Wednesday, March 12, 2025
More
    હોમપેજદુનિયાકોણ છે બલોચ વિદ્રોહીઓ, જેમણે પાકિસ્તાનમાં હાઈજેક કરી લીધી આખેઆખી ટ્રેન: શું...

    કોણ છે બલોચ વિદ્રોહીઓ, જેમણે પાકિસ્તાનમાં હાઈજેક કરી લીધી આખેઆખી ટ્રેન: શું છે બલૂચિસ્તાન લિબરેશન આર્મી, કેમ પાકિસ્તાનથી થવા માંગે છે સ્વતંત્ર

    બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી સમૃદ્ધ પ્રાંત બની શક્યો હોત, પરંતુ સ્થાનિક લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. અહીંના કુદરતી સંસાધનોનું પાકિસ્તાન સરકાર અને વિદેશી કંપનીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે, જ્યારે સ્થાનિક લોકોને તેમાંથી કોઈ લાભ મળતો નથી.

    - Advertisement -

    અત્યાર સુધી દુનિયાભરમાં ક્યાંક ટ્રેન કે વિમાનો હાઇજેક થતાં ત્યારે તેમાં પાકિસ્તાનીઓનું નામ યાદીમાં મોખરે રહેતું. આ વખતે એવું થયું છે કે પાકિસ્તાનમાં જ એક ટ્રેન હાઈજેક થઈ ગઈ છે અને પાકિસ્તાનની સેના બણગાં ફૂંક્યા સિવાય કશું કરી શકતી નથી. બન્યું એવું કે 11 માર્ચે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જતી જાફર એક્સપ્રેસ હાઇજેક થઈ ગઈ અને તે સમયે તેમાં સવાર 40૦થી વધુ મુસાફરો બંધક બની ગયા. 

    આ કારસ્તાનની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ (BLA) લીધી છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ઘટનાને 24 કલાક વીતી ગયા છે અને હજુ પણ ટ્રેન તેના ઠેકાણે જ ઊભી છે. BLAએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનની સરકાર અને સેનાને ચેતવણી આપી છે કે તેમણે અવળચંડાઈ કરવાના પ્રયાસ કર્યા તો બંધકોના જીવ પર જોખમ આવશે. જોકે બલોચો મહિલાઓ, બાળકો અને વૃદ્ધ બલોચ નાગરિકોને મુક્ત કરી ચૂક્યા છે. હવે જેઓ બંધકો છે તેમાંથી મોટાભાગના પાકિસ્તાની સેના અથવા સરકારના કર્મચારીઓ છે. 

    BLAએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે પાકિસ્તાનની સેનાના 30 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને સતત લડી રહ્યા છે. અહેવાલો એવા પણ છે કે ટ્રેનમાં તેમના લડવૈયાઓ સ્યુસાઇડ બૉમ્બ પહેરીને બેઠા છે. બીજી તરફ પાકિસ્તાને 27 લડવૈયાઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે અને 150થી વધુ મુસાફરોને બચાવી લેવાયા હોવાનું પણ કહ્યું છે. પણ હકીકતે તો આ લોકોને BLAએ જ છોડ્યા હોવાનું તેઓ પોતે જણાવી રહ્યા છે. એટલે હવે લડવૈયાઓને મારી નાખ્યા હોવાના પાકિસ્તાનના દાવામાં પણ હકીકત કેટલી અને જૂઠાણું કેટલું એ નક્કી કરવું કઠિન છે. કારણ કે કામ કર્યા વગર ફાંકા ફોજદારી કર્યા કરવાની પાકિસ્તાની સેના અને સરકારને જૂની આદત છે. 

    - Advertisement -

    આ ઘટનાક્રમ પરથી એટલું તો ચોક્કસ છે કે હાલ પાકિસ્તાનની સેના એક વિદ્રોહી સમૂહ સામે ઘૂંટણિયે પડી ગઈ છે. આ સમૂહ છે બલૂચિસ્તાન લિબરેશન આર્મી. તેઓ હાલ દુનિયામાં ગાઈ-વગાડીને કહી રહ્યા છે કે હાઇજેકિંગ તેમણે જ કર્યું છે અને તેમની અમુક માંગ છે જે પાકિસ્તાન સરકાર પૂર્ણ કરે તો જ તેઓ બંધકોને મુક્ત કરશે. તેમણે બલિદાન સુધી લડવાની પણ ઘોષણા કરી દીધી છે. આ બધાની વચ્ચે આ સંગઠન વિશે જાણવું જરૂરી બની જાય. 

    શું છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી

    બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એક સશસ્ત્ર વિદ્રોહી સંગઠન છે, જે તેના નામ પ્રમાણે જ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય છે. બલૂચિસ્તાનને પાકિસ્તાનના નકશા પર જોઈએ તો એ પશ્ચિમ છેડે આવેલો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રાંત છે, જેની સરહદો અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલી છે. જોકે અહીં વસ્તી તમામ પ્રાંતમાં સૌથી ઓછી છે. માત્ર 1.4 કરોડ જેટલી. વિસ્તાર મોટો છે, પણ પર્વતીય વિસ્તાર છે. ભૌગોલિક સ્થિતિ એવી છે જેના કારણે વસ્તીગીચતા બહુ નથી. જોકે ખનીજની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રદેશ છે.

    BLAની વાત કરીએ તો આ સંગઠન બલોચ રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરિત છે અને બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. પાકિસ્તાન સરકારે તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, જ્યારે બલોચ રાષ્ટ્રવાદીઓ તેને તેમના અધિકારોનું રક્ષણ કરતી સંસ્થા માને છે.

    સશસ્ત્ર બળવાખોર સંગઠનનો મૂળ ઉદ્દેશ્ય બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને તેને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો છે. જેના માટે તેઓ પાકિસ્તાનની સરકાર અને સેના સામે લડતા રહે છે. તાજેતરના ભૂતકાળમાં બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના પર ઘણા હુમલાઓ થયા, જેની પાછળ આ સંગઠનના વિદ્રોહીઓનો જ હાથ હતો. તેઓ સશસ્ત્ર ચળવળ થકી પાકિસ્તાની સેના અને સરકારને પડકાર ફેંકી રહ્યા છે. કાયમ તેઓ નાનું-મોટું કરતા રહે છે પણ આ વખતે તેમણે પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો અને આખેઆખી ટ્રેન હાઈજેક કરી લઈને દુનિયાભરમાં સમાચારની હેડલાઈન બની ગયા.

    ઇતિહાસ જોઈએ તો જાણવા મળશે કે બલોચ રાષ્ટ્રવાદની વિચારધારા આજની નથી. તેનાં મૂળ 1947માં અખંડ ભારતના વિભાજન પહેલાં જ રોપાઈ ચૂક્યાં હતાં. જ્યારે ‘ટૂ નેશન થિયરી’ના આધારે ભારતમાંથી એક સ્વતંત્ર મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની વિચારણા ચાલી રહી હતી ત્યારે જ બલોચ નેતાઓનું કહેવું હતું કે બલૂચિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર હોય. પણ 1947ના વિભાજનના એક વર્ષ બાદ એટલે 1948માં તેનો સમાવેશ પાકિસ્તાનમાં કરી દેવામાં આવ્યો. આ કૃત્ય બળજબરીપૂર્વક કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો માને છે. ત્યારથી અહીં એક ચળવળે જન્મ લીધો, જેનો ઉદ્દેશ્ય બલૂચિસ્તાનની સ્વતંત્રતા છે.

    2000ના દાયકાની શરૂઆતમાં બલોચ ચળવળોએ ફરીથી વેગ પકડ્યો. આ સમય દરમિયાન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ઉભી થઈ. આ સંગઠન પાકિસ્તાન સરકાર પર બલોચ લોકોના સંસાધનોનું શોષણ કરવાનો અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવે છે.

    બલૂચિસ્તાનનો ઇતિહાસ

    1947માં જ્યારે ભારતમાંથી અલગ થઈને પાકિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે બલૂચિસ્તાનના તત્કાલીન શાસકે પણ પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી. 1947માં ભારતની સ્વતંત્રતા સમયે બલૂચિસ્તાન તરીકે ઓળખાતો પ્રદેશ ચાર રજવાડાંમાં વહેંચાયેલો હતો, જેમાંથી એક કલાત હતું. અહીંનો શાસક ખાન કહેવાતો. આ ઉપરાંત ખારાન, લાસ બેલા અને મકરાનના રૂપમાં ત્રણ અન્ય રજવાડાં હતાં, જેમણે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.

    એવું કહેવાય છે કે આ પ્રાંતો પાસે ભારતમાં જોડાવવાનો વિકલ્પ હતો પરંતુ મહોમ્મદ અલી ઝીણાના પ્રભાવથી તેઓ આ નિર્ણય ન લઈ શક્યા. જ્યારે 1947માં ભારતની આઝાદી સમયે માઉન્ટબેટન સાથે પણ એક મિટિંગ થઈ, જેમાં ઝીણાએ કલાતની સ્વતંત્રતાને ટેકો આપ્યો હતો.

    બલૂચિસ્તાને પણ 5 ઓગસ્ટ, 1947ના રોજ પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી. તે જ સમયે બાકીના ત્રણ પ્રાંતોએ પણ સંપૂર્ણ બલૂચિસ્તાનમાં બનાવવાનો નિર્ણય લીધો હતો. જોકે માર્ચ 1948માં પાકિસ્તાને ત્યાં પોતાની સેના મોકલીને બળજબરીથી બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં સામેલ કરી દીધું. જેના કારણે બલોચ નાગરિકોનો ગુસ્સો ભડકી ગયો. ત્યારથી જ તેઓ બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે માંગ કરી રહ્યા છે.

    બલોચોએ 1948, 1958-59, 1973-77 અને 2004થી પાકિસ્તાન વિરુદ્ધ અનેક બળવા કર્યા છે. આ બળવા મુખ્યત્વે આર્થિક દમન, રાજકીય હાંસિયામાં ધકેલાઈ જવા અને સાંસ્કૃતિક ભેદભાવ સહિતના અનેક મુદ્દાઓના વિરોધમાં હતા. સ્થાનિકોની માંગણીઓ અને પાકિસ્તાની શાસન દ્વારા તેમની સતત થતી અવગણનાના કારણે પરિસ્થિતિ સમય સાથે વણસતી ગઈ.

    BLA કહે છે કે બલૂચિસ્તાન કુદરતી સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં આ પ્રાંત અત્યંત ગરીબી અને શોષણથી પીડાય છે. તેમનો દાવો છે કે પાકિસ્તાન સરકાર અને સેના બલૂચિસ્તાનના તેલ, ગેસ અને ખનિજ સંસાધનોનું શોષણ કરી રહી છે, જ્યારે સ્થાનિક બલોચોને જ તેનો લાભ મળી રહ્યો નથી.

    BLAનાં કાર્યો અને ગતિવિધિઓ

    BLA મુખ્યત્વે પાકિસ્તાની સૈન્ય, સરકારી સંસ્થાઓ અને ચીની રોકાણકારોને નિશાન બનાવે છે. આ સંગઠન સશસ્ત્ર સંઘર્ષ દ્વારા પાકિસ્તાન સરકાર સામે લડી રહ્યું છે. BLA વારંવાર પાકિસ્તાન સેના અને અર્ધલશ્કરી દળો પર ઘાતક હુમલાઓ કરતું આવ્યું છે. આ હુમલાઓનો ઉદ્દેશ્ય પાકિસ્તાની સુરક્ષા દળોની હાજરીને પડકારવાનો અને તેમને બલૂચિસ્તાનને બહાર કાઢવાનો છે.

    આ સિવાય સરકારી ઇમારતો, રેલ્વે ટ્રેક, ગેસ પાઇપલાઇન અને અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને પણ BLA ટાર્ગેટ બનાવે છે. BLAએ વારંવાર ચીની રોકાણકારો અને CPEC સંબંધિત પ્રોજેક્ટ્સને નિશાન બનાવ્યા છે. તેઓ તેને બલોચ સંસાધનોની લૂંટ તરીકે ગણાવે છે અને ચીનને ‘ઔપનેવેશિક શક્તિ’ તરીકે જુએ છે. આ ઉપરાંત BLA ગેરિલા યુદ્ધ નીતિ અપનાવીને પાકિસ્તાન સેના પર નાના પરંતુ અસરકારક હુમલાઓ કરે છે.

    આ સંગઠન પહાડી વિસ્તારોમાં ચોરીછૂપીથી હુમલો કરવાની અને પછી સલામત સ્થળોએ પાછા ફરવાની રણનીતિ અપનાવે છે. BLA સોશિયલ મીડિયા અને અન્ય પ્રચાર માધ્યમો દ્વારા બલૂચ યુવાનો સાથે જોડાવાનો પ્રયાસ કરે છે.

    બલૂચિસ્તાન પ્રાંત પાકિસ્તાનથી કેમ થવા માંગે છે સ્વતંત્ર?

    બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પણ સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. આ પ્રદેશ ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે અને અહીં કુદરતી ગેસ, કોલસો, તાંબુ, સોનું અને અન્ય કિંમતી ખનિજોના મોટા ભંડાર જોવા મળે છે. આમ છતાં બલૂચ લોકો માને છે કે તેમને પાકિસ્તાન સરકાર તરફથી યોગ્ય પ્રતિનિધિત્વ અને આર્થિક લાભો મળી રહ્યા નથી.

    બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી સમૃદ્ધ પ્રાંત બની શક્યો હોત, પરંતુ સ્થાનિક લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. અહીંના કુદરતી સંસાધનોનું પાકિસ્તાન સરકાર અને વિદેશી કંપનીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે, જ્યારે સ્થાનિક લોકોને તેમાંથી કોઈ લાભ મળતો નથી. બલોચ નેતાઓ અને રાજકીય કાર્યકરો હંમેશા ફરિયાદ કરે છે કે પાકિસ્તાન સરકાર તેમના લોકોને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ પણ આપતી નથી.

    બલોચ લોકો એક અલગ સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ ધરાવે છે. તેઓ પોતાને પાકિસ્તાની રાષ્ટ્રવાદથી અલગ માને છે અને પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવા માંગે છે. પાકિસ્તાન સરકાર બલૂચિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી કરી રહી છે, જેના કારણે હજારો લોકો માર્યા ગયા છે અથવા ગુમ થયા છે. અનેક માનવાધિકાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સૈન્ય બલોચ કાર્યકર્તાઓનું અપહરણ કરે છે, ત્રાસ આપે છે અને હત્યા કરે છે.

    CEPC પ્રોજેક્ટનો વિરોધ

    ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) એક અબજો ડોલરનો પ્રોજેક્ટ છે. જે તાજેતરનાં વર્ષોમાં બલૂચિસ્તાનમાં સંઘર્ષનું એક મુખ્ય કારણ રહ્યું છે. પાકિસ્તાન સરકાર CPECને દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર તરીકે ગણાવે છે, ત્યારે બલોચ લોકો તેને ચીન દ્વારા તેમના સંસાધનોનું શોષણ કરવા અને તેમને વધુ હાંસિયામાં ધકેલવાના સાધન તરીકે જુએ છે. આ પહેલાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી, જેઓ પ્રો-ચીન વલણ ધરાવવા માટે જાણીતા હતા. તેમના સમયમાં ચીન પાકિસ્તાનમાં ઘણું ઘૂસી ગયું છે અને તેની અસર બલૂચિસ્તાનમાં પણ પડી છે. આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાન પાસે પણ ચીનને આ જમીનો ધરી દેવા સિવાય બીજા કોઈ વિકલ્પ હોવાનું જણાતું નથી.

    આ પ્રોજેક્ટ્સને કારણે મોટી સંખ્યામાં સમુદાયના લોકોનું વિસ્થાપન થયું છે, ઉપરાંત વિસ્તારનું લશ્કરીકરણ થયું છે. મોટી સંખ્યામાં ચીની કામદારો સ્થાયી થવાના કારણે પાકિસ્તાની શાસન સામે બલોચ લોકોમાં રોષ વધ્યો છે. BLA અને અન્ય અલગતાવાદી જૂથો પાકિસ્તાનમાં ચીની ગેસ અને અન્ય પ્રોજેક્ટ્સ તેમજ ચીની કામદારોને વધુને વધુ નિશાન બનાવી રહ્યાં છે. આ હુમલાઓનો ઉદ્દેશ્ય CPECને રોકવાનો અને ચીનને સંદેશ આપવાનો છે કે તેમના પ્રાંતમાં તેની સંડોવણીનો સખત વિરોધ ચાલુ રહેશે.

    પાકિસ્તાનની સેના સામેની રણનીતિ

    BLA નાના ગેરિલા ટુકડીઓ દ્વારા નીતિથી પાકિસ્તાની સેના અને અર્ધલશ્કરી દળો પર અચાનક હુમલાઓ કરે છે. BLA એ ઘણી વખત બોમ્બ (IED) અને આત્મઘાતી હુમલાઓનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત સ્નાઇપર દ્વારા ગોળીબાર કરીને મહત્વપૂર્ણ સૈન્ય અધિકારીઓને નિશાન બનાવવાના મામલા સામે આવ્યા છે.

    આ સિવાય સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મંચો પર રજૂઆત કરીને બલૂચ મુદ્દાને ઉઠાવવાના પ્રયાસો પણ ખરા. BLA આંતરરાષ્ટ્રીય સમુદાય.અને ખાસ કરીને ભારત અને પશ્ચિમી દેશો પાસેથી સમર્થન મેળવવાનો પ્રયાસ કરે છે. BLAના મુખ્ય ઓપરેશનોમાં 2018માં કરાચીમાં ચીની કોન્સ્યુલેટ પર હુમલો અને 2019માં ગ્વાદરમાં પર્લ કોન્ટિનેંટલ હોટેલ પર હુમલો સામેલ છે.

    આંતરરાષ્ટ્રીય વલણ અને પ્રતિબંધો

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને 2006માં જ BLAને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2019માં અમેરિકા અને બ્રિટને પણ BLAને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આ સિવાય કાંઈ ન વધે ત્યારે ઘણીવાર પાકિસ્તાન સરકાર ભારત પર એવા આરોપ લગાવે છે કે BLAને આપણી સરકારનું સમર્થન મળે છે. જોકે તેમની પાસે પુરાવાના નામે કશું નથી.

    એ પણ ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં માનવાધિકારોની પરિસ્થિતિ ગંભીર હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ સંઘર્ષને મોટાભાગે અવગણવામાં આવે છે. સામાજિક એક્ટિવવિસ્ટોએ અને નેતાઓએ પાકિસ્તાન સરકાર પર આ પ્રદેશમાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ આ આરોપોને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ઓછું ધ્યાન મળ્યું છે. સંભવતઃ ટ્રેન હાઇજેકિંગ કરીને BLA દુનિયાનું ધ્યાન જ ખેંચવા માંગતું હતું અને તેઓ પોતાના ઉદ્દેશ્યમાં સફળ પણ થતા જોવા મળી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં