1971માં ભારત-પાકિસ્તાન (India-Pakistan War) વચ્ચે થયેલું યુદ્ધ ભારતીય સેનાની શૂરવીરતા, અદમ્ય સાહસ અને સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ જ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના અત્યાચારોમાંથી પૂર્વ પાકિસ્તાનને છોડાવ્યું (Vijay Diwas) અને ન માત્ર ઐતિહાસિક પરંતુ ભૌગોલિક બદલાવ લાવ્યો. એ પછી જ જન્મ થયો બાંગ્લાદેશનો (Bangladesh). જોકે આ યુદ્ધ અને વિજયનો શ્રેય વર્ષોથી કોંગ્રેસ માત્ર ઇન્દિરા ગાંધીને આપતી રહી છે જોકે બાંગ્લાદેશ આ યુદ્ધના નાયક કોંગ્રેસના જ દલિત નેતા બાબુ જગજીવન રામને (Babu Jagjivan Ram) ગણાવે છે. તથા બાંગ્લાદેશ આ માટે બાબુ જગજીવન રામને સન્માનિત પણ કરી ચૂક્યું છે.
વર્ષ 1971માં જ્યારે પાકિસ્તાની નેતા યાહ્યા ખાનની (Yahya Khan) તાનાશાહી અને અત્યાચારના કારણે પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) રૂંધાઇ રહ્યું હતું તેની અસર ભારત પર પણ થઇ રહી હતી. લગભગ 1 કરોડની સંખ્યામાં શરણાર્થીઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા હતા. વધતું સંકટ જોઇને ભારતે પૂર્વ પાકિસ્તાનની મદદ કરવાનું નક્કી કર્યું. જેમાં રક્ષા મંત્રી અને સંરક્ષણ વિભાગ હેઠળ આવતી ભારતીય સેનાની ત્રણેય પાંખોએ અદમ્ય સાહસનો પરિચય આપ્યો. જોકે આ સમયે દેશના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી (Indira Gandhi) હતા, તેથી આ યુદ્ધના વિજયનો બધો જ શ્રેય માત્ર ઇન્દિરા ગાંધીને જ આપવામાં આવ્યો છે.
1971ના યુદ્ધમાં બાબુ જગજીવન રામની મહત્વપૂર્ણ ભૂમિકા
જોકે બાંગ્લાદેશે આ યુદ્ધના નાયક તરીકે કોંગ્રેસ નેતા અને તત્કાલીન રક્ષા મંત્રી બાબુ જગજીવનરામને ગણાવ્યા હતા. મહત્વની બાબત એ હતી કે ભારતીય સૈન્યમાં ભારત માટેની રાષ્ટ્ર ભક્તિમાં તો લેશ માત્ર કમી નહોતી, પરંતુ આ યુદ્ધ ભારતની ભૂમિ માટે નહીં પરંતુ અન્ય ભૂમિ માટે લડવાનું હતું. ત્યારે આ સમયે સેનાના સૈનિકોનું મનોબળ વધારવામાં અને વિજયનો આત્મવિશ્વાસ ભરવામાં બાબુ જગજીવનરામે મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1970માં તેમણે સંરક્ષણમંત્રી તરીકેનું પદ સંભાળ્યું ત્યારથી જ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાઓ દેખાઈ રહી હતી. આ સમયે પશ્ચિમ પાકિસ્તાનનો (હાલનું પાકિસ્તાન) પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) પર અત્યાચાર પણ વધી રહ્યો હતો.
16 ડિસેમ્બર 2016ના રોજ ઇન્ડિયા ફાઉન્ડેશન, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી, ઈન્ડિયન વોર વેટરન્સ એસોસિએશન અને બાબુ જગજીવન રામ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત ‘1971 ઇન્ડિયા-પાકિસ્તાન વોર: લિબરેશન ઓફ બાંગ્લાદેશ’ નામક કાર્યક્રમમાં બાબુ જગજીવનરામના પુત્રી અને ભૂતપૂર્વ લોકસભા સ્પીકર શ્રીમતી મીરાં કુમારે તેમના ભાષણ દરમિયાન એ સમયે બાબુ જગજીવન રામની પૂર્વ તૈયારીઓ અંગે ઉલ્લેખ કર્યો હતો.
ભારત ભ્રમણ કરી જન સામાન્યને પણ યુદ્ધ માટે કર્યા હતા તૈયાર
તેમણે કહ્યું હતું કે આ સમયે પોતાનું પદ સંભાળ્યા પછી બાબુ જગજીવન રામે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું અને સૈનિકોને મળ્યા. તેઓએ સૈનિકો સાથે સંવાદ કર્યો, સૈનિકોને કહ્યું કે, “સામેથી યુદ્ધ કરવું ના આપણો ઈતિહાસ છે, ના પરંપરા છે કે ના સંસ્કૃતિ છે. પરંતુ જો આપણા પર યુદ્ધ થોપવામાં આવ્યું તો યુદ્ધ ભારતની ધરતી પર નહીં થાય. આપણે દુશ્મનોને પાછાં ધકેલીશું અને તેમની ધરતી પર જઈને વિજય મેળવીશું.”
મીરાં કુમારના જણાવ્યા અનુસાર બાબુ જગજીવન રામ દર બીજા કે ત્રીજા દિવસે સંસદમાં યુદ્ધની તૈયારીઓ અને તત્કાલીન પરિસ્થિતિ અંગે બ્રીફિંગ આપતા હતા. દર બીજા કે ત્રીજા દિવસે તેઓ જાહેર ભાષણ આપતા અને જનપ્રતિનિધિઓને દેશમાં શું ચાલી રહ્યું છે અને આપણી યુદ્ધ તૈયારીઓ શું છે તે અંગે વાકેફ કરતા. તેઓ ભારતના દરેક વ્યક્તિ સુધી પહોંચતા હતા – પછી ભલે તે શહેરી હોય કે ગ્રામીણ – અને તેને કહેતા હતા કે ડરવાની કોઈ વાત નથી આ યુદ્ધને આપણે ઐતિહાસિક યુદ્ધ બનાવીશું. તેમણે દેશમાં જેવા વાતાવરણની આવશ્યકતા હતી તેવું વાતાવરણ ઉભું કર્યું.
સેનાના જવાનોનું સન્માન કરવા કટિબદ્ધ
મીરાં કુમારે ભાષણમાં કહ્યું હતું કે ‘બાબુ જગજીવન રામ કહેતા કે કોઈ બીજા વ્યક્તિને સન્માન આપો કે ન આપો પરંતુ જ્યારે પણ એક સૈનિકને જોવો ત્યારે તેને ચોક્કસથી સન્માન આપો કારણ કે એક અમૂર્ત વસ્તુ માટે જીવન બલિદાન કરવું કોઈ સામાન્ય વાત નથી. ભારતના સંરક્ષણનો અર્થ એ નથી કે માત્ર સેના સરહદ પર જઈને તેની સુરક્ષા કરે. ભારતની રક્ષાનો અર્થ એ પણ છે કે દેશનો દરેક નાગરિક દેશ અને તેના સન્માનની રક્ષા માટે ઊભો રહે, તેઓ દેશની જનતા અને સશસ્ત્ર બળોને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા હતા. બીજી તરફ બાંગ્લાદેશની મુક્તા વાહિનીમાં પણ તેઓ આત્મવિશ્વાસ ભરી રહ્યા હતા.’
તેઓ ભારતીય સૈન્યને પણ એવી જ સૂચના આપતા કે જ્યારે પણ દુશ્મન પ્રદેશમાં જાવ ત્યારે વધુ વસ્તીવાળા વિસ્તારોને ટાળવા જોઈએ જેથી સામાન્ય પ્રજાને કોઈ અસુવિધા ઉભી ન થાય. મીરાંકુમારે કહ્યું હતું કે પાકિસ્તાની સૈન્યના અત્યાચારો અને અમાનવીયતા ઈતિહાસના પન્નાઓમાં નોંધાયેલી છે પરંતુ આ જ સુધી ભારતીય સૈન્ય અંગે આવી કોઈ જ ફરિયાદ મળી નથી. તેમણે આ યુદ્ધને એક સન્માનનીય યુદ્ધ ગણાવ્યું હતું. ખૂબ મહત્વની બાબત છે કે આ યુદ્ધે ન માત્ર ઈતિહાસ પરંતુ બાંગ્લાદેશની રચના કરીને ભૂગોળ પણ બદલી નાખ્યું હતું, આ સિવાય પણ ઘણા કારણોસર આ યુદ્ધ મહત્વનું હતું.
93,000 પાકિસ્તાની સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ
આ એક એવું યુદ્ધ હતું જેમાં ભારતીય નૌકાદળ પ્રથમ વખત ભાગ લેવાનું હતું. આ પહેલાના યુદ્ધોમાં એરફોર્સ અને આર્મી ભાગ લઇ ચુકી હતી. આ જ દરમિયાન ઓપરેશન ટ્રાઈડેન્ટ કરવામાં આવ્યું હતું જે ભારતીય નૌસેનાનું સૌથી પહેલું અને સફળ ઓપરેશન હતું. આ જ ઓપરેશન દરમિયાન ભારતીય નૌસેનાએ પાકિસ્તાનની કરોડરજ્જુ સમાન કરાંચી બંદરને નષ્ટ કરી નાખ્યું હતું જેના પગલે પાકિસ્તાનનું મનોબળ તૂટી ગયું હતું. આ એ જ યુદ્ધ હતું જે યુદ્ધમાં જનરલ નિયાઝીએ ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું. ભારતે પાકિસ્તાનના 93,000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.
એવી ઘણી બધી એવી બાબતો છે જેનાથી દેશ અજાણ છે, એનું એક માત્ર કારણ છે કોંગ્રેસનો પરિવારવાદ. મહત્વની બાબત એ છે કે આજ સુધીની કોઈ પણ ઐતિહાસિક ઘટના હોય કોંગ્રેસે ક્યારેક નેહરુ-ગાંધી પરિવારના વ્યક્તિ સિવાય કોઈને શ્રેય આપ્યો નથી. આ યુદ્ધમાં પણ એવું જ થયું હતું. સમગ્ર દેશને આ યુદ્ધ માટે તૈયાર કરનાર અને વિજયનો આત્મવિશ્વાસ ભરનારા દલિત નેતા બાબુ જગજીવનનું નામ તો જાણે આ યુદ્ધના પન્નામાંથી ગાયબ જ કરી દેવામાં આવ્યું હતું. હંમેશા પોતાને ‘દલિતોના મસીહા’ તરીકે ચિન્હિત કરતી કોંગ્રેસને પણ એક દલિત નેતાના આ યોગદાનને ઉજાગર કરવું કદાચ યોગ્ય નહીં લાગ્યું હોય. જો બાંગ્લાદેશે બાબુ જગજીવન રામને આ યુદ્ધના નાયક તરીકે ઉજાગર ન કર્યા હોત તો આ વાસ્તવિકતા ક્યારેય બહાર ન આવી શકી હોત.
બાંગ્લાદેશે કર્યું તેમના યોગદાનને ઉજાગર
બાંગ્લાદેશે આ બાબતનો ખુલાસો કરીને બાબુ જગજીવન રામને સન્માન ન આપ્યું હોત તો તેમનું યોગદાન ક્યારેય વિશ્વ સમક્ષ આવી શકત નહીં. સ્વતંત્ર થયાના 41 વર્ષ પછી 2012માં બાંગ્લાદેશે આ બાબતનો ખુલાસો કર્યો હતો આ સમયે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના હતા. બાંગ્લાદેશે 1971ના પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધમાં તત્કાલીન સંરક્ષણમંત્રી બાબુ જગજીવનરામને ‘નિમિત્ત’ ગણાવ્યા હતા. બાંગ્લાદેશે બાબુ જગજીવન રામના સન્માનમાં જે પ્રશસ્તિ પત્ર આપ્યો હતો તેમાં આભાર વ્યકત કરેલો હતો.
પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, “તેમણે અંતિમ હુમલા માટે બાંગ્લાદેશ અને ભારતીય દળોના ‘સંયુક્ત કમાન્ડ’ની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે વિજય થયો હતો.” ઉપરાંત એવો પણ ઉલ્લેખ હતો કે, “તેમણે બાંગ્લાદેશી સ્વાતંત્ર્ય સેનાનીઓને તાલીમ, શસ્ત્રો અને પુરવઠો પૂરો પાડીને મહાન પ્રયાસો સાથે યુદ્ધની વ્યૂહરચના મજબૂત અને સંકલિત કરી હતી. પરંતુ રાજનીતિનો ઇતિહાસ તેમને 16 ડિસેમ્બર, 1971ના રોજ સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદ્ભવની જાહેરાત કરતા તેમના ઐતિહાસિક સંસદીય નિવેદન માટે વધુ યાદ રાખશે.”
વિજય બાદ સંસદમાં આપેલું યાદગાર ભાષણ
પ્રશસ્તિ પત્રમાં બાબુ જગજીવન રામે સંસદમાં આપેલ ભાષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે અનુસાર બાબુ જગજીવન રામે કહ્યું હતું કે, “મારે એક જાહેરાત કરવી છે. પશ્ચિમ પાકિસ્તાની સેનાએ બાંગ્લાદેશમાં બિનશરતી આત્મસમર્પણ કર્યું છે… ડક્કા (હાલનું ઢાકા) એક સ્વતંત્ર દેશની સ્વતંત્ર રાજધાની છે.” ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ભારત-બાંગ્લાદેશના સંયુક્ત સૈન્ય દળો સામે પાકિસ્તાને હાર સ્વીકારીને આત્મસમર્પણ કર્યું તેની થોડીક જ મિનિટોમાં બાબુ જગજીવન રામે સંસદમાં ભાષણ આપ્યું હતું.
નોંધનીય છે કે જ્યારે બાંગ્લાદેશે તેમને આ સન્માન આપ્યું ત્યારે તેમના દોહિત્ર અને મીરાં કુમારના પુત્ર અંશુલ અવિજીત હાજર રહ્યા હતા. તેમણે ઓક્ટોબર 20 ઓક્ટોબર 2012ના રોજ બંગબંધુ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોલમાં રાષ્ટ્રપતિ જીલ્લુર રહેમાન અને વડાપ્રધાન શેખ હસીના પાસેથી આ સન્માન મેળવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “નોંધપાત્ર બાબત એ છે કે તેઓ (જગજીવન રામ) ક્યારેય યુદ્ધ ઇચ્છતા નહોતા, પરંતુ તેમ છતાં તેમની ઈચ્છા હતી કે ન્યાય થાય, કારણ કે પાકિસ્તાની સૈનિકોએ બાંગ્લાદેશમાં નરસંહાર કર્યો હતો અને ભારત પર પણ હુમલો કર્યો હતો.” સંરક્ષણ ક્ષેત્રે નિષ્ણાત લોકો પણ બાબુ જગજીવન રામના નેતૃત્વના વખાણ કરી ચુક્યા છે.