
સુરત ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હવાલા મારફતે પૈસા મોકલવાનું આખું એક નેટવર્ક ઉજાગર કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આંગડિયા મારફતે 1 કરોડથી વધુ રોકડા રૂપિયાની લેવડદેવડ થઈ હોવાની જાણકારી મળી હોવાનું કહેવાય છે.
‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ના રિપોર્ટ અનુસાર આમ આદમી પાર્ટીના નેતાઓ હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય તિવારીનું આખું સિન્ડિકેટ દિલ્હીથી સુરત પોલિટિકલ ફન્ડિંગ માટે હવાલા મારફતે પૈસા મોકલતું હતું.
#Surat : AAPના નેતાઓ દ્વારા હવાલાથી મોકલવામાં આવતાં પૈસાના આખા નેટવર્કનો સુરત ક્રાઈમ બ્રાન્ચનો ખુલાસો.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 19, 2026
હવાલાથી પૈસા લઈ રહ્યા હોવાના #CCTV પણ સામે આવ્યા છે.#CrimeBranch | #AAP | #LocalBodyElection | #ElectionWithNewsCapital | #EXCLUSIVE | @karshanbhadarka
Anchor : @juhipandya1 pic.twitter.com/QNmlOf89gu
રિપોર્ટ મુજબ હિમાંશુ દિલ્હી રહે છે અને આકાશ અને અજય સુરતમાં કામકાજ સંભાળે છે. હિમાંશુ અગાઉ કોંગ્રેસ માટે કામ કરતો હોવાનું અને હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને આમ આદમી પાર્ટીના નેતાઓનો નજીકનો હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હિમાંશુ સિન્ડિકેટના મુખ્ય ફાયનાન્સર અને હેન્ડલર તરીકે કામ કરતો હતો.
આકાશ મિશ્રા સુરતમાં રહે છે, જે અગાઉ આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીની કેજરીવાલ સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે કામ કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત અજય તિવારી પણ સુરતમાં જ રહેતો હતો. આ ત્રણ મળીને પોલિટિકલ ફન્ડિંગનું કામકાજ જોતા હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો અનુસાર આમ આદમી પાર્ટીના દિલ્હી હાઈકમાન્ડના આદેશથી દર મહિને આંગડિયા મારફતે લાખો રૂપિયા સુરત મોકલવામાં આવતા હતા. આ પૈસાનો ઉપયોગ પછીથી સુરતમાં પાર્ટીના પ્રચારપ્રસાર માટે અને ચૂંટણીલક્ષી ગતિવિધિઓ માટે કરવામાં આવતો હોવાનો દાવો છે.
રિપોર્ટ અનુસાર આવનાર સમયમાં આ ત્રણ શખ્સો અને તેમની સાથે સંકળાયેલા આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓને પણ પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે. બીજી તરફ અમુક સીસીટીવી પણ વાયરલ થયા છે, જેમાં પૈસાની લેવડદેવડ થતી જોઈ શકાય છે. અહેવાલો અનુસાર એજન્સીઓને આશંકા છે કે આવાં જ નેટવર્ક ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ સક્રિય હોય શકે. હાલ એ દિશામાં અને આખી ચેઇન પકડવામાં એજન્સીઓ લાગેલી છે.
આમ આદમી પાર્ટીએ આ મામલે હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

