
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી ઝડપાયેલા AAPના હવાલા નેટવર્ક પર આકરા પ્રહાર કર્યા છે અને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચે AAP સાથે જોડાયેલા એક મોટા હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમણે ભાજપના મંચ પરથી કહ્યું કે આ નેટવર્ક દ્વારા દિલ્હીથી સુરત સુધી આંગડિયા ચેનલો મારફતે ₹1 કરોડથી વધુની કાળી રકમ રાજકીય પ્રવૃત્તિઓ માટે મોકલવામાં આવી હતી.
તેમણે આગળ કહ્યું કે, “આ પૈસા છેલ્લા એક વર્ષથી દર મહિને અલગ-અલગ જિલ્લાઓમાં યુટ્યુબ ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા. આ પૈસા ગુજરાતના લોકો વચ્ચે આંતરિક ઝઘડા-વિભાજન અને અસંતોષ ફેલાવવા માટે વપરાતા હતા.”
🚨TRUTH OUT
— Harsh Sanghavi (@sanghaviharsh) April 19, 2026
AAP’s hawala money network exposed. pic.twitter.com/RCBFy1KCzY
તેમણે આરોપ લગાવ્યો કે આ લોકો ગુજરાતની જનતાને ભડકાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે આ પૈસા ગુજરાતની શાંતિ અને સમાજને તોડવા માટે વપરાય છે. તેમણે AAPના ‘ઈમાનદારી’ના નાટકની પણ આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ કૌભાંડથી તેમનું સાચું સ્વરૂપ સામે આવી ગયું છે.
શું કેસ છે?
નોંધનીય છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હવાલા મારફતે પૈસા મોકલવાનું આખું એક નેટવર્ક ઉજાગર કર્યું હતું. આંગડિયા મારફતે 1 કરોડથી વધુ રોકડા રૂપિયાની લેવડદેવડ થઈ હોવાની જાણકારી પોલીસને મળી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓ હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય તિવારીનું આખું સિન્ડિકેટ દિલ્હીથી સુરત પોલિટિકલ ફન્ડિંગ માટે હવાલા મારફતે પૈસા મોકલતું હતું.
રિપોર્ટ મુજબ હિમાંશુ દિલ્હી રહે છે અને આકાશ અને અજય સુરતમાં કામકાજ સંભાળે છે. હિમાંશુ અગાઉ કોંગ્રેસ માટે કામ કરતો હોવાનું અને હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને આમ આદમી પાર્ટીના નેતાઓનો નજીકનો હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હિમાંશુ સિન્ડિકેટના મુખ્ય ફાયનાન્સર અને હેન્ડલર તરીકે કામ કરતો હતો.
આકાશ મિશ્રા સુરતમાં રહે છે, જે અગાઉ આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીની કેજરીવાલ સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે કામ કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત અજય તિવારી પણ સુરતમાં જ રહેતો હતો. આ ત્રણ મળીને પોલિટિકલ ફન્ડિંગનું કામકાજ જોતા હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો અનુસાર આમ આદમી પાર્ટીના દિલ્હી હાઈકમાન્ડના આદેશથી દર મહિને આંગડિયા મારફતે લાખો રૂપિયા સુરત મોકલવામાં આવતા હતા. આ પૈસાનો ઉપયોગ પછીથી સુરતમાં પાર્ટીના પ્રચારપ્રસાર માટે અને ચૂંટણીલક્ષી ગતિવિધિઓ માટે કરવામાં આવતો હોવાનો દાવો છે.

