496 વર્ષની પ્રતીક્ષા, પાંચ સૈકાઓનો સંઘર્ષ, કરોડો હિંદુઓના તપ, સાધુ-સંતોના આશીર્વાદ અને લાખો રામભક્તોના ત્યાગ-બલિદાન પછી 22 જાન્યુઆરી, 2024નો શુભ દિવસ આવ્યો હતો. ગઈકાલે આ પવિત્ર દિવસને બરાબર એક વર્ષ પૂરું થયું. જોકે રામ મંદિર ટ્રસ્ટે પ્રતિષ્ઠા દ્વાદશી નામથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠ હિંદુ કેલેન્ડર પ્રમાણે 11 જાન્યુઆરીએ ભવ્ય રીતે ઉજવી હતી. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો 22 જાન્યુઆરી, 2025ના દિવસે પહેલી વર્ષગાંઠ આવે.
22 જાન્યુઆરી, 2024ની તારીખ ઇતિહાસમાં અમર થઈ ગયેલી તારીખોમાંની એવી એક તારીખ છે, જે એક યુગાંતકારી ઘટનાની સાક્ષી રહી. હમણાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે જ્યારે 22 જાન્યુઆરી, 2024ના દિવસ પર ટિપ્પણી કરી તો રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ અવળું લઈને તેમની ઉપર તૂટી પડ્યા હતા, પણ તેમણે કરેલી વાત સો ટચના સોના જેવી છે. 15 ઑગસ્ટ, 1947ના દિવસે એક ‘દેશને’ સ્વતંત્રતા મળી હતી. 22 જાન્યુઆરી, 2024ના દિવસે એક ‘રાષ્ટ્ર’ સ્વતંત્ર થયું. તેની સામૂહિક ચેતના જાગૃત થઈ.
સ્વતંત્રતા મળી અને બ્રિટિશ ગયા પણ તેમણે વર્ષોની ‘મહેનતે’ જે માનસિકતા આપણી અંદર ઘૂસાડી દીધી હતી એ માનસિકતા જેમની તેમ રહી હતી. ઉપરથી શાસન હાથમાં આવ્યું ત્યારે ડાબેરી-ઇસ્લામી ઇકોસિસ્ટમે સંસ્થાઓ ઉપર કબજો મેળવી લીધો અને વર્ષો સુધી એક સુવ્યવસ્થિત એજન્ડાના ભાગરૂપે આપણને કહેવામાં આવતું રહ્યું કે મંદિરનિર્માણ, ભક્તિ આ બધું રૂઢિવાદી કે પછાત માનસિકતા છે અને આધુનિકતા તરફ આગળ વધતા હોઈએ ત્યારે તેની કોઈ જરૂર નથી. જેમ-જેમ રામ મંદિર પરત મેળવવા માટેની ચળવળ ચાલતી રહી તેમ આ ટોળકીના પ્રયાસો પણ વધારે બળવત્તર બનતા ગયા. મંદિર પરત માંગનારાઓને કોમવાદીમાં ખપાવી દેવાના ભરપૂર પ્રયત્નો થયા, આપણને કહેવામાં આવ્યું કે મંદિરના સ્થાને શાળાઓ અને હોસ્પિટલો બાંધવી જોઈએ. (આ બદમાશો અયોધ્યામાં પાંચ એકર જમીન પર મસ્જિદના સ્થાને હોસ્પિટલ કે સ્કૂલ બનાવવી જોઈએ એવું કહેવા ગયા નથી એ આપની જાણ સારુ.)
પરંતુ આપણે આ ફાલતુ અને બદમાશીપૂર્વક ઘડવામાં આવેલા નરેટિવને અપનાવ્યા વગર અને તેની તરફ ધ્યાન આપ્યા વગર આપણે જે કરવાનું હતું એ ચાલુ રાખ્યું અને 22 જાન્યુઆરી, 2024ના દિવસે અયોધ્યાની એ જ ભૂમિ ઉપર મંદિર બનાવ્યું, જ્યાં પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો. તેની સાથે જ આપણે એ માનસિકતાને પણ લાત મારીને એક રૂમમાં બંધ કરીને કાયમને માટે તાળું મારી દીધું.
રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કોઈ સામાન્ય ઘટના ન હતી. આ યુગની એવી મહાન ઘટના હતી જે આવનારા દાયકાઓ સુધી એ વાતની સાબિતી આપતી રહેશે કે સનાતન શા માટે સનાતન કહેવાય છે અને કેમ અનાદિકાળથી ચાલતી આવતી આ સભ્યતા આજે પણ અડીખમ છે. 1528માં બાબરના આદેશથી મીર બાંકીએ મંદિર તોડીને ત્યાં ઢાંચો તાણી બાંધ્યો હતો. 6 ડિસેમ્બર, 1992ના પવિત્ર દિવસે આપણે એ ઇતિહાસની એક ભૂલ સુધારી અને 22 જાન્યુઆરી, 2024ના દિવસે બાકીનું કામ પૂરું કર્યું.
બંને ઘટનાઓ વચ્ચે 496 વર્ષનું અંતર છે. આ બહુ મોટો કાળખંડ કહેવાય. કેટલી પેઢીઓ ગઈ, ત્યારપછી દેશે મુઘલ શાસન અને અંગ્રેજ શાસન જોયું. દેશ સ્વતંત્ર થયો, લોકશાહી સ્થાપિત થઈ અને કેટકેટલું પરિવર્તન આવ્યું. પણ મંદિર બનાવવાનો સંકલ્પ જે 1500ના વર્ષમાં હતો એ સંકલ્પ કરોડો હિંદુઓએ જાળવી રાખ્યો. એ સંકલ્પની સિદ્ધિ માટે પાંચસો વર્ષ સંઘર્ષ ચાલ્યો. પડકારો વેઠતા રહ્યા, પેઢીઓ આવતી રહી પણ હિંદુ આસ્થાના, ચેતનાના કેન્દ્રમાં રામ મંદિરનું સ્થાન યથાવત રહ્યું.
સનાતન સંસ્કૃતિના પાયામાં મંદિરો છે. મંદિરો પહેલાં પણ બનતાં રહ્યાં છે. મંદિરો પછી પણ બનતાં રહેશે. આમ તો રામ મંદિર માટેનો સંઘર્ષ ચાલતો હતો ત્યારે પણ આપણે અનેક ભવ્ય મંદિરો બાંધ્યાં જ હતાં. સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને ભવ્ય મંદિર સરદાર વલ્લભભાઈએ તેમની હયાતીમાં બનાવ્યું હતું. ત્યારપછી પણ દેશમાં મોટાં મંદિરો બનતાં રહ્યાં. પણ અયોધ્યામાં અને એ પણ રામ જન્મભૂમિ ઉપર જ મંદિર નિર્માણ થવું અત્યંત આવશ્યક હતું.
હિંદુઓએ અને એક રીતે ભારતે એ સાબિત કર્યું કે આ નવું ભારત સતત આગળ વધતું રહેશે અને તેના કેન્દ્રમાં મંદિરો હશે, સનાતન આસ્થા અને સંસ્કૃતિ હશે. સેક્યુલરો એક શાળા અને હોસ્પિટલની માંગ કરતા હતા. આજે મંદિર એક જ વર્ષમાં એટલું સક્ષમ બની ગયું છે કે દર મહિને એક નવી શાળા કે હોસ્પિટલ ખોલી શકે અને વર્ષો સુધી તેનો ખર્ચ પણ નિભાવી શકે. એ સાબિતી છે કે મંદિરો માત્ર ધાર્મિક રીતે નહીં પણ સામાજિક અને આર્થિક રીતે પણ એક રાષ્ટ્રની ઉન્નતિનાં આરંભબિંદુ તરીકે કામ કરે છે.
રામ મંદિરના નિર્માણથી થોડીઘણી સુષુપ્ત થઈ ગયેલી સનાતન ચેતના પુનર્જાગૃત થઈ અને ફરીથી વિશ્વભરના સનાતનીઓમાં એ વિશ્વાસ બેઠો કે દ્રઢ સંકલ્પશક્તિ અને સામૂહિક પુરુષાર્થના જોરે ફરીથી બેઠું થઈ શકાય છે. ઇતિહાસની ભૂલો સુધારી શકાય છે અને ફરીથી ભગવો લહેરાવી શકાય છે. આ રામ મંદિર હવે યુગો-યુગો સુધી હિંદુ આસ્થાના નવયુગારંભના પ્રતીક તરીકે અડીખમ રહેશે. તેના નિર્માણના કારણે જે ચેતના જાગૃત થઈ છે, જે ઊર્જા મળી છે તેનાથી હિંદુ સમુદાય ન માત્ર કાશી અને મથુરા પણ એ દરેક ધર્મસ્થાનકો પરત મેળવશે, જેના માટે પૂર્વજોએ બલિદાનો આપ્યાં હતાં.