Tuesday, September 17, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરઆ વર્ષે પણ રક્ષાબંધનની સાથે આવી રહ્યો છે ભદ્રા કાળ: તે શું...

    આ વર્ષે પણ રક્ષાબંધનની સાથે આવી રહ્યો છે ભદ્રા કાળ: તે શું છે અને શા માટે ગણાય છે અશુભ, રક્ષાસૂત્ર બાંધવાને લઈને થઈ રહેલા દાવા પર શું કહે છે જ્યોતિષાચાર્યો?

    જ્યોતિષશાસ્ત્રીઓ સાથેની ગહન ચર્ચા બાદ તે તારણ કાઢી શકાયું છે કે, ભદ્રા કાળ અને રક્ષાબંધનને કોઈ સંબંધ નથી. ભદ્રા કાળ દરમિયાન ધાર્મિક કાર્યો થઈ શકતા નથી, પરંતુ રક્ષાબંધન કોઈ ધાર્મિક કાર્ય નથી, તે માત્ર ઉત્સવની ઉજવણી છે.

    - Advertisement -

    સનાતન ધર્મમાં ઘણા બધા તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં બધા જ તહેવારોનું અનેરું મહત્વ દર્શાવાયું છે. થોડા સમય બાદ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈને દેશભરમાં ખુશી અને ઉલ્લાસ જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. સાથે જ દરેક ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. દર વર્ષે આ તહેવારને ભાઈ-બહેન હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો આ તહેવાર જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે છે. દર વર્ષે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પણ ગયા વર્ષેની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની સાથે ભદ્રા કાળ આવી રહ્યો છે. એવામાં ઘણા લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

    ગત વર્ષે પણ રક્ષાબંધનની સાથે ભદ્રા કાળ હોવાથી લોકોમાં ચર્ચા અને મૂંઝવણ ઊભી થઈ હતી. જ્યોતિષશાસ્ત્રના નામે ઘણી અફવાઓ પણ ચાલી હતી. તેવી જ રીતે આ વર્ષે પણ રક્ષાબંધનની સાથે જ ભદ્રા કાળ હોવાથી લોકોમાં ફરી મૂંઝવણ જોવા મળી રહી છે. 19 ઑગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમાની સાથે રક્ષાબંધન પર્વની પણ શરૂઆત થાય છે, તે સાથે જ જાણવા મળી રહ્યું છે કે, બપોરના લગભગ 1.30 વાગ્યા સુધી ભદ્રા કાળ પણ છે. એટલે રક્ષાબંધન અને ભદ્રા કાળ બંને સાથે આવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રના નામે ઘણી અફવાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, તેથી લોકો જાણવા માંગે છે કે, રક્ષાબંધન પર ભદ્રા કાળ છે, તો તેવામાં રાખડી બાંધવી યોગ્ય છે કે નહીં?

    આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ઑપઇન્ડિયાએ કેટલાક જ્યોતિષાચાર્યનો સંપર્ક કરીને નિષ્કર્ષ શોધ્યો છે. નિષ્કર્ષ જાણતા પહેલાં રક્ષાબંધનનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ભદ્રા કાળ વિશે જાણવું ખૂબ જરૂરી છે. ભદ્રા કાળ દિવસ દરમિયાનનો એવો સમયગાળો છે કે, તેમાં શુભ કાર્ય અથવા ધાર્મિક વિધિ કરવી વર્જિત ગણાય છે. કોઈપણ દૈવિય અનુષ્ઠાન કે પ્રાણપ્રતિષ્ઠા જેવા ધાર્મિક કાર્યો તે સમયગાળા દરમિયાન થઈ શકે નહીં. તો આપણે સૌથી પહેલા રક્ષાબંધન અને ભદ્રા કાળનો સંક્ષિપ્ત ઇતિહાસ જાણીશું.

    - Advertisement -

    રક્ષાબંધન સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ

    ધાર્મિક માન્યતાઓ અનુસાર, રક્ષાબંધનને લગતી ત્રણ મુખ્ય ધારણાઓ આપણે પ્રાચીન ઇતિહાસમાં જોઈ શકીએ છીએ. સૌથી પહેલી ધારણા એ છે કે મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યુહ ભેદવા જઈ રહેલા તરુણ વયના અભિમન્યુની રક્ષા માટે તેમના દાદી અને રાજમાતા કુંતાએ તેમને રાખડી બાંધી હતી ત્યારથી આ પ્રથા પ્રચલિત થઈ હશે એમ ઘણા માને છે.

    બીજી ધારણા પ્રચલિત પૌરાણિક માન્યતાની સાથે જોડાયેલી છે. ભવિષ્યપુરાણ મુજબ, એક વાર બાર વર્ષ સુધી દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. જે સંગ્રામમાં દેવતાઓની હાર થઈ રહી હતી એટલે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા હતા. ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સૂચી પણ ઉપસ્થિત હતા. ઇન્દ્ર દેવની વ્યથા જાણીને ઇન્દ્રાણીએ રક્ષાસૂત્ર તૈયાર કરી ઇન્દ્ર દેવને બાંધ્યું હતું. રક્ષાસૂત્રના કારણે દેવોનો વિજય થયો હતો. ત્યારથી આ પર્વ લોકો ઉમંગથી ઉજવે છે.

    ત્રીજી માન્યતા એ છે કે રાજા બલી જ્યારે પાતાળ લોકમાં જતાં રહ્યા હતા ત્યારે તેણે ભગવાન વિષ્ણુની રાત-દિવસ ઉપાસના કરી ભગવાન પાસેથી હંમેશા માટે સાથે રહેવાનું વરદાન માંગ્યું હતું અને ભગવાન વિષ્ણુએ તેમના આ વરદાનના કારણે રાજા બલી સાથે રહેવું પડ્યું હતું. આ જોઈને માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા હતા. માતા લક્ષ્મી નારદજીએ આપેલા ઉપાય મુજબ પાતાળ લોકમાં ગયા હતા. પાતાળ લોકમાં ગયા બાદ માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુની માંગણી કરી હતી. આ દિવસ હતો શ્રાવણ માસની પૂર્ણિમાનો. કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઈ હતી.

    શું છે ભદ્રા કાળ?

    હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર, ભદ્રા એ શનિદેવની નાની બહેન છે. એવું માનવામાં આવે છે કે ભદ્રાનો જન્મ રાહુ કાળમાં થયો હતો. આ કારણથી ભદ્રાનો સ્વભાવ ઉગ્ર અને તોફાની છે. તે જે કોઈ માટે ખરાબ વિચારે છે તેની સાથે અઘટિત ઘટનાઓ ઘટવા માંડે છે. ભદ્રા પોતાના ભાઈ શનિદેવ વિશે પણ ખરાબ વિચારતી હતી. તેના કારણે શનિદેવ પણ ઘણી સમસ્યાઓમાં ઘેરાઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે ભદ્રાને ભગવાન શિવ દ્વારા કાળનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કારણથી ભદ્રાને અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ ભદ્રા કાળ દરમિયાન શુભ કાર્યો વર્જિત ગણાય છે.

    ભદ્રાના સ્વભાવને સમજવા માટે બ્રહ્માજીએ તેને કાળ ગણન એટલે કે પંચાંગમાં વિશેષ સ્થાન આપ્યું છે. હિંદુ કેલેન્ડર પાંચ મુખ્ય ભાગોમાં વહેચાયેલું છે જેમાં તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણનો સમાવેશ થાય છે. હિંદુ પંચાંગમાં 11 કરણોનો સમાવેશ થાય છે. જેમાં 7મી કરણ વિષ્ટિનું નામ ભદ્રા છે. ભદ્રા કાળને અશુભ ગણવામાં આવે છે. કોઈપણ ધાર્મિક વિધિ કે શુભકાર્ય ભદ્રા કાળ દરમિયાન વર્જિત ગણાય છે.

    જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે. તે જ સમયે તે જીવોને પરેશાન કરે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિમાં રહે છે, ત્યારે ભદ્રા સ્વર્ગલોકના કામમાં અવરોધ લાવે છે. તેવી જ રીતે જો ચંદ્ર કન્યા, તુલા, ધનુ અને મકર રાશિમાં સ્થિત હોય તો ભદ્રા પાતાળ લોકમાં રહે છે. આ જ કારણ છે કે જ્યારે ભદ્રા સ્વર્ગ અને પાતાળમાં હોય છે ત્યારે જ પૃથ્વીના જીવોએ કોઈપણ શુભ કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

    ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી જોઈએ કે નહિ?

    રક્ષાબંધનની સાથે ભદ્રા કાળ આવતું હોવાથી ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવવું કે નહીં તે પ્રશ્નનો જવાબ જાણવા માટે ઑપઇન્ડિયાએ ચાર જ્યોતિષાચાર્યોનો સંપર્ક કર્યો હતો. જ્યોતિષાચાર્યો સાથે થયેલા જ્યોતિષી સંવાદ અને ધાર્મિક ચર્ચાના આધારે જાણવા મળ્યું છે કે ભદ્રા કાળ દરમિયાન ધાર્મિક વિધિ કે શુભકાર્ય થઈ શકતું નથી.

    જ્યોતિષવિદ અને મોડેલ સ્કૂલ તળાજાના આચાર્ય તથા ભાવનગર શિક્ષણાધિકારી વિશાલભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે “રક્ષાબંધન એક તહેવાર ગણાય છે. એ કોઈ ધાર્મિક વિધિ નથી. જેવી રીતે નવરાત્રિ, દિવાળી અને મકરસંક્રાંતિ જેવા તહેવારો પર મુહૂર્ત જોવામાં આવતું નથી તેવી જ રીતે રક્ષાબંધન પણ એક પારંપરિક તહેવાર છે. સાથે જ બહેન દ્વારા બાંધવામાં આવતી રાખડીનું કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી. કારણ કે બહેનની રાખડી જ એક પ્રકારની રક્ષા ગણાય છે. તેમાં ભદ્રા કાળનો કોઈપણ ભય રહેતો નથી.”

    સાથે જ બીજા એક જ્યોતિષવિદ બ્રાહ્મણ રવિશંકરભાઈ રાજ્યગુરુ દ્વારા એ પણ જણાવાયું હતું કે, “રક્ષાબંધન ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર હોવાથી ગમે તે મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવે તો પણ તે શુભ થઈ રહે છે. ચોક્કસપણે ભદ્રા કાળ અને અન્ય ગ્રહો-નક્ષત્રોના આધારેની સમય અવધિ અમુક કાર્યોમાં બાધારૂપ બની શકે છે. પરંતુ ભદ્રા કાળ માત્ર ધાર્મિક વિધિ માટે જ બાધારૂપ બને છે. રક્ષાબંધન ધાર્મિક વિધિ કે અનુષ્ઠાન નથી, તે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતો એક તહેવાર માત્ર છે. તેથી ભદ્રા કાળનો ભય રક્ષાબંધનના તહેવાર પર રહેતો નથી.” તે સિવાય અન્ય બે જ્યોતિષશાસ્ત્રીઓ હિતેષભાઈ જોશી અને કમલકાંત રાવલે પણ તે જ તારણ કાઢ્યું છે કે, રક્ષાબંધનના પર્વને ભદ્રા કાળ સાથે સંબંધ નથી.

    મૂંઝવણનું સમાધાન પણ જરૂરી

    જ્યોતિષશાસ્ત્રીઓ સાથેની ગહન ચર્ચા બાદ તે તારણ કાઢી શકાયું છે કે, ભદ્રા કાળ અને રક્ષાબંધનને કોઈ સંબંધ નથી. ભદ્રા કાળ દરમિયાન ધાર્મિક કાર્યો થઈ શકતા નથી, પરંતુ રક્ષાબંધન કોઈ ધાર્મિક કાર્ય નથી, તે માત્ર ઉત્સવની ઉજવણી છે. બીજી તરફ, રક્ષાસૂત્રનો અર્થ જ એ છે કે, ગમે તેવા વિકટ સમયમાં આપણી રક્ષા થઈ શકે. તેથી સોશિયલ મીડિયામાં ચાલી રહેલી તે ચર્ચા કે, ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી વર્જિત છે, તે પાયાવિહોણી અને શાસ્ત્ર વિરુદ્ધ છે. આ તારણ નીકળ્યું હોવા છતાં પણ ઘણા લોકો શંકા સેવી રહ્યા હશે કે ખરેખર ભદ્રા કાળ દરમિયાન રક્ષાબંધન ઉજવી શકાય કે નહીં. તો તેમની શંકાના સમાધાન માટે એક ઉપાય પણ છે. તેવા લોકોએ એ જાણવું જરૂરી છે કે નિર્ણયસિંધૂ અને ધર્મસિંધૂ જેવા હિંદુ ગ્રંથો અનુસાર જ્યારે સુદ પક્ષમાં પૂનમના દિવસે ભદ્રા હોય ત્યારે તે ભદ્રાને વૃશ્ચિક ભદ્રા કહેવામાં આવે છે.

    વૃશ્ચિક ભદ્રાના શરૂઆતની ત્રણ ઘડી ત્યાગવી જોઈએ એટલે કે ભદ્રાકાળના શરૂઆતની 72 મિનિટનો ત્યાગ કર્યા બાદ કોઈપણ ધાર્મિક અને શુભ કાર્ય કરી શકાય છે. ટૂંકમાં 19 ઑગસ્ટ ને સોમવારના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 7.50 મિનિટ સુધીના સમયગાળા દરમિયાન રાખડી બાંધી શકાય છે. તેમ છતાં પણ જો શંકા રહે તો એક વાત સ્પષ્ટ છે કે, સોમવારે બપોરે 1.30 કલાકે ભદ્રા કાળ પૂર્ણ થાય છે, તો 1.30 વાગ્યા બાદ રાખડી બાંધી શકાય છે. જોકે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ભદ્રા કાળ અને રક્ષાબંધનને કોઈ સંબંધ નથી, પરંતુ શંકાના સમાધાન માટે ઉપરોક્ત ઉપાયો કરી શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં