હોમપેજગુજરાતહવાલા નેટવર્ક પકડાયું આમ આદમી પાર્ટીનું, તો કવર ફાયર યુટ્યુબ પત્રકારો કેમ...

હવાલા નેટવર્ક પકડાયું આમ આદમી પાર્ટીનું, તો કવર ફાયર યુટ્યુબ પત્રકારો કેમ આપી રહ્યા છે?

અહીં પ્રશ્ન એ છે કે સંઘવીએ કે સુરત પોલીસે કોઈ યુટ્યુબ ચેનલનું નામ લીધું નથી, તો પછી અમુકને આટલો ઉકળાટ કેમ છે? એકને નથી, આ પંક્તિમાં બીજા પણ છે.

- Advertisement -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થાય તેના અઠવાડિયા પહેલાં સુરતમાંથી હવાલા મારફતે રોકડ મોકલવાનું એક મોટું નેટવર્ક ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ નેટવર્કમાં આમ આદમી પાર્ટીના માણસો (જેઓ દિલ્હીના હતા અને સુરતમાં રહેતા હતા. અમુક AAPના દિલ્હીના મોટા નેતાઓ સાથે કામ કરી ચૂક્યા છે.) સંકળાયેલા હતા અને પૈસા દિલ્હીથી મોકલવામાં આવતા હતા, જેનો ઉપયોગ સ્થાનિક ચૂંટણીઓમાં થવાનો હતો. છેલ્લા ચારેક મહિનામાં લગભગ સવા કરોડ મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ અને અન્ય એજન્સીઓ આગળ તપાસ કરશે તેમ-તેમ વિગતો આવતી રહેશે.

આ હવાલાકાંડ બહાર આવ્યો પછી નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ એક ચૂંટણી સભામાં કહ્યું કે આમ આદમી પાર્ટી માટે મોકલવામાં આવતા આ પૈસા અમુક યુટ્યુબ ચેનલોને પણ પહોંચાડવામાં આવી રહ્યા હતા.

પછીથી નાયબ મુખ્યમંત્રીના આ વિધાનની હેડલાઈનો બની, સમાચાર ફરતા થયા. સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ. સંઘવીએ જોકે કોઈ ચેનલનું નામ લીધું ન હતું. પોલીસ તપાસ કરે અને ભવિષ્યમાં નામો ઉજાગર થાય એવી આશા રાખીએ.

- Advertisement -

આ ઘટનાક્રમ પછી અમુક યુટ્યુબ ચેનલો, જેમાં આમ પણ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ સંબંધિત સમાચારો વધારે જોવા મળે છે અને અમુક ચેનલો ચલાવતા સ્વઘોષિત પત્રકારો પોતે પણ સ્વીકારી ચૂક્યા છે કે તેઓ અન્ય પાર્ટીઓની સરખામણીએ AAPને વધુ દેખાડે છે, તેમણે કવર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું છે.

જે દિવસે આ સમાચાર આવ્યા ત્યારે તો થોડા કલાકો સુધી આ ચેનલોમાંથી સમાચારો સદંતર ગાયબ હતા. પછીથી હવાલાકાંડની ચર્ચા થવા માંડી, નેશનલ મીડિયાએ પણ કવરેજ કરવાનું શરૂ કર્યું અને સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી ચર્ચા થઈ એટલે ધીમેધીમે સમાચારો કવર કરવાના ચાલુ કર્યા.

પરંતુ આ ચેનલોની એક ખાસિયત છે. જો ભાજપ નેતાઓ વિરુદ્ધ કોઈ આરોપો લાગે તો તેઓ માઇક લઈને આ નેતાઓની સ્પષ્ટતા માગવા દોડી જતા નથી અને સ્ટુડિયોમાંથી ચુકાદાઓ પસાર કરવા માંડે છે. પણ જો આમ આદમી પાર્ટી કે નેતાઓની વાત હોય તો સમાચારો ચલાવશે, પણ પછી તરત નેતાઓની સ્પષ્ટતાના વિડીયો પણ ફરતા કરી દેશે. નરેટિવના ખેલ આ રીતે ખેલાય છે. અહીં પણ એમ જ થયું. હવાલાકાંડના સમાચાર બતાવાયા, પણ તરત પછી ઈસુદાન ગઢવી અને અન્ય AAP નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આ જ ચેનલો પર આવવા માંડી.

અહીં સુધી ઠીક હતું, પરંતુ પછીથી જ્યારે હર્ષ સંઘવીના યુટ્યુબ ચેનલોવાળા નિવેદનની ચર્ચા શરૂ થવા માંડી પછીથી અમુક ચેનલોએ સંઘવીને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા. બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાનો બચાવ નથી કરી રહી એટલી તીવ્રતાથી બચાવ કરવાનો અને વાતને અવળે પાટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ‘પત્રકારો’ની જો દલીલો સાંભળશો તો તરત સમજાય જશે કે તમામ એક જ દિશામાં ચાલી રહ્યા છે અને એક જેવી જ વાતો કરી રહ્યા છે. શબ્દો પણ ઘણાખરા સરખા છે.

જોકે વચ્ચે-વચ્ચે બેલેન્સ કરવા માટે તેઓ કહેતા રહે છે કે આમ આદમી પાર્ટી સાથે તેમને કશું લાગતું-વળગતું નથી અને હવાલાકાંડની તપાસ કરવી જોઈએ, પણ પછીથી દલીલો એવી આપવામાં આવી રહી છે જે સાંભળીને સુજ્ઞ વાચક સમજી જશે કે નરેટિવ ક્યાં અને કોના પક્ષમાં ગોઠવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ ફફડાટ કેમ ફેલાયો છે.

હવાલાકાંડ તેલ પીવા કેમ જાય? નિર્ભય ન્યૂઝને આ કેસમાં વ્હોટઅબાઉટરી કરવામાં આટલો રસ કેમ છે?

‘નિર્ભય ન્યૂઝ’ નામની એક યુટ્યુબ ચેનલ છે. ‘આજતક’માં કામ કરી ચૂકેલાં ગોપી ઘાંઘર ચલાવે છે. આ ચેનલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને માણસોને ‘સામાન્ય જનતા’ તરીકે રજૂ કરીને ઇન્ટરવ્યુ કરવા બદલ એક્સપોઝ થઈ ચૂકી છે. ટ્વિટર પર જાણીતા વિજય ગજેરા ઉર્ફે વિજય પટેલે તેમની પ્રોફાઇલ પર નિર્ભય ન્યૂઝના અનેક વિડીયોની પોલ ખોલી છે, આ રિપોર્ટમાં પણ અમુક ટ્વિટ સમાવાયાં છે, વાંચી શકાશે.

નિર્ભય ન્યૂઝ પર એક વિડીયો મૂકાયો, જેના થંબનેલમાં લખવામાં આવ્યું છે– ‘હર્ષભાઈ, હવાલાકાંડ ગયો તેલ પીવા, આદિવાસીઓ માટે તમે શું કર્યું એ કહો.’

વિડીયોનું ટાઇટલ છે– ‘હર્ષ સંઘવી પાસે વિકાસના કોઈ મુદ્દા ન હોય એટલે હવે ચૂંટણીમાં હવાલાનું રટણ ચાલુ કર્યું.’

અહીં પ્રશ્ન એ છે કે હવાલાકાંડ શું કામ તેલ પીવા જાય? ને અહીં આદિવાસીઓ માટે સંઘવીએ કે તેમની સરકારે શું કર્યું એ પ્રશ્ન ક્યાંથી આવે અને આ બંનેને શું સંબંધ છે? એવું નથી કે આદિવાસી (કે ફોર ધેટ મેટર કોઈ પણ સમુદાય) માટે સરકારે શું કર્યું એ પ્રશ્ન ન પૂછાય, પણ આ હવાલાકાંડ સાથે સાંકળીને પૂછવાનો શું તર્ક બને છે? આ બીજું કંઈ નહીં પરંતુ કોઈ પણ રીતે મુદ્દાને ડાયવર્ટ કરવાનું ફ્રસ્ટ્રેશન દર્શાવે છે.

ટાઇટલમાં કહેવામાં આવ્યું છે કે સંઘવીને બીજા કોઈ મુદ્દા મળી રહ્યા નથી. વિડીયોમાં પણ એ જ તર્ક આપવામાં આવ્યો છે.

વિડીયોમાં ગોપી ઘાંઘર સંઘવીને ‘બોલકણા મંત્રી’ ગણાવીને કહે છે કે હવાલાકાંડ ભલે ચાલતો હોય પોતાને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી અને ત્યારબાદ વાત સીધી ભાજપ પર લઈ જવામાં આવે છે અને પૂછે છે કે ફોર્મ ખેંચવાના દિવસે જે ઑડિયો વાયરલ થઈ રહ્યા હતા તેની તપાસ સંઘવી ક્યારે કરાવશે?

વાસ્તવમાં આ આખો વિડીયો આવા સવાલો પૂછવામાં જ કાઢી નાખવામાં આવ્યો છે. જો પત્રકારને આવા ઑડિયો પર શંકા હોય તો તેની અલગથી સ્ટોરી કરે અને સરકાર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને પ્રશ્ન કરે પણ તેને હવાલાકાંડ સાથે જોડીને એમ કહેવું કે એ તો ઠીક છે, પણ પેલાનું શું? આ એવી વાત થઈ કે ખૂનનો ગુનેગાર કહે કે મેં ખૂન કર્યું એ તો ઠીક પણ દેશમાં રોજ આટલાં બધાં ખૂન થાય છે એ દરેકને શું સજા મળે છે? જોકે અહીં તો ખૂનનો આરોપ જેની ઉપર લાગ્યો એ મૂંગા બેઠા છે અને બીજાને સફાઈ આપવામાં વધારે રસ છે.

ત્યારબાદ ગોપી ઘાંઘર ફરી એક વખત કહે છે કે હવાલાકાંડ પકડાયો એ પોલીસનું પ્રશંસનીય કામ છે અને ખોટાં ટ્રાન્ઝેક્શન કરનારાઓને પકડવા જ જોઈએ. પરંતુ પછીથી સંઘવીના યુટ્યુબ ચેનલવાળા નિવેદનને ટાંકીને પૂછે છે કે શું ભાજપ ટીવી ચેનલો અને અખબારોને પૈસા નથી આપતો?

આગળ ‘તમે કોઈની ઉપર આરોપ લગાવો ત્યારે ત્રણ આંગળી પોતાની તરફ હોય છે’ એવી ઘસાઈ ગયેલી લાઈન બોલીને કહે છે કે આ વખતે સંઘવીને કોઈ મુદ્દો નથી મળી રહ્યો. ત્યારબાદ ગોપી ઘણા વિસ્તારોમાં રસ્તા નથી, આદિવાસી વિસ્તારોમાં વિકાસ નથી પહોંચ્યો વગેરે વગેરે વાતો કરે છે પણ ક્યાંય પુરાવા રજૂ કરતાં નથી અને સંઘવીને પ્રશ્ન કરે છે કે આદિવાસીઓના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું? આજે પણ અનેક વિસ્તારોમાં લાઈટ નથી અને પીવાના પાણીની સમસ્યા છે એવું પણ કહી દે છે, પરંતુ કયા ગામમાં અને કયા વિસ્તારમાં એ કહ્યું નથી.

ગોપી આગળ દલીલો કરીને પૂછે છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં કેટલા રૂપિયા વાપરતી હોય છે અને કરોડો-લાખો રૂપિયા ચૂંટણીમાં વપરાય છે એ ક્યાંથી આવે છે? ત્યારબાદ કહે છે કે સંઘવીને અને ભાજપને યુટયુબરોનો ડર છે એટલે આવી વાતો ફેલાવવામાં આવી રહી છે.

અહીં પ્રશ્ન એ છે કે સંઘવીએ કે સુરત પોલીસે કોઈ યુટ્યુબ ચેનલનું નામ લીધું નથી, તો પછી અમુકને આટલો ઉકળાટ કેમ છે? એકને નથી, આ પંક્તિમાં બીજા પણ છે.

પ્રશાંત દયાળની ઘણીખરી દલીલો સરખી, અહીં પણ વાત ભાજપ પર લઈ જવામાં આવી

બીજું નામ છે પ્રશાંત દયાળ. એક સમયે મેઇનસ્ટ્રીમ મીડિયામાં હતા. આજે યુટ્યુબ ચેનલ ચલાવે છે, નવજીવન ન્યૂઝ. દયાળની ચેનલ પર પણ એક વિડીયો મૂકાયો છે અને દલીલો સાંભળશો તો મોટાભાગની ગોપી ઘાંઘરની દલીલો સાથે મેળ ખાતી જણાશે.

પ્રશાંત કહે છે કે હવે તો દરેક ચૂંટણી પૈસાથી જ લડાય છે અને દરેક પાર્ટી હવાલા મારફતે પૈસાની હેરફેર કરતી હોય છે. એવું નથી કે ભાજપને સ્વર્ગમાંથી પૈસા આવે છે. તેઓ કહે છે કે ચૂંટણી પંચના ધારાધોરણ પ્રમાણે તો ઉમેદવાર ખર્ચ કરી જ ન શકે અને એટલે બધાને પૈસા જોઈએ છે. એવું પણ નથી કે ભાજપના ઉમેદવારો જે લડી રહ્યા છે તેમણે લૉન લીધી છે.

અહીં બંને યુટ્યુબરોની દલીલ એવી છે કે AAP હવાલા મારફતે પૈસાની હેરફેર કરતી હોય તો એ તો બધી જ પાર્ટી કરી રહી છે. બીજું, ભાજપ પણ ટીવી ચેનલો અને અખબારોને જાહેરાતો આપે છે એમ કહેવામાં આવ્યું છે, પરંતુ એ બધું છૂપી રીતે થતું નથી અને તેના રેકર્ડ રહે છે. માહિતી ખાતા પાસે માગશો તો મળી જશે. બંનેની સરખામણી ન થઈ શકે. પરંતુ ગમે તેમ કરીને એવો નરેટિવ સ્થાપિત કરવો છે કે ભાજપ પણ આ બધું કરે છે, પણ આમ આદમી પાર્ટીને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

જોકે તટસ્થ દેખાવા માટે આ પત્રકારો વચ્ચે-વચ્ચે કહેતા રહે છે કે આમ આદમી પાર્ટી પ્રત્યે તેમને કોઈ લગાવ નથી અને કાંડની તપાસ થવી જોઈએ, પણ તેમની ત્યારપછીની દલીલો સીધી રીતે AAP માટે કવર ફાયર પૂરું પાડનારી દેખાય આવે છે. કારણ કે આ બધી દલીલો જો આમ આદમી પાર્ટી કરતી હોય તો સમજી શકાય એમ છે, કારણ કે તેમની ઉપર આરોપ લાગ્યા છે અને આખરે એક રાજકીય પાર્ટી છે, પણ યુટ્યુબરોને આ દલીલો આપવામાં, વ્હોટઅબાઉટરી કરવામાં શું રસ છે?

પ્રશાંત દયાળ સંઘવીને ટાર્ગેટ કરતા કહે છે કે સંઘવીના ગુરુ સી. આર પાટીલ અને અમિત શાહ છે પણ તેમણે ચૂંટણી સમયે ક્યારેય કોઈ પાર્ટીના નાણાકીય વ્યવહારો વિશે આવી વાત કરી નથી. આ જ ‘ગુરુ’વાળી અને સી. આર પાટીલ અને અમિત શાહવાળી વાત ગોપી ઘાંઘરે પણ પોતાના વિડીયોમાં કરી છે એ ગજબનો સંયોગ છે!

પ્રશાંત દયાળ આગળ કહે છે કે માધ્યમો ચલાવવા માટે પૈસા તમામને જોઈતા હોય છે અને તમામ પાર્ટીઓ અને સરકારો મીડિયા મેનેજ કરે છે. સાથે સંઘવીને એવી પણ સલાહ આપી દે છે કે કોઈ પાર્ટી યુટ્યુબરોને 10 રૂપિયા આપતી હોય તો ભાજપે કે સંઘવીએ તેમને 100 આપવા જોઈએ!

સંઘવીની વાતોને ‘ફાલતુ’ ગણાવીને પ્રશાંત દયાળ કહે છે કે જો પાર્ટીના પૈસા મેળવ્યા પણ હોય તો ગુનો શું કર્યો છે. શું આ ગેરકાયદેસર છે એવો પણ પ્રશ્ન પ્રશાંત કરે છે. અહીં તેઓ પણ એ દલીલ લઈ આવે છે કે ગુજરાતમાં ચૂંટણીનો સમગ્ર ભાર સંઘવીના માથે છે અને તેમને મુદ્દા મળી રહ્યા નથી એટલે તેઓ આ બધું લઈ આવ્યા છે. આ જ દલીલ અગાઉ ગોપી ઘાંઘરે પણ કરી હતી એ સુજ્ઞ વાચકને યાદ કરાવી દઈએ.

પ્રશાંતની ચેનલ પર પણ આમ આદમી પાર્ટી સંબંધિત સમાચારોનો ઢગલો જોવા મળે છે, જેને જસ્ટિફાય કરતાં તેઓ કહે છે અને અગાઉ પણ કહી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીના સમાચારો વધુ જોવાય છે એટલે તેઓ તે સમાચારોને વધુ સ્થાન આપે છે. ભાજપ કે વિકાસના સમાચારો જોવાતા કે વંચાતા નથી એટલે તેની ઉપર તેમનું ધ્યાન રહેતું નથી. ટૂંકમાં આડકતરી રીતે પ્રશાંત સ્વીકારે છે કે AAP તેમની ચેનલ પર છવાયેલું રહે છે. પરંતુ પ્રશ્ન એ છે કે પોતાને ‘તટસ્થ’ અને ‘નિષ્પક્ષ’ ગણાવતા પત્રકારોએ આ બધી માથાકૂટમાં શું કામ પડવું જોઈએ?

‘જમાવટ’માં દેવાંશી જોશીએ પણ કરી એવી જ દલીલો

‘જમાવટ’ નામની ફેક ન્યૂઝ અને પ્રોપગેન્ડા ફેલાવવા માટે પહેલાં પણ અહીંથી એક્સપોઝ થઈ ચૂકી છે એવી યુટ્યુબ ચેનલ ચલાવતાં દેવાંશી જોશીએ પણ એક વિડીયો બનાવ્યો છે, જેમાં તેઓ આદત અનુસાર જ બધી વાતો અધ્ધરતાલ કરે છે.

હવાલાકાંડનો ઉલ્લેખ કરીને દેવાંશી કહે છે કે ચૂંટણી પહેલાં અમુક આરોપો ચૂંટણી પહેલાં લગાવવામાં આવે છે, તેનાથી નરેટિવ સેટ કરવામાં આવે છે અને ચૂંટણી પછી એ ભૂલાય જાય છે. તેઓ કહે છે કે આ આખી લડાઈ નરેટિવની છે અને દિલ્હીમાં શરાબ નીતિ કૌભાંડના આરોપોનો પણ ઉલ્લેખ કરે છે.

આગળ દેવાંશી કહે છે કે આંગડિયાનો ઉપયોગ બધી જ પાર્ટીઓ કરે છે પરંતુ ચોક્કસ વ્યક્તિઓના ચોક્કસ કૅશ પકડાય તો એ સમાચાર બને છે બાકી સમાચાર બનતા નથી. અહીં આડકતરી રીતે એવું કહેવાનો પ્રયાસ થયો છે કે આમ આદમી પાર્ટી સંબંધિત છે એટલે આ કાંડ ઉજાગર થયો, બાકી બધી જ પાર્ટીઓ આવું કરે છે.  

અહીં પ્રશ્ન એ છે કે જો આ કૌભાંડ ભાજપનું હોત તો શું દેવાંશીએ આ જ રીતે ડાહી-ડાહી વાતો કરીને પૂર્ણવિરામ મૂકી દીધું હોત? ભાજપ અને સરકારના કિસ્સામાં સવાલો કરવા જોઈએ અને બબ્બે કલાકના શો કરવા જોઈએ એ વાત સાથે પણ સહમત, પણ આમ આદમી પાર્ટીની વાત આવે તો માત્ર ઘટના જણાવીને, તેમાં પણ બધી જ પાર્ટીઓ કરે છે એવો નરેટિવ ગોઠવીને પૂર્ણવિરામ મૂકી દેવાનું એવું પત્રકારત્વના કયા પાઠ્યપુસ્તકમાં લખ્યું છે?

અંતે ફરીથી એક જ પ્રશ્ન છે કે યુટ્યુબ ચેનલોએ કે આ ચેનલો ચલાવનારા પત્રકારોએ આ વ્હોટ અબાઉટરી કરવાની ક્યાં રહે? આ ફ્રસ્ટ્રેશનનું શું કારણ છે? ભાજપ પણ આમ કરે છે અને બીજી પાર્ટીઓ પણ આમ કરે છે તેમ કહીને આમ આદમી પાર્ટીનો આડકતરી રીતે બચાવ કેમ કરવો પડી રહ્યો છે?

શું આ પત્રકારો જેમ ભાજપના કિસ્સામાં કરે છે તેમ માત્ર આમ આદમી પાર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરીને હવાલાકાંડ પર પ્રશ્નો ન કરી શકે? શું આવું કૌભાંડ ભાજપનું પકડાયું હોત તો તેમણે એવું કહ્યું હોત કે ભાજપે કર્યું એ તો ઠીક, બીજી પાર્ટીઓ પણ કરતી હોય છે, પણ AAP આ-આ પ્રશ્નોના જવાબ ક્યારે આપશે કે પછી મારા ઘરનો નળ ટપકે છે એ વિશે સરકાર કે સંઘવી શું કહેશે? ના. તો સીધા પ્રશ્નો ભાજપને જ થયા હોત.

ટૂંકમાં નરેટિવ એવો સેટ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીએ કશું નવું કર્યું નથી અને બધી જ પાર્ટી આમ કરતી હોય છે. સંઘવી પાસે કે સરકાર પાસે કે ભાજપ પાસે હવે કોઈ મુદ્દા નથી એટલે તેઓ AAPને અને તેના મારફતે યુટ્યુબ ચેનલોને ટાર્ગેટ કરી રહ્યા છે. પરંતુ કઈ ચેનલોને પૈસા પહોંચાડતા હતા એ તો કોઈએ કહ્યું નથી, ન કોઈ નામ સામે આવ્યાં છે. તો પછી આ ફ્રસ્ટ્રેશનનું કારણ શું છે?

આ ફ્રસ્ટ્રેશન હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી આ પત્રકારોને આ જ બધા પ્રશ્નો થઈ રહ્યા છે. તેમની પાસે જવાબ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં