Thursday, March 13, 2025
More
    હોમપેજદુનિયાહજારો વિદ્રોહીઓ વર્ષોથી ગુમ, અનેકનું અપહરણ…. 'હાફ વિડો’ બનીને રહે છે પત્નીઓ:...

    હજારો વિદ્રોહીઓ વર્ષોથી ગુમ, અનેકનું અપહરણ…. ‘હાફ વિડો’ બનીને રહે છે પત્નીઓ: પાકિસ્તાની સેના સામે લડતા બલોચો સાથે સંકળાયેલી એક કથા આ પણ

    ડૉ. દીન બલોચ નામક વ્યક્તિનું 2009માં અપહરણ કરવામાં આવ્યું હતું, તેમનો પરિવાર આજે 15 વર્ષ પછી પણ તેમની રાહ જોઈ રહ્યો છે. 2024 જૂનમાં બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી જૂનના સમયમાં જ 197 લોકો ગુમ થયા હતા, જેમાંથી મોટાભાગના બલૂચિસ્તાનના હતા.

    - Advertisement -

    વિશ્વમાં પ્લેન-ટ્રેન હાઇજેકની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, મોટાભાગે તેમાં આતંકવાદી સંગઠનોનો હાથ હોય છે. હવે આવી જ એક ઘટના પાકિસ્તાનમાંથી સામે આવી છે. 11 માર્ચે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક થઈ ગઈ હતી. આ હાઇજેકની જવાબદારી પાકિસ્તાનમાં જ જન્મેલા એક સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે.

    આ ટ્રેનમાં લગભગ 500 મુસાફરો હતા, જે બંધક બની ગયા હતા. આ દરમિયાન BLAએ પાકિસ્તાની સરકારને 48 કલાકમાં તેમની માંગો પૂરી કરવાનું અલ્ટીમેટમ પણ આપી દીધું હતું. જોકે, બલોચોએ મહિલાઓ, બાળકો અને વૃદ્ધ નાગરિકોને મુક્ત કરી દીધા હતા. એ પછી જે બંધકો બચ્યા તેમાંથી મોટાભાગના પાકિસ્તાની સેના અથવા સરકારના કર્મચારીઓ હતા. 

    અહીં નોંધવા જેવું છે કે આ સંગઠન, જેણે ટ્રેન હાઇજેકનું કારસ્તાન કર્યું છે, તે BLAની વાત કરીએ તો આ એક સશસ્ત્ર વિદ્રોહી સંગઠન છે, જે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય છે. આ સંગઠન બલોચ રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરિત છે અને બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. પાકિસ્તાન સરકારે તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, જ્યારે બલોચ રાષ્ટ્રવાદીઓ તેને તેમના અધિકારોનું રક્ષણ કરતી સંસ્થા માને છે.

    - Advertisement -

    સ્વતંત્રતાથી લઈને હમણાં સુધીનો ઇતિહાસ જોઈએ તો પાકિસ્તાનમાં બલોચ લોકોની સ્થિતિ ખૂબ કપરી છે. અવારનવાર અહેવાલો સામે આવતા રહે છે કે, પાકિસ્તાનના સિંધમાં અને બલૂચિસ્તાનમાં લોકો ગુમ થઈ ગયા હોય અને વર્ષો સુધી પરત ફર્યા ન હોય. કેટલાક લોકો તો હંમેશા માટે ગુમ થઈ જતાં હોય છે, તે પુરુષોની પાછળ તેમની પત્નીઓ અડધી વિધવા (હાફ વિડો ) બનીને રહેતી હોય છે. બલૂચિસ્તાનમાં આ સમસ્યા મોટાપાયે જોવા મળી રહી છે. તેમને કોણ ગુમ કરે છે, શા માટે કરે છે અને પાકિસ્તાન સરકાર તેમાં કેમ ધ્યાન નથી આપી રહી આ બધા જ પ્રશ્નો પર આજે પણ પ્રશ્નાર્થ જ છે. આ અહેવાલમાં બલોચ લોકોની માંગણી અને હાફ વિડો વિશે વિગતે વાત કરીશું.

    બલૂચિસ્તાનની માંગ

    જ્યારે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલાં પડ્યા તે પહેલાંથી જ બલોચ નેતાઓનું કહેવું હતું કે બલૂચિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર હોય. 5 ઓગસ્ટ 1947ના રોજ બલૂચિસ્તાને તેની સ્વતંત્રતા પણ જાહેર કરી દીધી હતી. પરંતુ 1948માં પાકિસ્તાને તેની સેના મોકલીને બળજબરીથી બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં સામેલ કરી દીધું.

    જેના કારણે બલોચ નાગરિકોનો ગુસ્સો ભડકી ગયો. ત્યારથી જ તેઓ બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે માંગ કરી રહ્યા છે. આ જ માંગના કારણે તેમણે બલૂચિસ્તાન લિબરેશન આર્મી નામક સંગઠનની સ્થાપના કરી હતી.

    બલોચ લોકો એક અલગ સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ ધરાવે છે. તેઓ પોતાને પાકિસ્તાની રાષ્ટ્રવાદથી અલગ માને છે અને પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવા માંગે છે. પાકિસ્તાન સરકાર બલૂચિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી કરી રહી છે, જેના કારણે હજારો લોકો માર્યા ગયા છે અથવા ગુમ થયા છે. અનેક માનવાધિકાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાની સૈન્ય બલોચ કાર્યકર્તાઓનું અપહરણ કરે છે, ત્રાસ આપે છે અને હત્યા કરે છે.

    બળજબરીથી ગુમ કરવામાં આવે છે બલોચોને

    2000ના દાયકાની શરૂઆતમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી, જ્યારે નવા બળવાને કારણે દમન વધુ તીવ્ર બન્યો. આ બળવા અને વિરોધને ડામવા માટે રાજ્ય સુરક્ષાદળો ઘણીવાર મુક્તિ મેળવવા માટે કાર્યરત, શંકાસ્પદ બળવાખોરો, કાર્યકરો અને નાગરિકોને પણ નિશાન બનાવે છે અને તેમને ત્રાસ આપે છે.

    આ ત્રાસનું ઉદાહરણ છે, હાફ વિડો એટલે કે અડધી વિધવા કહેવાતી મહિલાઓ. આ એવી સ્ત્રીઓ છે જેમના પતિઓને બળજબરીથી ગુમ કરવામાં આવે છે અને તેમના ઠેકાણાની કોઈ જાણકારી પણ નથી મળી શકતી. આ સ્ત્રીઓને ન તો વિધવા કહી શકાય અને ન તો તેઓ પરિણીત જીવન જીવી શકે. કારણ કે તેમના પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તેનો કોઈ પુરાવો નથી. તેથી તેમને હાફ વિડો કહેવામાં આવે છે.

    આ એક ગંભીર સંકટ

    બલૂચિસ્તાનમાં બળજબરીથી ગુમ કરાવવામાં આવતી ઘટનાઓ માનવ અધિકાર માટેનો ગંભીર સંકટ છે. આ મુદ્દો દાયકાઓથી ચાલી રહ્યો છે, જેમાં સેંકડો, હજારો બલોચ નાગરિકો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, પત્રકારો અને સામાન્ય લોકો અચાનક ગાયબ થઈ ગયા છે. કહેવાય છે કે, આ લોકોને પાકિસ્તાની સેના, ગુપ્તચર એજન્સીઓ (ISI, MI) અને અર્ધલશ્કરી દળો (ફ્રન્ટિયર કોર્પ્સ – FC) દ્વારા ઉઠાવી લેવામાં આવે છે. પરંતુ સત્તાવાર રીતે પાકિસ્તાની સરકાર હંમેશા આ બાબતનો ઇનકાર કરે છે.

    કેવી રીતે થાય છે લોકો ગાયબ?

    એવું સામે આવ્યું છે કે, રાત્રે લશ્કર કે અર્ધલશ્કરીદળો ઘરોમાં પ્રવેશ કરે છે. જે-તે પરિવારના સભ્યોને ધમકી આપવામાં આવે છે અને શંકાના આધારે વ્યક્તિને ઉઠાવી લેવામાં આવે છે. ક્યારેક મહિલાઓ અને બાળકોને ડરાવવા માટે ગોળીબાર પણ કરવામાં આવે છે. ઘણા લોકોને ધોળા દિવસે શેરીઓમાંથી ઉઠાવી લેવામાં આવે છે.

    આ સિવાય બાઇક કે કાળા કાચવાળી ગાડીઓમાં લોકો આવે છે બલોચોને ઉઠાવીને લઈ જાય છે. આ ઘટનાઓ સામાન્ય રીતે બજારો, કોલેજો અથવા બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ બને છે. આ ઉપરાંત સરકાર કે સેના વિરુદ્ધ વિરોધ કરનારા બલોચોને પણ ઉઠાવી લેવામાં આવે છે અને જેલ કે અજાણ્યા સ્થળોએ ધકેલી દેવામાં આવે છે. ઘણા માનવાધિકાર કાર્યકરો અને પત્રકારો પણ આવી જ રીતે ગુમ થયા હોવાના અહેવાલ સામે આવી ચૂક્યા છે.

    ઉલ્લેખનીય છે કે, બલોચ લોકોને ઉઠાવી લઈ જઈને અજાણ્યા અને વેરાન સ્થળોએ રાખવામાં આવે છે. આ સ્થળોને ‘ટોર્ચર સેલ’ અથવા ‘ગુપ્ત જેલ’ કહેવામાં આવે છે, જ્યાં પૂછપરછના નામે ગંભીર ત્રાસ આપવામાં આવે છે. કેટલાક લોકોને ઘણા વર્ષો સુધી ત્યાં રાખવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં ગુમ થયેલા વ્યક્તિઓના મૃતદેહ થોડા દિવસો, મહિનાઓ કે વર્ષો પછી મળી આવે છે.  આ સિવાય ગુમ થયેલા લોકોના શરીર પર ત્રાસ ગુજાર્યાના નિશાન પણ મળી આવે છે. આ રણનીતિને ‘કીલ એન્ડ ડમ્પ’ કહેવામાં આવે છે, જે બલૂચિસ્તાનમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે.

    વર્ષોથી ગુમ છે કોઈના પતિ-પુત્ર-ભાઈ

    માહિતી મુજબ, બલૂચિસ્તાનમાં એવી હજારો મહિલાઓ છે જે વર્ષોથી પોતાના પતિ-પુત્ર કે ભાઈની રાહ જોઈ રહી છે. અહેવાલ અનુસાર ડૉ. દીન બલોચ નામક વ્યક્તિનું 2009માં અપહરણ કરવામાં આવ્યું હતું, તેમનો પરિવાર આજે 15 વર્ષ પછી પણ તેમની રાહ જોઈ રહ્યો છે. 2024 જૂનમાં બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી જૂનના સમયમાં જ 197 લોકો ગુમ થયા હતા, જેમાંથી મોટાભાગના બલૂચિસ્તાનના હતા.

    સપ્ટેમ્બર 2015માં બલૂચિસ્તાન ગૃહ મંત્રાલયે માહિતી આપી હતી કે, 9 મહિનામાં 8,363 બલોચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં લગભગ હજારો લોકોનું આ રીતે અપહરણ કરવામાં આવ્યું છે. તેમના એવા પણ દાવા છે કે, પાકિસ્તાનની સરકાર સાચા આંકડા બહાર નથી પાડી રહી.

    23 જુલાઈ 2014ના અહેવાલ મુજબ, પ્રાંતીય ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, પ્રાંતમાં ફક્ત 71 લોકો ગુમ થયા છે, જ્યારે માનવ અધિકાર સંગઠનોનો અંદાજ છે કે, આ આંકડો 8,000ની નજીક છે. વોઇસ ફોર બલોચ મિસિંગ પર્સન્સ (VFBMP), જે આવા ગુમ થયેલા લોકો માટે કાર્યરત છે, તેનું કહેવું છે કે છેલ્લાં 13 વર્ષોમાં (2015 સુધી) 19,000થી વધુ બલોચ રાજકીય કાર્યકરો અને સમર્થકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા છે.

    VFBMPના વાઇસ ચેરમેન મામા કાદિરે 23 જુલાઈ, 2014ના રોજ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે, “બલૂચિસ્તાનમાં 19,000થી વધુ લોકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા છે અને તેમાંથી કોઈ પણ હજુ સુધી મળી આવ્યું નથી. સરકારે થોડા સમય માટે અટકાયતમાં રાખેલા લોકોને મુક્ત કરવા સિવાય કંઈ કર્યું નથી.” આ સિવાય આ સંગઠને ગુમ થયેલા વ્યક્તિઓ વિશે પુરાવા સાથે સંયુક્ત રાષ્ટ્રને એક વિગતવાર અહેવાલ સુપરત કર્યો હતો.

    બલોચ હાફ વિડોની પરિસ્થિતિ અને પડકારો

    1. લગ્ન અને પુનર્લગ્નની જટિલતા: પતિ જીવિત છે કે મૃત તેનો કોઈ પુરાવો ન હોવાથી, હાફ વિડોની  સ્થિતિ અત્યંત જટિલ બની જાય છે. ઇસ્લામિક કાયદા અને સ્થાનિક પરંપરાઓ અનુસાર, જો શોહર ગુમ થયો હોય તો પણ સ્ત્રી તેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થયા વિના ફરીથી લગ્ન કરી શકતી નથી. કેટલીક કાયદાકીય વ્યવસ્થાઓમાં ગુમ થયેલી વ્યક્તિને મૃત જાહેર કરવા માટે ઓછામાં ઓછી 7 થી 10 વર્ષ રાહ જોવી પડે છે, જે મહિલાઓ માટે પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવે છે.
    2. મિલકત અને ઉત્તરાધિકારનો પ્રશ્ન: જો કોઈ સ્ત્રીનો શોહર ગાયબ થઈ જાય, તો તેની મિલકત અને વારસાનો કોઈ સ્પષ્ટ ઉકેલ હોતો નથી. હાફ વિડો ન તો તેમના પતિની મિલકત પર સંપૂર્ણ અધિકારનો દાવો કરી શકે છે અને ન તો સમાજ તેમને સ્વતંત્ર રીતે જીવવાની મંજૂરી આપે છે. કેટલાક કિસ્સાઓમાં, સાસરિયાં અથવા અન્ય સંબંધીઓ આ મહિલાઓને મિલકતના અધિકારોથી વંચિત કરી દે છે.
    3. આર્થિક મુશ્કેલીઓ અને આજીવિકા સંકટ: બલોચ સમાજમાં મોટાભાગના પરિવારોમાં પુરુષો એકમાત્ર કમાતા હોય છે, તેથી તેમના ગાયબ થયા પછી, પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ અશિક્ષિત છે અને તેમની પાસે રોજગારની મર્યાદિત તકો છે, જેના કારણે તેમને આજીવિકા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર કે અન્ય સંસ્થાઓ તરફથી કોઈ ખાસ નાણાકીય સહાય ઉપલબ્ધ થતી નથી, જેના કારણે તેમના માટે ટકી રહેવું વધુ મુશ્કેલ બને છે.
    4. સામાજિક બહિષ્કાર અને કલંક: ઘણી વખત અડધી વિધવાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાને બદલે સમાજ તેમને કલંકિત કરે છે. કેટલાક સમુદાયોમાં તેમને કમનસીબ માનવામાં આવે છે અને તેમના માટે ફરીથી લગ્ન કરવા કે સ્વતંત્ર જીવન જીવવાનું મુશ્કેલ બની જાય છે. ઘણી સ્ત્રીઓને સમાજ દ્વારા અવગણવામાં આવે છે, જેના કારણે તેઓ વધુ લાચાર બને છે.
    5. માનસિક તણાવ અને હતાશા: કોઈ પ્રિય વ્યક્તિના અચાનક ગુમ થવાથી સ્ત્રીઓ અને તેમના પરિવારના સભ્યોને ગંભીર માનસિક આઘાત લાગે છે. PTSD (પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર), હતાશા, ચિંતા અને આત્મહત્યાની વૃત્તિઓ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. બાળકો પણ આ સ્થિતિથી પ્રભાવિત થાય છે, જેના કારણે તેમના શિક્ષણ અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે.

    ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં માનવાધિકાર સંગઠનોએ વારંવાર બળજબરીથી ગુમ થવાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ કેસોમાં સરકાર અને સુરક્ષા એજન્સીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપતી નથી, જેના કારણે પીડિત પરિવારોની મુશ્કેલીઓમાં વધારો થાય છે. બળજબરીથી ગુમ કરાયેલા લોકોની પત્નીઓ અને માતાઓએ અનેક વખત વિરોધ પ્રદર્શનો કર્યા છે, પરંતુ તેમની માંગણીઓને અવગણવામાં આવે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, હ્યુમન રાઇટ્સ વોચ અને સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ પણ આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં