવ્યા હતા. બહારથી આવેલા આ ઉપદ્રવીઓને અલગ-અલગ જગ્યાઓ પર જવાબદારી પણ આપવામાં આવી હતી. હિંસાનાં દિવસે નમાજના બહાને ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓ અને પત્રકારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે હિંસા જાણીજોઈને ફેલાવવામાં આવી હતી, જેનો હેતુ સરકારને બદનામ કરવાનો હતો. 

આ આખા કાવતરાંનો માસ્ટરમાઇન્ડ મૌલાના તૌકીર રઝા ખાન છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે 2010ની જેમ ફરી શહેરમાં રમખાણો કરવા માંગતો હતો. પોલીસે રઝા અને તેની પાર્ટીના 10 નેતાઓની ધરપકડ કરી લીધી છે, જેમાં નદીમ અને શમશાદ પણ સામેલ છે. હમણાં સુધીમાં હિંસામાં સામેળ 73 ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે અને 10 FIR નોંધવામાં આવી છે, જેમાંથી 7 FIRમાં તૌકીર રઝા મુખ્ય આરોપી છે. 

2010ના બરેલી રમખાણો

નોંધનીય છે કે, 2 માર્ચ, 2010ના રોજ બરેલી શહેરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. મૌલાના તૌકીર રઝાનાં ભડકાઉ નિવેદન પછી આ હિંસા શરૂ થઈ હતી. તોફાનીઓએ શરૂઆતમાં ગુદ્દરબાગને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ, કોહાડાપીર અને બડા બજાર સહિત અનેક મુખ્ય બજારો અને ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. શહેરમાં પરિસ્થિતિ એટલી દયનીય હતી કે બળેલાં વાહનો અને ઘરોની સંખ્યા નક્કી કરવી મુશ્કેલ હતી. ઘણા ઘરોમાં નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો હતો.

પોલીસે મૌલાના તૌકીરને આ રમખાણનો મુખ્ય ગુનેગાર માનીને જેલમાં ધકેલી દીધો હતો. તે સમયે મૌલાના તૌકીરનો રાજકીય પ્રભાવ પણ ઘણો હતો. રમખાણોનાં આરોપમાં જેલમાં ધકેલી દીધા બાદ બસપા સરકારે રાતોરાત કાનૂની આરોપો (CrPC ની કલમ 169) દૂર કરી દીધા હતા અને બે દિવસમાં તેને જામીન મળી ગયાં હતાં.

જેલમાંથી મુક્ત થયા પછી પણ મૌલાનાએ વિવાદાસ્પદ નિવેદનો આપવાનાં ચાલુ રાખ્યાં હતાં, જેના કારણે ફરી હિંસા ભડકી ઉઠી હતી. આ રમખાણોએ તે વર્ષે હોળી પર યોજાતી રામ બારાત શોભાયાત્રાની 150 વર્ષ જૂની પરંપરાને પણ વિક્ષેપિત કરી દીધી હતી. રમખાણો ઘણા દિવસો સુધી ચાલ્યાં અને શહેરને સામાન્ય થવામાં પણ ઘણો સમય લાગ્યો હતો.