Monday, July 14, 2025
More
    હોમપેજએક્સપ્લેઇનરનવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે...

    નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા: વાંચો આધ્યાત્મ અને પરંપરાના આ અદભૂત સંગમ વિશે

    જોકે, વૈદિક પરંપરામાં મંદિરની મૂર્તિઓને ગર્ભગૃહમાંથી ખસેડવામાં આવતી નથી, પરંતુ જગન્નાથ રથયાત્રા અને બાહુડા યાત્રા એ અપવાદ છે. આ યાત્રા દરેક વ્યક્તિને ભગવાનના દર્શનનો અધિકાર આપે છે, જે તેને લોકધર્મી ઉત્સવ બનાવે છે.

    - Advertisement -

    ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યાત્રા અષાઢ માસની શુક્લ પક્ષની બીજના દિવસે નીકળે છે, જેને લોકબોલીમાં અષાઢી બીજ તરીકે ઓળખવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (બલરામ) અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને નગરચર્યા કરે છે અને ભક્તોને દર્શન આપે છે. આ યાત્રા દરમિયાન અનેક પરંપરાનું પાલન કરવામાં આવે છે. 

    આ યાત્રાની એક અગત્યની પરંપરા કછે બાહુડા યાત્રા (Bahuda Yatra). આ યાત્રા રથયાત્રાના નવમા દિવસ બાદ ભગવાન જગન્નાથની નિજમંદિર પરત ફરવાની યાત્રા છે. આ પરંપરા મુજબ ભગવાનને નગરચર્યા બાદ નિજમંદિર (શ્રીમંદિર) એટલે કે, પુરીના મુખ્ય મંદિર સુધી લઈ જવામાં આવે છે. આ દરમિયાન માનવમહેરામણ ઉમટી પડે છે અને ભગવાનના દર્શન કરે છે. અનેક પૌરાણિક અને વૈદિક અનુષ્ઠાનો બાદ ભગવાનને નિજમંદિર સુધી લઈ જવામાં આવે છે અને ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. આપણે આ યાત્રા વિશે વિગતે ચર્ચા કરીશું. 

    શું છે બાહુડા યાત્રા? 

    બાહુડા યાત્રા એ જગન્નાથ રથયાત્રાનો બીજો તબક્કો છે, જેમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને સુભદ્રાજી શ્રીગુંડીચા મંદિર (જેને ભગવાનના માસીનું ઘર અથવા જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે) ખાતે નવ દિવસના વિશ્રામ બાદ પોતાના નિજમંદિર (શ્રી જગન્નાથ મંદિર) પરત ફરે છે. આ યાત્રા અષાઢ માસની શુક્લ પક્ષની દશમી તિથિએ યોજાય છે અને તેને ‘બાહુડા’ (ઓડિયા ભાષામાં– પરત ફરવું) યાત્રા કહેવામાં આવે છે. આ દિવસે ત્રણેય દેવતાઓના રથોને ભક્તો દ્વારા ખેંચીને ગુંડીચા મંદિરથી શ્રીમંદિર સુધી લઈ જવામાં આવે છે.

    - Advertisement -

    આ યાત્રા ભક્તિ, આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનું પ્રતીક છે, જેમાં લાખો ભક્તો ભગવાનના દર્શન અને રથ ખેંચવાનો પુણ્યલાભ મેળવવા ઉમટી પડે છે. આ દરમિયાન મહાભોગનું આયોજન પણ કરવામાં આવે છે અને ભગવાનને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે વિશ્રામ આપીને ભોજન કરાવવામાં આવે છે. ત્યારબાદ યાત્રા ફરીથી શરૂ થાય છે અને શ્રીમંદિર જઈને અટકે છે. 

    ધાર્મિક અનુષ્ઠાનો સાથે પૂર્ણ થાય છે બાહુડા યાત્રા

    બાહુડા યાત્રા એ રથયાત્રાની જેમ જ ભવ્ય અને ધાર્મિક વિધિઓથી ભરપૂર હોય છે. આ યાત્રાની પહેલાં અને બાદમાં અનેક મુખ્ય અનુષ્ઠાન કરવામાં આવે છે. તે મુખ્ય અનુષ્ઠાનો પૂર્ણ થયા બાદ જ ભગવાનની યાત્રાને આગળ લઈ જવામાં આવે છે. બાહુડા અનુષ્ઠાન સવારે 4 કલાલની મંગલા આરતી સાથે શરૂ થાય છે. ત્યારબાદ મૈલામા, તડપા લાગી, રોશા હોમ, અવકાશ નીતિ, સૂર્યપૂજા. દ્વારપાલ પૂજા, ગોપાલ વલ્લભા, સકલા ધૂપ, સેનાપત લાગી અને મંગલાર્પણ વિધિ કરવામાં આવે છે. તે સિવાય કેટલાક મુખ્ય અનુષ્ઠાન કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. 

    દક્ષિણ મોડા – આ અનુષ્ઠાન મુજબ, ભગવાનના ત્રણેય રથોને દક્ષિણ દિશા તરફ, એટલે કે ભગવાન શ્રીજગન્નાથના નિજમંદિર તરફ વાળવામાં આવે છે. આ પરંપરા ભગવાનની ઘરે પરત ફરવાની તત્પરતા દર્શાવે છે. 

    સંધ્યા દર્શન – ભગવાનની વાપસીના એક દિવસ પહેલાં સાંજના સમયે ત્રિદેવની મહાઆરતી કરવામાં આવે છે અને ભક્તોને દર્શન આપવામાં આવે છે. આ દર્શનને સંધ્યા દર્શન કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, ત્રિકાલ સંધ્યા જેટલું પુણ્ય ભગવાનના સંધ્યા દર્શન માત્રથી મળે છે. 

    પહંડી વિધિ –  બાહુડા યાત્રાની વાસ્તવિક શરૂઆત ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને રથોમાં બિરાજમાન કરવા માટેની પહંડી વિધિથી થાય છે. આ વિધિમાં દેવી-દેવતાઓની મૂર્તિઓને ગુંડીચા મંદિરના ગર્ભગૃહમાંથી ભક્તિભાવ સાથે રથો સુધી લઈ જવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે થાય છે.

    રથ ટાણા – આ પરંપરામાં લાખો ભક્તો દ્વારા રથોને દોરડાંથી ખેંચીને ગુંડીચા મંદિરથી શ્રી જગન્નાથ મંદિર સુધી લઈ જવામાં આવે છે. આ રથોમાં ભગવાન જગન્નાથનો રથ (નંદીઘોષ), ભગવાન બલભદ્રનો રથ (તાલધ્વજ) અને દેવી સુભદ્રાનો રથ (દર્પદલન) હોય છે. 

    પોડા પીઠા પ્રસાદમ – બાહુડા યાત્રા દરમિયાન ત્રિદેવના રથો મૌસીમાં મંદિર (ભગવાનના માસીનું મંદિર) ખાતે થોડા સમય માટે વિરામ લે છે, જ્યાં ભક્તોને ‘પોડા પીઠા’ નામનો પ્રસાદ આપવામાં આવે છે. આ એક પ્રકારનો રોટલો છે, જે ખાસ કરીને ગરીબ લોકોનો મુખ્ય ખોરાક ગણાય છે.

    નિજમંદિરમાં પુનઃપ્રવેશ – ત્યારબાદ ત્રિદેવના રથો શ્રી જગન્નાથ મંદિર પહોંચે ત્યારે ભગવાનને પહંડી વિધિ દ્વારા ગર્ભગૃહમાં પુનઃસ્થાપિત કરવામાં આવે છે. શ્રીમંદિરમાં પ્રવેશ પહેલાં ત્રિદેવના રથને ‘સિંહદ્વાર’ પર અટકાવી દેવામાં આવે છે અને ભગવાન જગન્નાથજીના રથને ગજપતિ મહારાજના મહેલ પાસે અટકાવવામાં આવે છે. અહીં જ દેવી લક્ષ્મી પ્રતિક્ષા બાદ ભગવાન જગન્નાથને જુએ છે. આ પરંપરાને ‘લક્ષ્મી-નારાયણ ભેટા’ તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન દેવી લક્ષ્મીની પાલખીને જગન્નાથજીના રથની સન્મુખ લાવવામાં આવે છે, જોકે, દેવી લક્ષ્મીની પાલખી આવે તે સમયે ભગવાન બલભદ્રના રથને પડદાથી ઢાંકી દેવામાં આવે છે. હિંદુ પરંપરા અનુસાર, પતિના મોટા ભાઈ માટે આ સન્માન અને મર્યાદા દર્શાવે છે.

    દેવી લક્ષ્મીની મુલાકાત આટલે નથી અટકતી. આ દરમિયાન ગજપતિ મહારાજ દ્વારા દેવી લક્ષ્મીનું સ્વાગત કરવામાં આવે છે અને ‘દહીપતિ મનોહી’નો પ્રસાદ અર્પણ કરવામાં છે. ત્યારબાદ ગજપતિ પોતાના મસ્તક પર દેવી લક્ષ્મીની મૂર્તિને મૂકીને ભગવાન જગન્નાથ તરફ લઈને જાય છે. માન્યતા છે કે, દૈવિય યુગલ એકબીજા સાથે વાતો કરે છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ દેવી લક્ષ્મીને માળાની ભેટ આપે છે. ત્યારપછી દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથના ‘નંદીઘોષ’ રથની પ્રદક્ષિણા કરે છે અને મંદિરમાં પરત ફરે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ આગળ વધીને સિંહદ્વાર પર પહોંચે છે અને પોતાના બહેન અને ભાઈ સાથે આવીને ઊભા રહે છે.

    માન્યતા અનુસાર, એકલા નગરયાત્રા કરવાને લઈને દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથજીથી રિસાઈ જાય છે અને વિજયા પ્રવેશદ્વારનો દરવાજો ખોલતા સેવકોને અટકાવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ અને માતા લક્ષ્મી વચ્ચે સંવાદ થાય છે. યાત્રા ત્યારે જ આગળ વધે છે, જ્યારે જગતના તાત પોતાના પત્ની જગત માતા લક્ષ્મી સમક્ષ પોતાની ભૂલ સ્વીકારે છે અને તેમનું મો મીઠું કરાવે છે. ત્યારબાદ દેવી લક્ષ્મી સ્વયં દ્વાર ખોલે છે અને ભગવાનની નિજમંદિરમાં પુનઃસ્થાપના થાય છે.

    બાહુડા યાત્રા સાથે જોડાયેલી માન્યતાઓ

    બાહુડા યાત્રા સાથે અનેક પૌરાણિક માન્યતાનો પણ જોડાયેલી છે. પૌરાણિકની સાથે કેટલીક લોકમાન્યતાઓ પણ આ પરંપરામાં વણાઈ ગઈ છે. ભગવાનની નગરચર્યા બાદ નિજમંદિરમાં પુનઃસ્થાપિત કર્યાં પછી વૈદ્ય દ્વારા ભગવાનના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે. તે સિવાય પણ અનેક માન્યતાઓ આ પરંપરામાં જોડાયેલી છે. 

    દેવી સુભદ્રાની ઈચ્છા – એક પૌરાણિક કથા અનુસાર, ભગવાન કૃષ્ણના બહેન દેવી સુભદ્રાએ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની આ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન જગન્નાથ (કૃષ્ણનું સ્વરૂપ) અને બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરયાત્રા કરે છે. આ યાત્રા દરમિયાન તેઓ ગુંડીચા મંદિર ખાતે તેમના માસીના ઘરે રોકાય છે અને નવ દિવસ બાદ બાહુડા યાત્રા દ્વારા પરત ફરે છે. 

    ભગવાનના બીમાર થવાની લોકમાન્યતા – ધાર્મિક માન્યતા અનુસાર, જેઠ માસની પૂર્ણિમાએ યોજાતી સ્નાન યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને વિશેષ સ્નાન કરાવવામાં આવે છે. આ સ્નાન બાદ ભગવાન ‘બીમાર’ પડે છે અને 15 દિવસ સુધી અનાવસર (આરામ) ગૃહમાં રહે છે. આ સમયગાળા દરમિયાન મંદિર ભક્તો માટે બંધ રહે છે. રથયાત્રા અને બાહુડા યાત્રા એ ભગવાનના સ્વસ્થ થઈને નગરયાત્રા કરવાની ખુશીની ઉજવણી છે. 

    મોક્ષની પ્રાપ્તિની માન્યતા – એવું માનવામાં આવે છે કે બાહુડા યાત્રા અને રથયાત્રામાં ભાગ લેનાર ભક્તોને 1000 યજ્ઞો જેટલું પુણ્ય મળે છે અને તેમને પાપોથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જોકે, મોટાભાગના ભક્તો માત્ર નિસ્વાર્થ દર્શન માટે ભગવાનની યાત્રામાં જોડાય છે. 

    પૌરાણિક મૂળ અને મુખ્ય સંદેશ

    સામાન્ય રીતે ભક્તો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે, પરંતુ રથયાત્રા અને બાહુડા યાત્રા દરમિયાન ભગવાન પોતે નગરયાત્રા કરીને ભક્તોને દર્શન આપે છે. આ એક અનન્ય પરંપરા છે, જે ભગવાન જગન્નાથને ‘જગતના તાત’ તરીકે દર્શાવે છે. એક પિતા તરીકે ભગવાન તેમના પરિવાર સાથે તેમના સંતાનોની સંભાળ લેવા માટે નગરમાં ભ્રમણ કરે છે. 

    સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન જગન્નાથની પ્રથમ રથયાત્રા ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ નિલમાધવના રૂપમાં પુરુષોત્તમ ક્ષેત્રમાં સ્થાપિત થયા હતા. મહારાજા ઇન્દ્રદ્યુમ્નની ભક્તિ અને તપસ્યાને કારણે ભગવાન દારુ વિગ્રહના (લાકડાની મૂર્તિ) રૂપમાં પ્રગટ થયા અને ત્યારથી આ યાત્રા ચાલી આવે છે.

    આ યાત્રાનું મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે, ભગવાન સ્વયં દર્શન આપવા માટે નિજમંદિરથી બહાર આવે છે. જોકે, વૈદિક પરંપરામાં મંદિરની મૂર્તિઓને ગર્ભગૃહમાંથી ખસેડવામાં આવતી નથી, પરંતુ જગન્નાથ રથયાત્રા અને બાહુડા યાત્રા એ અપવાદ છે. આ યાત્રા દરેક વ્યક્તિને ભગવાનના દર્શનનો અધિકાર આપે છે, જે તેને લોકધર્મી ઉત્સવ બનાવે છે.

    બાહુડા યાત્રા એ ભગવાન જગન્નાથની રથયાત્રાનો એક અભિન્ન અને ભક્તિમય ભાગ છે, જે ભગવાનના નિજમંદિર પરત ફરવાની ઉજવણીથી શરૂ થાય છે. આ યાત્રા ભક્તિ, પરંપરા, સામાજિક એકતા અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. તેની સાથે જોડાયેલી માન્યતાઓ, જેમ કે સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છા, ભગવાનનું બીમાર થવું અને મોક્ષની પ્રાપ્તિ, આ ઉત્સવને વધુ રહસ્યમય અને આકર્ષક બનાવે છે. રથયાત્રા અને બાહુડા યાત્રા દ્વારા ભગવાન જગન્નાથ દરેક ભક્તને દર્શન આપે છે, જે સનાતન ધર્મની સર્વસમાવેશકતા અને ઉદારતાનું પ્રતીક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં