Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ84 સેકન્ડના અભિજિત મુહૂર્તમાં 'ભારતવર્ષના પ્રાણ'ની થશે પ્રતિષ્ઠા: 500 વર્ષના સંઘર્ષ બાદ...

    84 સેકન્ડના અભિજિત મુહૂર્તમાં ‘ભારતવર્ષના પ્રાણ’ની થશે પ્રતિષ્ઠા: 500 વર્ષના સંઘર્ષ બાદ રામલલા ગર્ભગૃહમાં થશે વિરાજિત, અયોધ્યા નગરીમાં ગુંજી ઉઠશે મંગલધ્વનિ

    શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યેને 29 મિનિટે અને 08 સેકન્ડથી 12 વાગ્યેને 30 મિનિટ અને 32 સેકન્ડનું રહેશે. એટલે કે આ પવિત્ર કાર્યનું મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું જ છે.

    - Advertisement -

    22 જાન્યુઆરીનો દિવસ ભારત માટે અતિમહત્વપૂર્ણ છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આજે અંતિમ ચરણ છે. પ્રભુ શ્રીરામલલા 500 વર્ષોના લોહિયાળ સંઘર્ષ બાદ આખરે પોતાના રાજભવનમાં પહોંચશે. આજે (22 જાન્યુઆરી) ‘સનાતનના પ્રાણ’ની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર ભારતવર્ષમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. રાત્રિના 12 વાગ્યાથી જ ફટકડા અને મધુર મૃદંગોનો ધ્વનિ ગુંજી ઉઠ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તે પહેલાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રામ નગરી અયોધ્યાને આધ્યાત્મિક રંગ અપાયો છે.

    22 જાન્યુઆરીના પાવન દિવસે અયોધ્યામાં ભગવાન રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોની નજર પ્રાણપ્રતિષ્ઠાના આ ઐતિહાસિક ક્ષણ પર છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા માટે ન્યૂનતમ વિધિ અને અનુષ્ઠાન રાખવામાં આવ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મુજબ, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર થનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં 10 વાગ્યે મંગલધ્વનિનું ભવ્ય વાદન થશે. સમગ્ર અયોધ્યા આ પવિત્ર ધ્વનિનું સાક્ષી બનશે. આ ઉપરાંત રામ જન્મભૂમિ પર મહેમાનોનું આગમન પણ શરૂ થઈ જશે. મહેમાનોએ 10:30 વાગ્યા સુધીમાં મંદિર પરિસરમાં પ્રવેશ કરવાનો રહેશે.

    22 જાન્યુઆરીએ 12:20 વાગ્યે પ્રાણપ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવશે. તે પહેલાં તમામ આમંત્રિત દેવતાઓનું આહ્વાન કરવામાં આવશે. ચારે વેદોના મંત્રો અને ઋચાઓથી આકાશ ગુંજી ઉથશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભગવાન રામલલાને દિવ્ય સ્નાન કરાવવામાં આવશે. સાથે જ તેમને અમૂલ્ય આભૂષણો પહેરાવવામાં આવશે. ભગવાનનો સુંદર શૃંગાર કરવામાં આવશે.

    - Advertisement -

    12:20ના ટકોરે શરૂ થશે પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ

    રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય અને અંતિમ વિધિ 12:20 વાગ્યાના સમયે શરૂ કરવામાં આવશે. આ પૂજા અને વિગ્રહ અનુષ્ઠાન અભિજિત મુહૂર્તમાં શરૂ થશે. આ તિથિ અને મુહૂર્ત કાશીના વિદ્વાન અને વૈદિક શાસ્ત્રોના પારંગત ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડે કાઢ્યું છે. શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યેને 29 મિનિટે અને 08 સેકન્ડથી 12 વાગ્યેને 30 મિનિટ અને 32 સેકન્ડનું રહેશે. એટલે કે આ પવિત્ર કાર્યનું મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું જ છે.

    શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે. તમામ અનુષ્ઠાનો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત સંબોધન કરશે. આ ઉપરાંત પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ સાંજે રામ જ્યોતિ પ્રજ્જ્વલિત કરીને દિવાળી પણ મનાવવામાં આવશે. સાથે સમગ્ર દેશમાં પણ દીપ પ્રજજ્વલિત કરવામાં આવશે. દેશના કરોડો લોકો આજના આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે રામના રંગે રંગાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં