આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ક્યાં ગયા, આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંથી આવ્યા, આ મુદ્દા પર AAPનું શું કહેવું છે, પેલા મુદ્દા પર AAPનું શું કહેવું છે– આવા બધા સમાચારોથી જ ચાલતી યુટ્યુબ ચેનલો હમણાં એક વિડીયો ફેરવી રહી છે. સંયોગ જુઓ કે આ વિડીયો પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આ ચેનલો પર છાશવારે જેઓ જોવા મળે છે એવા ચૈતર વસાવાનો જ છે.
વિડીયોમાં શું છે? વિડીયોમાં ચૈતર વસાવા કોઈ પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરી રહ્યા છે. જોકે આ તેમના માટે નવું નથી. પોલીસ કે પછી સરકારી અધિકારીઓ સાથે તેમની આવી નાની-મોટી બબાલોના વિડીયો આ ચેનલોના સૌજન્યથી આપણી પાસે આવતા જ રહે છે. આમ જોવા જઈએ તો નેતાઓની અને વિપક્ષના નેતાઓનો પોલીસ સાથે શાબ્દિક સંઘર્ષ થાય એમાં કંઈ નવું પણ નથી. આવી ઘણી ઘટનાઓ બનતી રહે છે. પણ આ વિડીયો થોડો અલગ છે.
વિડીયો અલગ એટલા માટે છે કારણ કે તેમાં ચૈતર વસાવા પોલીસ સાથે દલીલબાજી કરતાં-કરતાં ઉગ્ર થઈ જાય છે અને પછી વાત ‘તું-તારી’ પર જતી રહે છે, એ પછી આંગળીઓ બતાવવા-ન બતાવવા પર અટકે છે. ધારાસભ્ય તરીકે આવું વર્તન યોગ્ય કહેવાય કે નહીં– આવો પ્રશ્ન આ ચેનલોએ પૂછ્યો હોત પણ જો નેતા કોઈ બીજી પાર્ટીનો હોત તો. અહીં આદરણીય ચૈતરભાઈ હતા એટલે સમાચાર થોડા જુદી રીતે અપાયા.
એક ચેનલ હેડલાઇનમાં લખે છે– ‘ચૈતર વસાવાએ પોલીસ અધિકારીને જાહેર રોડ પર ધધડાવી નાખ્યા.’ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે– ‘ચૈતર વસાવા: એ શર્મા સભ્યતાથી આંગળી નીચે રાખીને વાત કર.’

અન્ય એક વિડીયોના કેપ્શનમાં લખે છે– ‘ડેડિયાપાડાના MLAની ગાડી રોકવી પોલીસને ભારે પડી. જાહેરમાં જ ચૈતર વસાવાએ કાઢ્યાં છોતરાં.’ (સંભવતઃ વ્યાકરણના અજ્ઞાનના કારણે કેપ્શનમાં અમુક ભૂલો છે. અહીં છાપતી વખતે સુધારી છે, એ સુજ્ઞ વાચકની જાણ સારુ.)

બીજી એક ચેનલને આમાં ‘જબરદસ્ત બબાલ’ દેખાઈ. કેપ્શનમાં લખે છે– ‘નર્મદામાં લોકોને પોલીસ હેરાન કરતી હોવા મુદ્દે રજૂઆત SPને કરવા જતી વખતે ચૈતર વસાવાને (ની?) થઈ પોલીસ સાથે બબાલ.’

અહીં વાસ્તવિકતા એ છે કે પોલીસ અધિકારી અત્યંત સંયમ રાખીને ચૈતર વસાવા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કોઈ ગેરવર્તન નથી કર્યું. ગેરવર્તન આ ભાઈએ કર્યું હતું. પરંતુ તેની ઉપર કંઈ પણ બોલવાના સ્થાને અધિકારીને જાહેર રોડ પર ધધડાવી નાખ્યાની કે જબરદસ્ત બબાલ થઈ હોવાની વાતો વહેતી મૂકવામાં આવી. જ્યારે હકીકતે પોલીસ અધિકારી માત્ર તેમની ફરજ બજાવી રહ્યા હતા.
લોકો હવે પૂછી રહ્યા છે કે આ જ ઘટનામાં જો નેતા કોઈ ભારતીય જનતા પાર્ટીનો હોત તો આ ચેનલોએ તેનું રિપોર્ટિંગ કઈ રીતે કર્યું હોત? આમ તો આ હાયપોથેટિકલ પ્રશ્ન થઈ ગયો, પણ જવાબ આપવો અઘરો પણ નથી. તો સંભવતઃ સૌને પોલીસ અધિકારીની ગરિમાની પણ ચિંતા થઈ હોત અને કેમેરાની સામે આવીને નેતાને બે સારી સલાહ પણ આપવામાં આવી હોત. પરંતુ અહીં તો કિસ્સો જુદો છે. એટલે સલાહ આપવાની થતી નથી કે લોકતંત્રની વાતો કરવાની પણ થતી રહેતી નથી.
એક કાલ્પનિક દ્રશ્ય પર એક કાલ્પનિક પત્રકારની કાલ્પનિક ચેનલની કાલ્પનિક પોસ્ટ:
— Siddharth Chhaya – સિદ્ધાર્થ છાયા 🇮🇳 (@siddtalks) April 3, 2025
ફલાણા વિસ્તારના ભાજપના MLAની ગાડી પોલીસે રોકતાં જ નેતાજી ધૂવાફૂવાં. ફરજ બજાવતા અધિકારીને જાહેરમાં આપી ધમકી. https://t.co/czEEXMvx48
મજાની વાત એ છે કે આવી ચેનલો ચલાવતા ક્રાંતિવીર પત્રકારો કાયમ નેતાઓ સામે તલવારો તાણતા રહે છે. પણ આમાં નેતાઓ સ્વાભાવિક રીતે સત્તાપક્ષના જ રહ્યા કે બહુ બહુ તો કોંગ્રેસ જેવા મુખ્ય વિપક્ષના. તેઓ કાયમ નેતાઓની ભૂલો કાઢતા રહે છે અને કાઢવી પણ જોઈએ. પરંતુ જ્યારે વાત એ નેતાઓની આવે, જેમની હાજરી તેમની ચેનલો પર અત્યાધિક જોવા મળે છે, ત્યાં ધોરણો બદલાઈ જાય છે. ત્યાં નેતાઓના ગેરવર્તન પર એક શબ્દ બોલવામાં આવતો નથી અને ઉપરથી જાણે ભાઈએ બહુ ક્રાંતિકારી કામ કર્યું હોય એમ તેને રજૂ કરવામાં આવે છે. હિન્દીમાં આના માટે ‘દોગલાપન’ શબ્દ છે. ગુજરાતી તમે જાતે શોધી લેજો!