ભારતના સાંસ્કૃતિક વારસામાં અનેક મંદિરોએ પોતાનો સિંહફાળો આપ્યો છે. દેશના વિવિધ વિસ્તારોમાં આવેલા આ મંદિરો હિંદુઓના ધાર્મિક અને આસ્થાના પ્રતિક તરીકે આજે પણ અડીખમ છે. તેમાંનું એક મંદિર છે કાશ્મીરનું (Kashmir) ખીર ભવાની મંદિર (Kheer Bhawani Temple). જમ્મુ અને કાશ્મીરના ગંડરબલ જિલ્લામાં શ્રીનગરથી 14 કિલોમીટર પૂર્વમાં તુલમુલા ગામમાં આવેલું ખીર ભવાની મંદિર હિંદુઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. આ મંદિર માતા ખીર ભવાની, જેને મહારજ્ઞા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું પવિત્ર સ્થાનક છે. આ મંદિરની ખાસિયત તેની સાથે જોડાયેલ ઝરણું છે, જેનો રંગ આવનારા સંકટોના સંકેત આપે છે.
ઇતિહાસ અને નિર્માણ
ખીર ભવાની મંદિરનો ઇતિહાસ પ્રાચીન કાશ્મીરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો છે. આ મંદિરનું નિર્માણ મહારાજા પ્રતાપ સિંઘે 1912માં કરાવ્યું હતું, જે તે સમયે જમ્મુ અને કાશ્મીરના શાસક હતા. જોકે, આ સ્થળનું ધાર્મિક મહત્વ ઘણું પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ રાજતરંગિણી અને ભૃગુ સંહિતામાં પણ જોવા મળે છે. રાજતરંગિણી 12મી સદીમાં કલ્હણ દ્વારા રચિત કાશ્મીરનો ઇતિહાસ દર્શાવતો ગ્રંથ છે, તેમાં આ સ્થળને દેવીના પવિત્ર તીર્થ તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. ભૃગુ સંહિતામાં પણ આ મંદિરના આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથોમાં દેવી ખીર ભવાનીને શક્તિના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે ભક્તોનું રક્ષણ કરે છે.
ઝરણાનું રહસ્ય
ખીર ભવાની મંદિરની સૌથી અનોખી વિશેષતા તેનું ઝરણું છે, જે મંદિરની નજીક આવેલું છે અને સ્વયં માતા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ ઝરણું આવનારી આફતોના સંકેત આપે છે. જ્યારે પણ કાશ્મીર ઘાટીમાં કોઈ મોટું સંકટ આવવાનું હોય ત્યારે ઝરણાના પાણીનો રંગ બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે, 1990ના દાયકામાં જ્યારે કાશ્મીરી પંડિતોનો નરસંહાર થયો હતો અને તેમણે કાશ્મીર છોડવું પડ્યું હતું, ત્યારે ઝરણાનો રંગ કાળો થઈ ગયો હતો.
આ ઘટના ભક્તોમાં ખૂબ ચર્ચાઈ હતી. આવી જ રીતે 1999ના કારગિલ યુદ્ધ પહેલાં ઝરણાનો રંગ લાલ થયો હતો અને 2014ના પૂર તેમજ કોવિડ-19ની મહામારી પહેલાં પણ ઝરણાના રંગમાં ફેરફાર જોવા મળ્યો હતો. આ રહસ્યના કારણે ન માત્ર કાશ્મીરી પંડિતો, પરંતુ સ્થાનિક લોકો પણ આ ઝરણામાં શ્રદ્ધા રાખે છે.
આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ
1990ના દાયકામાં કાશ્મીર ઘાટીમાં ઇસ્લામી જેહાદના કારણે કાશ્મીરી હિંદુઓએ મોટાપાયે પલાયન કરવું પડ્યું હતું. આ સમયે ખીર ભવાની મંદિર તેમના માટે આશાનું કેન્દ્ર બન્યું હતું. ઝરણાના રંગમાં બદલાવ આ દુઃખદ ઘટનાનું પ્રતીક બન્યો હતો. આ ઘટનાએ મંદિરના આધ્યાત્મિક મહત્વને વધુ પ્રકાશિત કર્યું હતું. આજે પણ દર વર્ષે વસંત ઋતુમાં ખીર ભવાની જયંતિ નિમિત્તે હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે અને માતાને ખીરનો પ્રસાદ ચઢાવે છે, જેના કારણે દેવીનું નામ ખીર ભવાની પડ્યું છે. દરવર્ષે આ સ્થળ પર મેળો પણ ભરાય છે.
ખીર ભવાની મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ કાશ્મીરી હિંદુઓની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. આ મંદિરમાં દર વર્ષે યાત્રાળુઓની ભીડ ઉમટે છે અને ખાસ કરીને જયેષ્ઠ અષ્ટમીના દિવસે મોટો મેળો ભરાય છે. મંદિરના શાંત અને પવિત્ર વાતાવરણમાં ભક્તોને આધ્યાત્મિક શાંતિ મળે છે. ઝરણાના રંગના ફેરફારની ઘટનાઓએ આ સ્થળને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ચર્ચાનું કેન્દ્ર પણ બનાવ્યું છે. આજે પણ લાખો કાશ્મીરી હિંદુઓ માતા ભવાનીને પોતાના સંરક્ષક દેવી તરીકે પૂજે છે.