Friday, April 25, 2025
More
    હોમપેજઇન્ડોલોજીનેહરૂની ભૂલ, ઝીણાનો વિશ્વાસઘાત અને ઑલ ઇન્ડિયા રેડિયોની જાહેરાત: પાકિસ્તાને કઈ રીતે ...

    નેહરૂની ભૂલ, ઝીણાનો વિશ્વાસઘાત અને ઑલ ઇન્ડિયા રેડિયોની જાહેરાત: પાકિસ્તાને કઈ રીતે  કબજે કર્યું હતું બલૂચિસ્તાન, કેમ જાફર એક્સપ્રેસ સુધી પહોંચી સ્વતંત્રતાની આગ

    વિદ્રોહની આગ હમણાંનાં વર્ષોમાં ઉઠી નથી, 1947માં બંદૂકની અણીએ પાકિસ્તાનમાં વિલય થયા પછી અને તેના રાજાને આપેલાં વચનો તોડવામાં આવ્યા પછી જ બલૂચિસ્તાનમાં બળવો શરૂ થઈ ગયો હતો. પાકિસ્તાન તેને નષ્ટ કરવાના દાવા ઘણી વખત કરી ચૂક્યું છે, પણ આવાં કોઈ કાંડ કરીને બલોચો એ વાતનો પરચો આપતા રહ્યા છે કે તેઓ ક્યાંય ગયા નથી અને પાકિસ્તાનીઓ દુનિયાને ઉઠાં ભણાવે છે.

    - Advertisement -

    તાજેતરમાં પાકિસ્તાને કબજે કરેલા બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતમાં બલોચ વિદ્રોહીઓએ જાફર એક્સપ્રેસ નામની ટ્રેન હાઇજેક (Train Hijack) કરી લીધી હતી. તેમાં 400થી વધુ મુસાફરો સવાર હતા. બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલા આ બળવાખોરોએ દાવો કર્યો છે કે આ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો હતા. આ પછી પાકિસ્તાની સેનાએ કથિત રીતે ઑપરેશન શરૂ કર્યું. લગભગ 48 કલાક પછી ઑપરેશન પૂર્ણ કર્યું હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાએ કાર્યવાહીમાં ત્રીસેક બળવાખોરોને મારી નાખ્યા હોવાનો દાવો કરીને કહ્યું કે તેમણે તમામ બંધકોને મુક્ત કરાવી લીધા. પોતાના કેટલા સૈનિકો મર્યા તેની જાણકારી પાકિસ્તાને આદત મુજબ આપી નથી.

    બલોચ બળવાખોરોએ આ દાવાને નકારી કાઢ્યા છે. તેમણે લગભગ 100 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે. બલૂચિસ્તાનમાં બળવાખોરોના હુમલા કોઈ નવી વાત નથી. પરંતુ આ હુમલો દર્શાવે છે કે વિદ્રોહ કયા સ્તર સુધી પહોંચી ચૂક્યો છે. આ એક હુમલા પછી વિશ્વનું ધ્યાન બલૂચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ, તેની સ્વતંત્રતા માટેની લડત અને બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની લૂંટ પર કેન્દ્રિત થયું છે. આ સાથે બલૂચિસ્તાનના ઇતિહાસ પર પણ એક નજર નાખવામાં આવી રહી છે, જેનો એક છેડો ભારત, 1947ના વિભાજન અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે જોડાયેલો છે. બીજો છેડો મોહમ્મદ અલી ઝીણા સાથે જોડાય છે.

    વિદ્રોહની આગ હમણાંનાં વર્ષોમાં ઉઠી નથી, 1947માં બંદૂકની અણીએ પાકિસ્તાનમાં વિલય થયા પછી અને તેના રાજાને આપેલાં વચનો તોડવામાં આવ્યા પછી જ બલૂચિસ્તાનમાં બળવો શરૂ થઈ ગયો હતો. પાકિસ્તાન તેને નષ્ટ કરવાના દાવા ઘણી વખત કરી ચૂક્યું છે, પણ આવાં કોઈ કાંડ કરીને બલોચો એ વાતનો પરચો આપતા રહ્યા છે કે તેઓ ક્યાંય ગયા નથી અને પાકિસ્તાનીઓ દુનિયાને ઉઠાં ભણાવે છે. ઊંડાણપૂર્વક જોઈએ તો આ બધાના મૂળમાં ઝીણાનો વિશ્વાસઘાત, બલૂચિસ્તાનના વિલીનીકરણ મુદ્દે નેહરુની ભૂલો અને ઑલ ઇન્ડિયા રેડિયો પર થયેલું એક પ્રસારણ છે.

    - Advertisement -

    કેવી રીતે ભારતે છોડી દીધું બલૂચિસ્તાન?

    1947માં અંગ્રેજો ભારત છોડીને ગયા. તેમણે ભારતનું વિભાજન કર્યું. નવા દેશ પાકિસ્તાનની રચના થઈ. પરંતુ કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ જેવાં ઘણાં રજવાડાં આનાકાની કરવા માંડ્યાં. તેમની પાસે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો અથવા સ્વતંત્ર રહેવાનો વિકલ્પ હતો. આવું જ એક રજવાડું કલાત હતું. કલાત પર તે સમયે મીર અહેમદ યાર ખાનનું શાસન હતું. તેમને ‘કલાતના ખાન’ કહેવામાં આવતા હતા. ભારત અને પાકિસ્તાનના નિર્માણ પછી પણ બલૂચિસ્તાને એ બાબતનો નિર્ણય લીધો ન હતો કે તે સ્વતંત્ર રહેવા માંગે છે કે કોઈ એક દેશમાં જોડાવા માંગે છે.

    કલાતમાં આજના બલૂચિસ્તાનનો મોટાભાગનો વિસ્તાર સામેલ હતો. ભૂરાજનીતિક વિશેષજ્ઞ તિલક દેવાશરના પુસ્તક ‘ધ બલૂચિસ્તાન કોનન્ડ્રમ’ અનુસાર, કલાતના ખાને અંગ્રેજોને કહ્યું હતું કે તેઓ સ્વતંત્ર રહેવા માંગે છે. આ અંગેના દસ્તાવેજો અંગ્રેજો દ્વારા મોકલવામાં આવેલા કેબિનેટ મિશનને પણ આપવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે મોહમ્મદ અલી ઝીણાએ તેમને આ કામમાં મદદ કરી. ઝીણા કલાતના ખાનના વકીલ હતા. 1947માં કલાતના ખાન અને કલાતના વડાપ્રધાન અને વિદેશ પ્રધાને બલૂચિસ્તાનના ભવિષ્ય અંગે એક બેઠક યોજી હતી.

    આ પણ વાંચો | કોણ છે બલોચ વિદ્રોહીઓ, જેમણે હાઈજેક કરી લીધી આખેઆખી ટ્રેન: શું છે બલૂચિસ્તાન લિબરેશન આર્મી, કેમ પાકિસ્તાનથી થવા માંગે છે સ્વતંત્ર

    ઇનાયતુલ્લાહ બલોચે તેમના પુસ્તકમાં આ વાતચીતની વિગતો આપી છે. આ બેઠકમાં પાંચ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનમાં જોડાવું, ભારતમાં જોડાવું, અફઘાનિસ્તાનમાં જોડાવું, ઈરાનમાં જોડાવું કે બ્રિટનમાં જોડાવાથી સુરક્ષિત રાજ્યનો દરજ્જો મેળવવાની ચર્ચા કરવામાં આવી હતી. અહેમદ યાર ખાને કહ્યું કે જાહેર વિરોધને કારણે પાકિસ્તાનમાં જોડાવું પડકારજનક હતું. આ ઉપરાંત, પાકિસ્તાનની ચિંતાઓને કારણે ભારતનો વિકલ્પ નકારી કાઢવામાં આવ્યો હતો.

    અહેમદ યાર ખાને દાવો કર્યો હતો કે નેહરુ તેમને નફરત કરતા હતા અને કોંગ્રેસે ક્યારેય તેમના પર વિશ્વાસ કર્યો ન હતો. કલાતના વિદેશ પ્રધાન, ડગલસ યેટ્સ ફેલ, ઈરાનમાં જોડાવાના પક્ષમાં હતા. તેમણે તેને બલૂચ એકતા માટે ફાયદાકારક ગણાવ્યું. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં મોટી સંખ્યામાં બલોચ વસ્તી રહે છે. જોકે, કલાતના ખાન પણ અફઘાનિસ્તાનમાં જોડાવાના પક્ષમાં હતા પરંતુ તે સંભવ બન્યું નહીં. આખરે લંડનવાળો વિકલ્પ પણ નકારી કાઢવામાં આવ્યો.

    ત્યારપછી કલાતના ખાન પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. દરમિયાન, પાકિસ્તાને લાસબેલા, મકરાન અને ખારાન પર કબજો કરી લીધો. હવે કલાત અધવચ્ચે અટવાઈ ગયું હતું અને તેની પાસે પાકિસ્તાનમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. બલૂચિસ્તાનના પાકિસ્તાનમાં જોડાવામાં ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રસારણ, ભારતનું તત્કાલીન વલણ અને નેહરુની શિથિલતાએ પણ ભૂમિકા ભજવી હતી.

    બલૂચિસ્તાન અને નેહરુ

    ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પણ બલૂચિસ્તાનની અવગણના કરી હતી. બલૂચિસ્તાન પર તેમની ભૂલ ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી ચીન અને કાશ્મીર પર તેમની નિષ્ફળતા. નેહરુએ ત્યારે કલાતને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો જ્યારે તે ભારત સાથે જોડવા રાજી હતું, કારણ કે તેને પાકિસ્તાનથી બચવું હતું. અહેમદ યાર ખાને પોતાની માંગણીઓ અંગ્રેજો સુધી પહોંચાડવા કોંગ્રેસના તત્કાલીન નેતૃત્વ સાથે પણ વાત કરી હતી.

    કોંગ્રેસને ટેકો આપનારા બલૂચિસ્તાનના એક અગ્રણી પશ્તુન સરદાર સમદ ખાને 1946માં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે કલાતની દુર્દશા વિશે વાત કરી હતી. જોકે, નેહરુએ પણ આમાં કોઈ રસ દાખવ્યો નહીં. બ્રિટિશ થિંક ટેન્ક ફોરેન પોલિસી સેન્ટર અનુસાર, નેહરુએ ખાન દ્વારા હસ્તાક્ષર કરાયેલા કલાતના 1947ના વિલીનીકરણ દસ્તાવેજો પણ પરત કર્યા હતા. ભારતે આ તક ગુમાવી દીધી. કદાચ, નેહરુ સરકાર સ્વતંત્ર બલૂચિસ્તાનના ભૂ-રાજકીય મહત્વને સમજી શકી ન હતી.

    ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રસારણથી વધી સમસ્યા

    બલૂચ ઇતિહાસકારો કહે છે કે કલાતના ખાન પાસે બે વિકલ્પો હતા: કાં તો પાકિસ્તાનમાં જોડાય અથવા તેને નકારી કાઢે અને સૈન્ય સાથે લડે. જોકે, નિર્ણય લેવાય તે પહેલાં જ બલૂચિસ્તાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું, જ્યારે 27 માર્ચ, 1948ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયોના (AIR) પ્રસારણમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે કલાતના ખાન એ જ વર્ષના જાન્યુઆરીમાં ભારતમાં વિલીનીકરણ અંગે ચર્ચા કરવા માટે નવી દિલ્હીનો સંપર્ક કર્યો હતો.

    તે સમયે સરકારમાં રહેલા વીપી મેનને ખુલાસો કર્યો હતો કે કલાતના ખાન ભારત પર કલાતના વિલીનીકરણને સ્વીકારવા દબાણ કરી રહ્યા હતા, પરંતુ ભારતને તેની સાથે કોઈ લેવાદેવા નહોતી. ગુલ ખાન નસીરના “તહરીખ-એ-બલૂચિસ્તાન (બલૂચિસ્તાનનો ઇતિહાસ)” માં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી. તે મુજબ, 27 માર્ચ 1948ના રોજ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’એ એક પ્રેસ કોન્ફરન્સ પ્રસારિત કરી જેમાં મેનને કહ્યું કે બે મહિના પહેલાં કલાતના ખાનએ નવી દિલ્હીમાં વિલીનીકરણ માટે વિનંતી રજૂ કરી હતી, પરંતુ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો.

    ઓલ ઇન્ડિયા રેડિયોએ મેનનના નિવેદનને પ્રસારિત કર્યું હતું. જેની પુષ્ટિ બલૂચિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ, લેખક અને ઇતિહાસકાર હાકીમ બલોચે કરી હતી. તેમણે આ ક્ષેત્ર પર અનેક પુસ્તકો લખ્યાં છે. ગુલ ખાન નસીરે કલાતના ખાનને ટાંકીને કહ્યું હતું કે આ કલાત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ ઉશ્કેરવા માટેનું એક ખુલ્લેઆમ જૂઠાણું છે. નસીર ખાનના મતે આનાથી પાકિસ્તાનના નેતાઓને બલૂચિસ્તાન પર હુમલો કરવાની તક મળી. પાછળથી નેહરુએ પણ આવી વાતોનો ઇનકાર કર્યો હતો પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.

    આ પણ વાંચો | હજારો વિદ્રોહીઓ વર્ષોથી ગુમ, અનેકનું અપહરણ…. ‘હાફ વિડો’ બનીને રહે છે પત્નીઓ: પાકિસ્તાની સેના સામે લડતા બલોચો સાથે સંકળાયેલી એક કથા આ પણ

    બ્રિટિશ હાઈકમિશનરે પણ પાકિસ્તાનને પત્ર લખીને કલાતના ખાન વિશે ચૂગલી કરી હતી. કલાતના ખાને પણ આ દાવાનો વિરોધ કર્યો હતો. તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે બીજા દિવસે સ્પષ્ટતા કરી કે આવી કોઈ વાત થઈ નથી. પરંતુ જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. ત્યારપછી પાકિસ્તાને પોતાની સેના મોકલી અને કલાત પર કબજો કરી લીધો. કલાતના ખાનને પકડીને કરાચી લઈ જવામાં આવ્યો અને વિલીનીકરણના દસ્તાવેજ પર સહી કરવા દબાણ કરવામાં આવ્યું.

    ઝીણાએ કર્યો વિશ્વાસઘાત

    કલાતના ખાનના પાકિસ્તાનમાં ભળી જવાનો નિર્ણય લેવામાં આવ્યા પછીથી જ બલૂચિસ્તાન સાથે વર્તન સારું રહ્યું નથી. બલૂચિસ્તાનના લોકોના મનમાં કડવાશ વિલીનીકરણની રીતને કારણે જ ઉભી થઈ હતી. ઝીણાએ બલૂચિસ્તાન માટે જે માન-સન્માનનો દાવો કર્યો હતો તે તેને નહોતું આપવામાં આવ્યું. પહેલો બળવો પણ આ પછી જ 1948માં શરૂ થયો હતો જ્યારે કલાત ખાનના નાના ભાઈએ બળવો કરી દીધો. જોકે, પાકિસ્તાની સેનાએ તેને દબાવી દીધો. થોડા વર્ષોમાં ઝીણાનું અવસાન થયું, ત્યારપછીથી બલૂચિસ્તાનમાં લૂંટફાટ મચી ગઈ.

    5 ગણો વધ્યો બળવો

    બલૂચિસ્તાનમાં 5 વખત બળવાની આગ ભડકી ચૂકી છે. દરેક વખતે તેની પાછળ એક ચિનગારી હોય છે. જો 1980-90ના દાયકાને બાજુ પર રાખીએ તો, અત્યાર સુધીના દરેક દાયકામાં બલૂચ બળવાખોરો ઉભા થયા છે. બલૂચિસ્તાનમાં હાલની લડાઈની ચિંગારી 2005માં ભડકી હતી. ત્યારે બલૂચિસ્તાનમાં તૈનાત એક આર્મી મેજરએ એક બલોચ છોકરી પર બળાત્કાર ગુજાર્યો. તેમની સામે કાર્યવાહી કરવાને બદલે પરવેઝ મુશર્રફે તેનું રક્ષણ કર્યું અને બલોચ લોકોને ધમકાવ્યા.

    પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલા કર્યા અને વિરોધ કરી રહેલા નિર્દોષ બલોચ લોકો પર ગોળીબાર કર્યો. ત્યારબાદ જ્યારે બલૂચ નેતા નવાબ અકબર બુગતીએ બળવો કર્યો ત્યારે તેમની હત્યા કરવામાં આવી અને તેમનો મૃતદેહ તેમના પરિવારને પણ સોંપવામાં આવ્યો નહોતો. ત્યારપછી બલોચ લોકો વધુ ગુસ્સે ભરાયા. ત્યારથી બલૂચિસ્તાન સતત અશાંત છે. પાકિસ્તાન બલૂચિસ્તાનના લોકો સાથે વાત કરવાને બદલે લશ્કરી કાર્યવાહી દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે. જે હવે શક્ય નથી.

    ગેસ લૂંટાયો, પછી બંદર વેચાયું

    1950ના દાયકામાં બલૂચિસ્તાનના સુઈ વિસ્તારમાં ગેસ મળી આવ્યો હતો. આ ગેસની લૂંટ પાકિસ્તાનના શાસકો દ્વારા શરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાને આ ગેસ બલૂચિસ્તાનને નહીં પરંતુ પંજાબ અને સિંધને પૂરો પાડ્યો. ત્યાં સુધી કે 1990ના દાયકા સુધીમાં આ ગેસ લગભગ ખતમ થઈ ગયો. ત્યારપછી પાકિસ્તાનના શાસકોએ બલૂચિસ્તાનમાં જમીન વેચી દીધી. હાલમાં પાકિસ્તાને બલૂચિસ્તાનમાં ગ્વાદર બંદર અને એરપોર્ટ ચીનને સોંપી દીધું છે. સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

    બલૂચિસ્તાન અયસ્ક અને ખનિજોથી ભરપૂર છે. પાકિસ્તાને આ પણ લગભગ ચીનને વેચી દીધું છે. આનાથી બલોચ લોકોમાં ગુસ્સો છે. પાકિસ્તાને બલૂચિસ્તાનમાં શાળાઓ અને હોસ્પિટલો જેવી મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડી નથી. આવી સ્થિતિમાં લોકોને બળવો કરવાની ફરજ પડી રહી છે. આ બળવામાં બલૂચ મહિલાઓ પણ સામેલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં