Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતમાઇનિંગથી લઈને 100 મીટરની વ્યાખ્યા સુધી… અરવલ્લી મુદ્દે ઉશ્કેરણીજનક વિડીયો બનાવીને યુટ્યુબ પત્રકાર...

    માઇનિંગથી લઈને 100 મીટરની વ્યાખ્યા સુધી… અરવલ્લી મુદ્દે ઉશ્કેરણીજનક વિડીયો બનાવીને યુટ્યુબ પત્રકાર દેવાંશી જોશીએ તમામ પર ફેલાવ્યો ભ્રમ: વાંચો શું છે હકીકત

    અહીં દેવાંશી જોશીને ક્યાં વિષયની પૂરતી સમજણ નથી અથવા ફટાફટ વિડીયો બનાવી નાખીને ક્રાંતિ સર્જી દેવાની ઉતાવળમાં સમજવાની તસ્દી લીધી નથી.

    - Advertisement -

    કોઈ મુદ્દાને ભાવનાત્મક બનાવી દેવામાં આવે ત્યારે તથ્યો બાજુ પર રહી જાય છે. અરવલ્લીવાળા કેસમાં આ જ થયું છે. 20 નવેમ્બરના સુપ્રીમ કોર્ટના એક આદેશને વાંચ્યા-સમજ્યા વગર મંડી પડનારાઓએ સોશિયલ મીડિયા પર ઉત્પાત મચાવી મૂક્યો છે. ઇન્ફ્લુએન્સરોથી માંડીને પત્રકારો અને એક્ટિવિસ્ટો અને સ્વઘોષિત પર્યાવરણવાદીઓએ માહોલ એવો બનાવવા માંડ્યો છે જાણે અરવલ્લીનું અસ્તિત્વ ખતમ થઈ જવાનું હોય અને સરકાર આંખ બંધ કરીને બેઠી હોય.

    જે કોઈ મુદ્દો ચર્ચામાં હોય તેની ઉપર પૂરતી સમજણ મેળવ્યા વગર ધરાર જ્ઞાન વહેંચવાની કુટેવ ધરાવતા ગુજરાતના અમુક યુટ્યુબરો પણ આ બેન્ડવેગનમાં જોડાઈ ગયા છે. સરકાર સામેનો કોઈ વિષય હોય અને યુટ્યુબ પત્રકાર દેવાંશી જોશી અને ફેક ન્યૂઝ અને પ્રોપગેન્ડા ફેલાવવા બદલ ભૂતકાળમાં પણ અનેક વખત રડારમાં આવી ચૂકેલી તેમની ચેનલ ‘જમાવટ’ એમાં કૂદી ન પડે એવું બને નહીં.

    આ વિષયમાં પણ દેવાંશીએ એક વિડીયો બનાવીને અહીં-ત્યાંની વાત કરીને ભરપૂર પ્રોપગેન્ડા ચલાવ્યો છે અને અમુક વિષયોમાં અણસમજનું પૂરેપૂરું પ્રદર્શન કર્યું છે. સમગ્ર વિડીયોમાં પૂરતી માહિતી મેળવ્યા વગર, વાતને પૂરેપૂરી સમજ્યા વગર માત્ર ભાવનાઓનો અતિરેક કરીને ઉશ્કેરણીજનક વાતો કરવામાં આવી છે, જે સાંભળનારને ગેરમાર્ગે દોરી શકે.

    - Advertisement -

    ‘અરવલ્લીનું નિકંદન કાઢવાનું શૂરાતન કેમ ચડ્યું? જો નહીં બચે પહાડ તો ગુજરાત કેમ પીડાશે?’– શીર્ષક સાથે દેવાંશી જોશીએ ‘જમાવટ’ પર એક વિડીયો અપલોડ કર્યો છે.

    વિડીયોની શરૂઆતમાં દેવાંશી જોશી માણસાઈ અને એવી અમુક અલકમલકની વાતો કરે છે, જેમાં સમય બગાડવાની જરૂર નથી. આગળ કહે છે કે, “ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની ગિરિમાળાઓ રણને આગળ વધતું અટકાવે છે, પણ હવે એ દીવાલને આપણે મારી નાખવી છે.”

    આગળ દેવાંશી જોશી 100 મીટરવાળો મુદ્દો લઈને આવે છે અને ભડકાઉ વાતો કરવાની ચાલુ કરે છે. તેઓ કહે છે, ‘100 મીટરથી નાના હોય તેવા આ ગિરિમાળાના હજારો પર્વતોને આપણે પતાવી દેવા માટે નીકળ્યા છીએ. ક્યાંક નરસંહાર થાય તો તેને આપણે કહીએ છીએ ‘જેનોસાઈડ’. આ જેનોસાઈડ હશે. પ્રકૃતિની હત્યા.”

    જમાવટના વિડિયોમાંથી સ્ક્રીનશૉટ

    વિડીયોમાં તેઓ આગળ કહે છે કે, “સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવે છે, જે અરવલ્લીની વ્યાખ્યા જ બદલી નાખે છે. સરકારે એક ગાઈડલાઈન આપી અને કોર્ટે એ સ્વીકારી લીધી. શું હતી આ ગાઈડલાઈન? અરવલ્લીનો પહાડ માત્ર એ જ વિસ્તાર જેની ઊંચાઈ આસપાસની જમીનથી 100 મીટર કે તેનાથી વધુ હોય.”

    આગળ દેવાંશી કથિત રીતે ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયાનો એક ડેટા ટાંકીને કહે છે કે, “અરવલ્લીની 12000થી વધુ પહાડીમાંથી 1000 પહાડીઓ જ 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, એટલે એક ઝાટકે 90 ટકા વિસ્તાર કાયદાકીય રક્ષણમાંથી બહાર થઈ ગયો.” આગળ કોઈ આધાર-પુરાવા વગર કહી દે છે કે નાના ડુંગરો હવે ખાલી જમીન છે અને તેને માઇનિંગ માફિયાઓ માટે ખુલ્લી મૂકી શકાશે. આગળ પ્રોપગેન્ડા ચાલુ રાખતાં કહે છે કે, “કોર્ટે સસ્ટેનેબલ માઇનિંગનો પ્લાન માગ્યો છે, પણ સો મીટરથી નીચેના પહાડ જ નથી રહ્યા તો તેને શું સસ્ટેનેબલ કહેવાશે?”

    આગળ તેઓ ‘આવો ખનન માફિયાઓ… તમારા માટે રેડ કાર્પેટ પથરાઈ ગઈ છે, આવો… અમારી સંસ્કૃતિ, અમારા ઇતિહાસ અને અમારા વારસાને બૉમ્બના ધડાકે બ્લાસ્ટ કરી દો’ આવી બધી વાતોએ ચડી જાય છે. ત્યારપછી કહે છે કે, જો અરવલ્લી નહીં રહે તો સાબરમતી નદી સૂકાઈ જશે અને ગુજરાતના મેદાની પ્રદેશની હાલત ગંભીર થઈ જશે.

    વિડીયોમાં ફરી એક વખત દેવાંશી 100 મીટરનો ઉલ્લેખ કરીને કોઈ પણ પ્રકારના આધાર વગર એવું જાહેર કરી દે છે કે, “100 મીટરની ડેફિનેશનનો ઉપયોગ કરીને હવે નાના પહાડોને સપાટ જમીન ગણાવીને ખોદી નખાશે.” આગળ જેઓ હમણાં ચૂપ છે તેમણે પણ ભવિષ્યમાં ભોગવવું પડશે એવી ભડકાઉ અને ઉશ્કેરણીજનક વાતો શરૂ કરી દે છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ડરાવવાનો દેખાય છે.

    100 મીટરવાળા મુદ્દામાં હકીકત શું છે?

    અહીં દેવાંશી જોશીને ક્યાં વિષયની પૂરતી સમજણ નથી અથવા ફટાફટ વિડીયો બનાવી નાખીને ક્રાંતિ સર્જી દેવાની ઉતાવળમાં સમજવાની તસ્દી લીધી નથી.

    જ્યાં સુધી 100 મીટરની વાત છે, તો વ્યાખ્યામાં આ એકમાત્ર ક્રાઇટેરિયા નથી. તેમાં પણ વિષય એ છે કે જમીનની સપાટીથી 100 મીટર ગણવાનું નથી. આ સ્પષ્ટતા કેન્દ્રીય મંત્રી કરી ચૂક્યા છે અને તેમણે પણ કહ્યું હતું કે અમુક યુટ્યુબરો આ વિશે ભ્રમ ફેલાવી રહ્યા છે. જો પર્વત જમીનમાં નીચે હોય તો ત્યાંથી જ તેની ઊંચાઈ ગણવામાં આવશે, જમીનની સપાટીએથી નહીં. દેવાંશીએ વિડીયોમાં ક્યાંય આ સ્પષ્ટતા કરી નથી અને 100 મીટરનું રટણ ચાલુ રાખ્યું છે.

    બીજું, ગિરિમાળાઓની વ્યાખ્યામાં એ પણ આવશે કે જે પર્વતો એકબીજાથી પાંચસો મીટર અંતરે હશે એને ગિરિમાળાઓમાં ગણી લેવાશે. જો આ પાંચસો મીટરમાં કોઈ 100 મીટરથી નીચેની હિલ હોય તો? તો તેને પણ અરવલ્લીમાં જ ગણાશે. એટલે પાંચસો મીટર ઝોનમાં કોઈ પણ પહાડ હોય, તેની ઊંચાઈ ગમે તેટલી હોય, ઢાળ ગમે તેવો હોય એ અરવલ્લીના સંરક્ષિત ક્ષેત્રમાં જ આવશે. આ સ્પષ્ટતા પણ સરકારે કરી છે, દેવાંશીએ વિડીયોમાં કહ્યું નથી.

    રાજસ્થાન વર્ષોથી 100 મીટરવાળી વ્યાખ્યાનો ઉપયોગ કરે છે

    દેવાંશી વિડીયોમાં કહે છે કે સરકારે એક ગાઈડલાઈન આપી અને સુપ્રીમ કોર્ટે એ સ્વીકારી લીધી. આ પણ સંપૂર્ણ સત્ય નથી. ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે જ બનાવેલી એક સમિતિએ આપી છે, જેની અધ્યક્ષતા પર્યાવરણ મંત્રાલય પાસે છે. સમિતિમાં ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયાથી માંડીને ચાર રાજ્યોના વન વિભાગથી માંડીને અન્ય સંસ્થાઓ પણ છે.

    સૌથી મહત્ત્વની વાત હવે આવે છે. શું આ વ્યાખ્યા હમણાં આવી? ના. 2010માં FSIએ વ્યાખ્યા આપી હતી એમાં પણ 100 મીટરની વાત હતી. નોંધવાની વાત એ છે કે એ વ્યાખ્યા હેઠળ જઈએ તો ઘણો વિસ્તાર રહી જાય છે. સરકારે અત્યારે નવી વ્યાખ્યા આપી છે એ ઇન્ક્લુઝિવ છે.

    હજુ મહત્ત્વની વાત એ છે કે છેક 2006થી રાજસ્થાન આ જ વ્યાખ્યાને અનુસરતું આવ્યું છે. પણ અરવલ્લી જે ચાર રાજ્યોમાં છે એ તમામ રાજ્યો જુદી-જુદી વ્યાખ્યાઓનો ઉપયોગ કરતાં હોવાથી સમાનતા રહે એ માટે સુપ્રીમ કોર્ટે એક ડેફિનેશન તૈયાર કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ સમિતિએ વ્યાખ્યા આપી. રાજસ્થાન જે વ્યાખ્યા અનુસરતું આવ્યું તેમાં પાંચસો મીટરની જોગવાઈ ન હતી. હાલની વ્યાખ્યામાં છે.

    માત્ર 0.19 ટકા વિસ્તાર માઇનિંગ માટે બચી શકે, 90 ટકાવાળું તૂત જમાવટના સ્ટુડિયોની ઊપજ

    વધુમાં સંરક્ષિત વિસ્તારો અને ઇકોસેન્સ્ટિવ ઝોન, ટાઈગર રિઝર્વ, વેટલેન્ડ્સ, પ્લાન્ટેશન સાઇટ્સ વગેરે ક્ષેત્રોમાં માઇનિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ બધું ગણીએ તો માઇનિંગ માટે પાત્રતા ધરાવતો હોય તેવો વિસ્તાર માત્ર 0.19 ટકા જેટલો બચે છે. પરંતુ હાલ માઇનિંગનો પ્રશ્ન પણ ઉદભવતો નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે પહેલેથી રોક લગાવી રાખી છે. કોર્ટે સંપૂર્ણ અરવલ્લીના સાયન્ટિફિક મેપિંગ અને ખનનથી થતી પર્યાવરણીય અસરોના અભ્યાસ પર જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી માઈનિંગ લીઝને મંજૂરી આપવા પર અને જૂની રિન્યૂ કરવા પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે. આ બધું હમણાં નથી આવ્યું, 20 નવેમ્બરના ચુકાદામાં ઉપલબ્ધ છે, પણ દેવાંશી જોશીએ આ બધી વાતો કરવા કરતાં ભડકાઉ અને ઉશ્કેરણીજનક વાતો કહીને વિડીયો બનાવી નાખ્યો હતો.

    આ સ્પષ્ટતા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ તાજેતરમાં કરી ચૂક્યા છે.

    તેઓ જે અરવલ્લી પર જોખમ અને સાબરમતી સૂકાઈ જવાની બીક બતાવે છે એ સાંભળીને લાગી શકે કે રાતોરાત અરવલ્લીના નેવું ટકા વિસ્તારમાં માઈનિંગ શરૂ થઈ જશે અને ગિરિમાળા થોડાં વર્ષોમાં નષ્ટ થઈ જશે, જેના કારણે સાબરમતી જેવી નદીને અસર થશે અને ગુજરાત તરસ્યું મરશે.

    નેવું ટકા વિસ્તાર કાયદાકીય રક્ષણમાંથી બહાર થઈ ગયો હોવાની વાતો પણ ગપ્પાં છે અને જમાવટના સ્ટુડિયોમાં જ ઉદ્ભવી છે. એ સાંભળીને લાગી શકે કે નેવું ટકા અરવલ્લી માઈનિંગ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. જ્યારે હકીકત અને તથ્યો જુદાં છે. મોટાભાગના વિસ્તારો સંરક્ષિત છે, જ્યાં સંપૂર્ણ પ્રતિબંધ હશે. હરિયાણાના ત્રણ જિલ્લાઓમાં માઈનિંગ પર કોર્ટે પહેલેથી પ્રતિબંધ મૂક્યો છે, આજથી નહીં વર્ષોથી. દિલ્હી NCRમાં પણ પ્રતિબંધ છે. માત્ર 0.19% વિસ્તાર ક્યાં અને 90% ક્યાં?

    વાસ્તવમાં આ વિષયમાં સમજ્યા વગર બહુ ચલાવાયું છે અને તેમાં અધૂરા ઘડાઓએ પેટ્રોલ છાંટવાનું કામ કર્યું છે. કોઈ વિષય પર જ્ઞાન આપવાની તલપ હોય એ સમજી શકાય છે, પણ પૂરતી સમજણ મેળવી લેવી જરૂરી છે. ઈરાદો એકમાત્ર એજન્ડા જ ચલાવવાનો હોય તો વાત જુદી છે!

    અરવલ્લીના વિષય પર વધુ જાણકારી અને માહિતી માટે આ લેખ ઉપયોગી બની શકશે.

    અરવલ્લીની ગિરિમાળાઓનો મુદ્દો શું છે અને જે સુપ્રીમ કોર્ટનો આદેશ ચર્ચામાં છે તેમાં શું કહેવાયું છે– સમજો

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં