Wednesday, February 5, 2025
More
    હોમપેજરાજકારણ'નહેરુને રાષ્ટ્રપતિ કેનેડી કરતાં તેમની પત્ની-બહેનમાં હતો વધુ રસ...': સંસદમાં પીએમ મોદીએ...

    ‘નહેરુને રાષ્ટ્રપતિ કેનેડી કરતાં તેમની પત્ની-બહેનમાં હતો વધુ રસ…’: સંસદમાં પીએમ મોદીએ કર્યો જે પુસ્તકનો ઉલ્લેખ, તેમાં લખાઈ છે આ વાત, અને બીજું ઘણું

    PM મોદીએ સૂચવેલા પુસ્તકમાં એ પણ કહેવાયું છે કે, નેહરુ કેનેડી કે તેમના પત્ની જેકી (બૉબી) કરતાં JFKની 27 વર્ષીય બહેન પેટ કેનેડીમાં વધુ રસ ધરાવતા હતા. આ મુલાકાત 1962માં થઈ હતી, ત્યારે જવાહરલાલ નેહરુ 73 વર્ષના હતા.

    - Advertisement -

    મંગળવારે (4 ફેબ્રુઆરી) PM મોદીએ (PM Modi) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ભાષણ આપ્યું હતું. દરમિયાન તેમણે રાહુલ ગાંધીથી લઈને કેજરીવાલ સુધીના વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે જવાહરલાલ નેહરુની વિદેશનીતિને લઈને લેવાયેલા પગલાંની આકરી ટીકા પણ કરી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી સાંસદોને ‘JFK’s Forgotten Crisis’ પુસ્તક વાંચવાની સલાહ આપી હતી. આ પુસ્તકમાં નેહરુ સરકારની વિદેશનીતિ વિશે પણ વાત કરવામાં આવી છે.

    આ પુસ્તક અમેરિકી વિદેશનીતિના નિષ્ણાંત અને પૂર્વ CIA અધિકારી બ્રુસ રિડેલે લખ્યું હતું અને તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન કેનેડીના કાર્યકાળ દરમિયાન સામે આવેલા રાજકીય અને વૈશ્વિક સંકટો પર વાત કરવામાં આવી છે. PM મોદીએ આ સલાહ ત્યારે આપી હતી, જ્યારે તેઓ ભારત-ચીન વિવાદ પર તેમની સરકારના પગલાં બાબતે બોલી રહ્યા હતા. તે પહેલાં સોમવારે રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભારત-ચીન વિવાદને લઈને સરકારની ખૂબ ટીકા કરી હતી.

    PM મોદીએ JFK’s Forgotten Crisis પુસ્તકના હવાલાથી નેહરુ તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે, તેમણે દેશની સુરક્ષા સાથે શું ખેલ કર્યા હતા અને તેમના માટે વિદેશનીતિનો અર્થ શું હતો. ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “જે લોકો ખરેખર વિદેશનીતિમાં રસ ધરાવે છે, હું તેમને JFK’s Forgotten Crisis વાંચવાની સલાહ આપું છું.” તેમણે કહ્યું કે, “વિદેશનીતિના એક તજજ્ઞ દ્વારા લખવામાં આવેલા આ પુસ્તકમાં ભારતના પહેલા વડાપ્રધાનનો ઉલ્લેખ છે, ત્યારે તેઓ વિદેશનીતિના મામલા પણ સંભાળતા હતા. જ્યારે દેશ ઘણા પડકારોનો (1962 ભારત-ચીન યુદ્ધ વગેરે) સામનો કરી રહ્યો હતો, ત્યારે વિદેશનીતિના નામે શું ખેલ ચાલી રહ્યો હતો, તે આ પુસ્તક દ્વારા સામે આવી રહ્યો છે. એટલે હું કહું છું કે, આ પુસ્તક વાંચો.”

    - Advertisement -

    નેહરુ વિશે અનેક ઘટસ્ફોટ કરે છે આ પુસ્તક

    જે પુસ્તકનો વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો છે. તેમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ કેનેડીના પત્નીની ભારત યાત્રા અને PM નેહરુના વિદેશી સંબંધો પર લેવાયેલા પગલાં વિશે વાતો લખવામાં આવી છે. પુસ્તક અનુસાર, ભારતમાં તત્કાલીન અમેરિકી રાજદૂત જ્હોન કેનેથ ગૈલબ્રેથ સાથેની વાતચીતમાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્હોન કેનેડીએ કથિત રીતે તેવું કહ્યું હતું કે, PM નેહરુ તેમના કરતાં તેમના પત્ની જેકી (જેક્લીન કેનેડી) સાથે વાત કરવામાં વધુ રસ ધરાવતા હતા.

    બ્રુસ રિડેલના પુસ્તકનો અંશ

    આ પુસ્તકમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે, કેનેડીની ભારત યાત્રા દરમિયાન અમેરિકી દૂતાવાસે તેમના પત્ની માટે એક વિલા ભાડે લીધો હતો. પરંતુ આ સમય દરમિયાન જવાહરલાલ નેહરુએ ભારપૂર્વક કહ્યું હતું કે, કેનેડીના પત્ની પ્રધાનમંત્રી આવાસના એક રૂમમાં જ રોકાય. નોંધવા જેવું છે કે, તે એ રૂમ હતો, જેનો ઉપયોગ એડવિના માઉન્ટબેટન દ્વારા કરવામાં આવતો હતો. એડવિના છેલ્લા વાયસરૉય લૉર્ડ માઉન્ટબેટનના પત્ની હતા. જે દેશના વિભાજન સુધી ભારતમાં જ હતા.

    બ્રુસ રિડેલના પુસ્તકનો અંશ

    આ પુસ્તકમાં એવું પણ કહેવાયું છે કે, એડવિના અને નેહરુ વચ્ચે વધુ કઈ સંબંધ ના હોય તોપણ તેઓ એક સારા નજીકના મિત્રો તો હતા જ. વધુમાં કહેવાયું છે કે, કેનેડી અને તેમના પત્નીની ભારત યાત્રા દરમિયાન નેહરુનું સંપૂર્ણ ધ્યાન કેનેડીના પત્ની જેક્લીન પર હતું.

    બ્રુસ રિડેલના પુસ્તકનો અંશ

    PM મોદીએ સૂચવેલા પુસ્તકમાં એ પણ કહેવાયું છે કે, નેહરુ કેનેડી કે તેમના પત્ની જેકી (બૉબી)કરતાં JFKની 27 વર્ષીય બહેન પેટ કેનેડીમાં વધુ રસ ધરાવતા હતા. આ મુલાકાત 1962માં થઈ હતી, ત્યારે જવાહરલાલ નેહરુ 73 વર્ષના હતા અને ભારત-ચીન યુદ્ધનો સમય પણ હતો.

    બ્રુસ રિડેલના પુસ્તકનો અંશ

    વધુમાં પુસ્તકમાં એવું પણ કહેવાયું છે કે, ‘પ્રેમમાં પડેલા’ નેહરુએ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ કક્ષમાં JBK (જેક્લીન કેનેડી) સાથે લટાર મારતા સમયની તેમની તસવીર લગાવી રાખી હતી.

    1992ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન અમેરિકાના ભરોસે બેઠા હતા નેહરુ

    આ પુસ્તકમાં વધુ એક ઉલ્લેખ 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધ અને અમેરિકાની ભૂમિકાનો પણ છે. નવેમ્બર 1962માં નેહરુએ કેનેડીને લખેલા પત્રોને ટાંકીને પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનું નેતૃત્વ ચીન સાથેના યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર જ નહોતું. સાથે એવું પણ કહ્યું છે કે, ચીન સાથેના યુદ્ધ બાદ નેહરુએ અમેરિકાની મદદ માંગી હતી અને ફાઇટર જેટ મોકલવા પણ કહ્યું હતું. પુસ્તકમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે, “આ રીતે નેહરુ કેનેડીને ચીન વિરુદ્ધના યુદ્ધમાં સામેલ થવાનું કહી રહ્યા હતા, જેથી PLAને (ચીનની પીપલ્સ લિબરેશન આર્મી) હરાવવા માટે હવાઈ હુમલામાં ભાગીદારી કરી શકાય. અમેરિકી સેના કોરિયામાં ચીની કમ્યુનિસ્ટ દળો સાથે યુદ્ધવિરામ પર પહોંચ્યાના એક દાયકા બાદ નેહરુ JFKને કમ્યુનિસ્ટ ચીન વિરુદ્ધ ફરી એક નવા યુદ્ધમાં સામેલ થવાનું કહી રહ્યા હતા.”

    નેહરુએ પત્રમાં એવું પણ કહ્યું હતું કે, સુપરસોનિક ઑલ-વેધર ફાઇટર્સના ઓછામાં ઓછા 12 સ્ક્વાર્ડનની જરૂર છે. ભારત પાસે કોઈ આધુનિક રડાર કવર નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભારતના સેનાકર્મીઓને પ્રશિક્ષિત કરવા દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકાની સેનાના કર્મચારીઓએ ફાઇટર જેટ્સ અને રડારને હેન્ડલ કરવા પડશે. કારણ કે દેશના સૈનિકો પાસે એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. પુસ્તક અનુસાર, અમેરિકી વિદેશ વિભાગની વેબસાઇટ પર એવું કહેવામાં આવ્યું છે કે, “નેહરુએ કેનેડીને લખેલા આ પત્રો ભારત સરકાર દ્વારા સાર્વજનિક કરવામાં નથી આવ્યા.”

    આ સમગ્ર ચર્ચા રાહુલ ગાંધીના ભારત-ચીન વિવાદ પરના એક નિવેદન બાદ શરૂ થઈ છે. રાહુલ ગાંધીએ સંસદમાં દાવો કર્યો હતો કે, ભારતે 4,000 ચોરસ કિલોમીટરથી વધુનો વિસ્તાર ગુમાવી દીધો છે અને ચીને તેના પર કબજો કરી લીધો છે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન આ વાતનો ક્યારેય સ્વીકાર નથી કરતા. પરંતુ સેનાના નિવેદનો તેનાથી વિપરીત છે. રાહુલ ગાંધીએ તો સેના પ્રમુખને ટાંકીને આ બધુ કહી દીધું હતું. બાદમાં રાજનાથ સિંઘે પોતે આધિકારિક રીતે રાહુલ ગાંધીના દાવાનું ‘ફેક્ટ-ચેક’ કર્યું હતું અને કહ્યું હતું કે, “જે શબ્દો સેના પ્રમુખ ક્યારેય બોલ્યા જ નથી, તે શબ્દો રાહુલ ગાંધી તેમને ટાંકીને બોલી રહ્યા છે.”

    જોકે, વડાપ્રધાન મોદીએ સૂચવેલા પુસ્તકમાં કોંગ્રેસની તે સમયની વિદેશનીતિની પોલ ખૂલી ગઈ છે. કારણ કે, 1962માં ભારત-ચીન યુદ્ધના પડઘા પડી રહ્યા હતા અને જવાહરલાલ નહેરુના વિદેશનીતિના નામે અલગ જ ખેલ ચાલી રહ્યા હતા. ત્યારબાદ જ્યારે પગ પર પાણી ચડી ગયું, ત્યારે જઈને તેમણે અમેરિકા સામે હાથ ફેલાવીને મદદ માટેની વિનંતીઓ કરવા માંડી અને ભારતીય સેનાને આધુનિક બનાવવા માટેની વાત કરવા માંડી. પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું અને તે ભૂલનું પરિણામ આખા દેશે ભોગવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં