વડાપ્રધાન મોદીએ મંગળવારે (4 ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવના સમર્થનમાં ભાષણ આપ્યું હતું. 1:35 કલાકના આ ભાષણમાં તેમણે નામ લીધા વિના જ રાહુલ ગાંધી અને કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં ફોડા ખેંચીને પોતાનું મનોરંજન કરે છે, તેમને ગરીબોની વાતો બોરિંગ જ લાગશે.” વડાપ્રધાને આ જવાબ રાહુલ ગાંધીની રાષ્ટ્રપતિના અભિભાષણ પર ‘બોરિંગ’વાળી ટિપ્પણીને લઈને આપ્યું છે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઘણા લોકોને વધુ ‘બુખાર’ ચડી જાય છે, ત્યારે તેઓ ગમે તેમ બોલવા લાગે છે. તેવી જ રીતે વધુ હતાશા હોય ત્યારે પણ ગમે તેમ બોલવા લાગે છે. તેમણે વધુમાં કહ્યું કે, “અમે કૌભાંડથી જે રૂપિયા બચાવ્યા છે, તેનાથી શીશમહેલ નહીં, પણ દેશને બનાવ્યો છે.” વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, “અમે બંધારણને સમર્પિત લોકો છીએ, અમે તેને જીવવા માંગીએ છીએ, તેની આત્માને સમજવા માંગીએ છીએ.”
વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, દિલ્હીમાં દરેકે પોતાના પૂર્વજોના સ્મારકો બનાવ્યા છે, જ્યારે મોદી સરકારે PM મ્યુઝિયમ બનાવ્યું છે. તેમણે કહ્યું કે, “પોતાના માટે તો બધા જ કરે છે, બંધારણને જીવનારા લોકો અહીં બેઠા છે. અમે ઝેરની રાજનીતિ નથી કરતા, અમે દેશની એકતાને સર્વોપરી રાખીએ છીએ.” તેમણે રાહુલ ગાંધીના ‘જાતિવાદ’ના એજન્ડા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગાંધી પરિવારમાંથી જ ત્રણ-ત્રણ સાંસદો આવ્યા છે. સાથે તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે, “મને કહો, SC/ST પરિવારમાંથી એકસાથે રણ સાંસદો ક્યારે આવ્યા છે?”
વિકાસનો પણ આપ્યો હિસાબ
PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા બાદ દેશના વિકાસનો હિસાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, માત્ર સરકારી કચરો વેચીને જ ₹2300 કરોડ દેશને મળ્યા છે. તેમણે કહ્યું કે, તેમની સરકારમાં એક પણ કૌભાંડ થયું નથી. તમામ રૂપિયા વિકાસમાં રોકાણ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, દર વર્ષે એક પરિવારને ફક્ત જળ જીવન મિશનથી ₹40 હજારનો લાભ મળી રહ્યો છે. આયુષ્માન કાર્ડથી લોકોને ₹1.20 લાખ કરોડનો ફાયદો થયો છે. પીએમ મોદીએ સૂર્ય ઘર યોજના હેઠળ ₹25 હજાર સુધીના લાભોની પણ વાત કરી છે.
PM મોદીએ કહ્યું કે, “2014 પહેલાં એવા બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા કે, દેશના લોકોનું જીવન બરબાદ થઈ ગયું હતું. અમે ધીમે-ધીમે તેને ભરીને આગળ વધ્યા. 2014માં આવકવેરાની મર્યાદા ₹2 લાખ હતી. હવે તે વધીને ₹12 લાખ થઈ ગઈ છે. રસ્તામાં સતત ઘા રૂઝાતા રહ્યા, હવે પાટો લગાવી દેવામાં આવ્યો છે.” આ સાથે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને તે પણ યાદ અપાવ્યું છે કે, આ તો હજુ તેમનો ત્રીજો જ કાર્યકાળ છે અને હવે તેઓ હવે અટકવાના મૂડમાં નથી.” ભાષણના અંતમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, “વિચારધારા ગમે તે હોય, પરંતુ દેશથી મોટું કઈ નથી.”