
સિક્કિમના નામચી જિલ્લામાં આવેલા NHPC તીસ્તા સ્ટેજ VI હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ હાલમાં પણ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અંદર ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે બહુવિધ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે, તેમજ પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળથી ‘ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ’ની (ECL) વિશેષ માઇનિંગ રેસ્ક્યૂ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક પ્રશાસને રંગપો ખાતે મૃતકોની ઓળખ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે, જેથી અન્ય રાજ્યોના પ્રભાવિત પરિવારજનોને યોગ્ય મદદ મળી શકે.
20 શ્રમિકોના મોતની પુષ્ટિ, 5 ગાયબ
આ દુર્ઘટનામાં ફસાયેલ 25માંથી 20 શ્રમિકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે જે કર્મચારીઓ ફસાયેલા છે તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહેવાલ અનુસાર 20માંથી 12 લોકોના મૃતદેહ રિકવર થઈ ચૂક્યા છે તેમાંથી 7ની ઓળખ પણ થઈ ચૂકી છે. અન્ય મૃતદેહોની ઓળખ કરવાના તથા બાકીના શ્રમિકોને શોધવાના પ્રયાસ ચાલુ છે.
ટનલમાં ઓક્સિજનનો સપ્લાય યોગ્ય રીતે જળવાઈ રહે અને બચાવ કાર્યકર્તાઓની સુરક્ષા જળવાય તે રીતે સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામેલા શ્રમિકોમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, અસમ અને ઉત્તરાખંડ જેવા વિવિધ રાજ્યોના પરપ્રાંતિય મજૂરો અને પ્રોજેક્ટ અધિકારીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઘટનાને પગલે સિક્કિમ વિધાનસભામાં બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સરકારે કરી આર્થિક સહાયની જાહેરાત
બીજી તરફ સરકારે પીડિત પરિવારો માટે મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગે મૃતકોના પરિજનોને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની રાહત રકમ આપવાની ઘોષણા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે. આ ઉપરાંત, વડા પ્રધાન રાહત ફંડમાંથી પણ મૃતકોના પરિવારોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની વધારાની સહાય આપવાનું જાહેર કરાયું છે.
કેવી રીતે સર્જાઇ હતી દુર્ઘટના
આ દુર્ઘટના 20 જુલાઈને સોમવારે બપોરે લગભગ 1 વાગ્યા આસપાસ બની હતી. નામચી જિલ્લાના સમરડુંગ ખાતે આવેલી 500 મેગાવોટના હાઇડ્રેલ પ્રોજેક્ટની ટનલમાં અચાનક વિસ્ફોટ થયો હતો. NHPCના જણાવ્યા અનુસાર, ટનલના નિર્માણ અને ડ્રિલિંગ દરમિયાન પથ્થરોની અંદર છુપાયેલો કુદરતી મિથેન ગેસ અચાનક બહાર આવ્યો હતો અને વિસ્ફોટ થયો હતો. આ ધડાકાને કારણે ટનલનો એક ભાગ ધસી પડ્યો હતો અને ઘણા શ્રમિકો અંદર જ ફસાઈ ગયા હતા.
વિસ્ફોટ થવાને કારણે ટનલમાં ભારે માત્રામાં ઝેરી મિથેન અને કાર્બન મોનોક્સાઈડ ગેસ ફેલાઈ ગયો હતો, જેનાથી અંદર ગૂંગળામણ અને આગના લીધે દાઝી જવાની ઘટનાઓ બની હતી. આ બ્લાસ્ટ પાછળનું સાચું કારણ જાણવા માટે સિક્કિમ સરકારે એક હાઇ-લેવલ સ્પેશિયલ કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા છે.

