Tuesday, February 4, 2025
More

    ‘જે શબ્દો સેના પ્રમુખ ક્યારેય બોલ્યા નથી, તે શબ્દો રાહુલ ગાંધીએ તેમને ટાંકીને કહ્યા’: ચીન મામલે કરેલા દાવાને લઈને ફસાયા રાહુલ ગાંધી, રાજનાથ સિંઘે કહ્યું- કરે છે બેજવાબદાર રાજકારણ

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ચીન સાથેના સરહદી વિવાદના (China Controversy) નિરાકરણ અંગે સરકારની ટીકા કરી હતી. જે બાદ હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. રાજનાથ સિંઘે રાહુલ ગાંધી પર સેના પ્રમુખના (Army Chief) નામે જુઠ્ઠાણું ફેલાવ્યાનો આરોપ લગાવ્યો છે. આ સાથે રાજનાથ સિંઘે એવું પણ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ ભારત-ચીન વિવાદને લઈને ભ્રામક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, રાહુલ બેજવાબદાર રાજકારણ રમે છે.

    રાજનાથ સિંઘે રાહુલ ગાંધીની વાતોનું ખંડન કરતાં પોસ્ટ કરીને લખ્યું કે, “સેના પ્રમુખની ટિપ્પણીમાં માત્ર બંને પક્ષો દ્વારા પારંપરિક ગશ્તમાં વ્યવધાનનો ઉલ્લેખ હતો. હાલમાં થયેલી સેનાવાપસી હેઠળ આ પ્રથાઓને પારંપરિક રીતે પરત મેળવી લેવામાં આવી છે. સરકારે સંસદમાં આ અંગેની વિગતો પણ રજૂ કરી છે.”

    નોંધનીય છે કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ દેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચિતા વ્યક્ત કરી હતી કે, ચીની ઉત્પાદનો પર ભારતની નિર્ભરતા એક મહત્વપૂર્ણ સુરક્ષા જોખમ બની ગઈ છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, સેના પ્રમુખે ભારતીય વિસ્તામાં ચીની સેનાની હાજરીનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે, “આ એક તથ્ય છે. મુખ્ય મુદ્દો એ છે કે, ચીન આપણાં વિસ્તારમાં ઘૂસ્યું કેમ. તેનું કારણ એ છે કે, ‘મેક ઇન ઇન્ડિયા’ નિષ્ફળ થયું છે.”

    રાજનાથ સિંઘે રાહુલ ગાંધીના નિવેદનનું ખંડત કરતાં કહ્યું છે કે, સેના પ્રમુખની ટિપ્પણી માત્ર ભારત અને ચીન બંને દ્વારા પારંપરિક ગશ્તમાં વ્યવધાન પેદા કરવાના સંદર્ભમાં હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સેના પ્રમુખ વિશે જે શબ્દો કહ્યા છે, તે શબ્દો તેઓ ક્યારેય બોલ્યા જ નથી. રાજનાથ સિંઘે વધુમાં કહ્યું કે, “દુર્ભાગ્યથી, શ્રી રાહુલ ગાંધી રાષ્ટ્રીય હિતના મામલે બેજવાબદાર રાજકારણ કરી રહ્યા છે.”