(લેફ્ટ, રાઇટ અને સેન્ટર, સૌરભ શાહ)
અમદાવાદની એક જાણીતી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતો મુસ્લિમ વિદ્યાર્થી દસમામાં ભણતા હિન્દુ વિદ્યાર્થીનું પેટમાં છરી હુલાવીને ખૂન કરી નાખે છે ત્યારે એક તથાકથિત પત્રકાર બેઉ વિદ્યાર્થીઓ કયા ધર્મના છે તે હકીકત છુપાવીને ટ્વિટ કરે છે: ‘કલમ પકડવાની ઉંમરમાં ક્રૂર માનસિકતા કેમ? અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 9માં (એક્ચ્યુલી 8માં) ભણતા બાળકે ધોરણ 10માં ભણતા બાળકની છરીના ઘા મારી હત્યા કરી નાખી…’
આ જ તથાકથિત તટસ્થ-નિરપેક્ષ-સેક્યુલર પત્રકારે બે વર્ષ પહેલાંની એક ઘટના વિશે ટ્વિટ કર્યું હતું: ‘આ ઘૃણાસ્પદ મહિલાનું નામ છે ત્રિપતિ ત્યાગી. તે યુપીમાં મુઝફ્ફરનગરમાં એક સ્કૂલ ટીચર છે. તેણે તેના વર્ગના હિન્દુ વિદ્યાર્થીઓને વર્ગના મુસ્લિમ વિદ્યાર્થીને માર મારવા કહ્યું. આ રાક્ષસો નફરતની ફેક્ટરી છે. તેની ધરપકડ થવી જોઈએ.’
તટસ્થતાનો અંચળો પહેરેલા સેક્યુલરોનું આ એક મોટું લક્ષણ છે. મુસ્લિમો વિક્ટિમ હોય ત્યાં છાપરે ચડીને એમના ધર્મની ધજા ફરકાવવી અને હિન્દુ વિક્ટિમ હોય ત્યારે અદબપલાંઠી વાળીને મોઢા પર આંગળી મૂકીને ઘરના ખૂણામાં જઈને બેસી જવું.
બીજું એક મોટું લક્ષણ આ લોકોનું એ હોય છે કે જ્યાં હિન્દુઓ વિક્ટિમ છે એ હકીકત પ્રસ્થાપિત થઈ ગઈ હોય, અનેક વિશ્વસનીય સોર્સ દ્વારા પુરવાર થઈ ચૂકી હોય અને આ માહિતી વિરુદ્ધના પોતાની પાસે કોઈ પુરાવા ન હોય ત્યારે વાતને ગૂંચવી દેવી– એમ કહીને કે આ બાબતે વિવિધ મત પ્રવર્તે છે, કોણ સાચું ને કોણ ખોટું તે વિશે ચોકસાઈપૂર્વક નિર્ણય કરવો મુશ્કેલ છે વગેરે.
મુસ્લિમોનો વાંક હોય તોય ‘વાંક બેઉ પક્ષોનો છે, બંને કોમનાં તોફાની તત્ત્વો આમાં સામેલ છે’ એવું કહીને હિન્દુઓ પણ મુસ્લિમો જેવા જ હિંસક અને કોમવાદી છે એવી છાપ ઊભી કરવામાં સેક્યુલરો દાયકાઓથી ઑલિમ્પિક સુવર્ણ ચંદ્રક મેળવતા આવ્યા છે.
ચાર દાયકા પહેલાં દૂરદર્શન પર રિલીઝ થયેલી ભીષ્મ સાહની લિખિત, ગોવિંદ નિહલાની દિગ્દર્શિત ‘તમસ’ને ખૂબ માથે ચડાવવામાં આવેલી. આ આખી સિરીઝ એન્ટી-હિન્દુ છે. તટસ્થતાનો દેખાડો કરવા બે-ચાર નાનકડા, ક્ષુલ્લક સીન મુસ્લિમોને ખરાબ ચીતરતા ઉમેરવામાં આવ્યા છે, બાકી 98 ટકા સામગ્રી જોતાં તમને એમ જ લાગે કે 1947માં થયેલાં કોમી રમખાણોમાં હિન્દુઓ જ વિલન હતા, મુસ્લિમો વિક્ટિમ હતા.
આવો જ નરેટિવ 1946ની 16મી ઑગસ્ટે કલકત્તામાં થયેલા હિન્દુ નરસંહાર માટે ફેલાવવામાં આવ્યો છે. હિન્દુઓના જાતિ નિકંદન (પોગ્રોમ)નો આ કાળો દિવસ ઇતિહાસમાં ‘ડાયરેક્ટ એક્શન ડે’ તરીકે ઓળખાય છે.
આજની નવી પેઢીના મોટાભાગના યુવાન-યુવતીઓ માટે માહિતીનો મોટો સોર્સ ગૂગલ છે. ગૂગલ સર્ચ કરો એટલે વિકિપીડિયાની અમુક એન્ટ્રીઓ તમારા માથે ઠોકવામાં આવે. ‘ગ્રોક’ કે ‘ચેટજીપીટી’ જેવાં એ. આઈ.નાં માધ્યમો પણ મારા રોયાઓ વિકિપીડિયા જેવાઓની માહિતી જ તમને ફરીથી ગરમ કરીને ઉપર કોથમીર-કોપરું ભભરાવીને પીરસતાં હોય છે. આને કારણે જે ઇકોસિસ્ટમ સર્જાય છે તેમાં સૌને એક જ નરેટિવના પડઘા સંભળાતા રહે છે અને તમે આ જ સત્ય છે એવું સ્વીકારીને તમારો મત બાંધી લો છો. વિશ્વસનીય લેખકો દ્વારા લખાયેલાં ઠોસ પુસ્તકો તરફ તમારું ધ્યાન જતું જ નથી.
વિકિપીડિયા ખોલશો તો ડાયરેક્ટ એક્શન ડે વિશેની એન્ટ્રીમાં પ્રસ્તાવના પછી પહેલું જ વાક્ય તમને વાંચવા મળશે કે: ‘ધેર ઈઝ સ્ટિલ એક્સટેન્સિવ કોન્ટ્રોવર્સી રિગાર્ડિંગ ધ રિસ્પેક્ટિવ રિસ્પોન્સિબિલિટીઝ ઑફ ધ ટુ મેઈન કોમ્યુનિટીઝ, ધ હિન્દુઝ એન્ડ ધ મુસ્લિમ્સ, ઇન એડિશન ટુ ઇન્ડિવિજ્યુઅલ લીડર્સ રોલ્સ ઇન ધ કાર્નેજ.’
મીન્સ કે આ જે નરસંહાર થયો એમાં બેઉ કોમના નેતાઓ ઉપરાંત હિન્દુઓનો વાંક કેટલો અને મુસ્લિમોનો વાંક કેટલો એ વિશે હજુય ભારે મતમતાંતર છે, ઘણો મોટો વિવાદ હજુય ચાલી રહ્યો છે.
1946ની ઘટના વિશે 2025માં પણ કોઈ સ્પષ્ટતા નથી? કોને બેવકૂફ બનાવો છો તમે? ઝીણા અને સુહરાવર્દીના સ્પષ્ટ ઈશારે થયેલી હજારો હિન્દુઓની કતલનાં કુકર્મો પર કુશાંદે જાજમ પાથરીને દરેક નવી પેઢીને ગુમરાહ કરવાનું કાવતરું દાયકાઓથી ચાલી રહ્યું છે.
સુહરાવર્દીએ જે કર્યું તે જ મમતા દ્વારા થઈ રહ્યું છે. આવતા વર્ષના ફર્સ્ટ હાફમાં બંગાળ વિધાનસભાની ચૂંટણી આવે છે. મુસ્લિમ વોટ બેન્કને રાજી રાખવા મમતા, જે ઓલરેડી સુહરાવર્દીનો નવો અવતાર છે, છેક છેલ્લી પાટલીએ બેસીને પોતાની સત્તા સાચવી રાખવાનાં મરણિયા પ્રયત્નો કરવાની પેરવીમાં છે.
બે અઠવાડિયાં પછીના શુક્રવારે રિલીઝ થઈ રહેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘બેન્ગાલ ફાઈલ્સ’ નિમિત્તે બેઉની વાત કરીએ– સુહરાવર્દીના બંગાળની અને મમતા બેનર્જીના બંગાળની.
ગોપાલ દાસ ખોસલા આઝાદી પહેલાં પંજાબ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હતા. 1949માં એમણે એક પુસ્તક લખ્યું: ‘સ્ટર્ન રેકનિંગ’, જે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રગટ કર્યું છે. આ પુસ્તકમાં ડાયરેક્ટ એક્શન ડે વિશેની ભરપૂર માહિતી છે. કલકત્તાના મુસ્લિમો માટે જારી થયેલા એક ગુપ્ત સર્ક્યુલર વિશે ખોસલા સાહેબે જે માહિતી આપી છે તે વાંચીને તમારાં રૂવાડાં ઊભાં થઈ જાય. હિન્દુઓનું જાતિ નિકંદન કરવાના મુદ્દાઓ વર્ણવતા પરિપત્રમાં લખવામાં આવ્યું:
‘પાકિસ્તાન મળી ગયા પછી આખેઆખું ઇન્ડિયા કબજે કરી લેવાનું છે. ઇન્ડિયાના તમામ લોકોનું ઇસ્લામમાં ધર્માંતરણ કરવાનું છે. પાકિસ્તાન અને ઇન્ડિયા છૂટાં ના પડે ત્યાં સુધી નીચે મુજબનાં પગલાં લેવાનાં છે:
- હિન્દુઓની તમામ ફેક્ટરીઓ અને દુકાનો લૂંટી લેવી, નષ્ટ કરી નાખવી અને બાળી નાખવી. લૂંટનો માલ (મુસ્લિમ) લીગના કાર્યાલયમાં જમા કરાવી દેવો.
- હિન્દુઓની કતલ કરતાં રહેવું, એમની વસ્તી સાવ ઘટાડી નાખવી.
- તમામ મંદિરો તોડી પાડવાં.
- જે રાષ્ટ્રવાદી (એટલે કે ભારતતરફી) મુસ્લિમો લીગમાં નહીં જોડાય એ સૌની ગુપ્ત રીતે કતલ કરી નાખવમાં આવશે.
- મુસ્લિમ લીગ ભારતના દરેક જિલ્લા અને ગામ પર જાસૂસી કરે છે.
- ડિસેમ્બર 1946 સુધીમાં મુસ્લિમ લીગના કાર્યકર્તાઓએ કરાંચી, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, ગોવા અને વિશાખાપટ્ટનમ શહેરને સંપૂર્ણપણે બેહાલ કરી નાખવાનાં છે.
- મુસ્લિમોએ એકાદ શસ્ત્ર પોતાની સાથે લઈને જ ફરવું, છેવટે કઈ નહીં તો ખિસ્સામાં ચાકુ રાખવું જેથી હિન્દુઓનો નાશ થઈ શકે, હિન્દુઓને ઇન્ડિયાની બહાર ધકેલી શકીએ.
- 19 ઑક્ટોબર, 1946 પહેલાં હિન્દુ ઔરતો અને છોકરીઓનું અપહરણ કરી, એમના પર બળાત્કાર કરી એમને મુસ્લિમ બનાવી દેવાની.
- હિન્દુઓની સંસ્કૃતિને જડમૂળથી ઉખાડી દેવાની છે.
- કોઈ પણ મુસ્લિમ હિન્દુઓ પાસેથી કંઈ પણ ખરીદવાનું નથી. હિન્દુઓ સાથે ક્રૂરતાથી વર્તવાનું છે. એમનો સામાજિક, આર્થિક અને બાકીની રીતે બહિષ્કાર કરવાનો છે. હિન્દુઓએ બનાવેલી ફિલ્મો જોવાનું પણ બંધ કરી દેવાનું છે. આ હુકમનું 15 સપ્ટેમ્બર, 1946 સુધીમાં પાલન થવું જોઈએ.
ડાયરેક્ટ એક્શન ડે અને એ પછીના દસ દિવસ દરમિયાન સત્તાવાર આંકડા મુજબ કુલ 3,173 મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં મોટાભાગના હિન્દુઓ હતા. જોકે, મુસ્લિમોએ કેટલીય હિન્દુ લાશોને હુબલીમાં પધરાવી દીધી હતી. ઉદ્યોગપતિ જી. ડી બિરલાએ મેજર હેન્ડરસનને લખેલા પત્રમાં લખ્યું હતું: ‘નહીં નહીં તોય 6000 લોકોની કતલ થઈ છે. કેટલાક લોકો 15,000નો આંકડો મૂકે છે.’
ટ્રાન્સફર ઑફ પાવરને લગતા સરકારી દસ્તાવેજોના આર્કાઇવમાંના દસ્તાવેજોમાં 4,400 મૃત, 16,000 ઈજા પામેલા અને એક લાખ બેઘર લોકોની વાત છે. કલકત્તાના અગ્રણી અખબાર ‘અમૃત બજાર પત્રિકા’ના 11-10-1946ના અંકમાં સેન્ટ્રલ પ્રોવિન્સના નિવૃત્ત ગવર્નર સર હેન્રી ટ્વાઈનેમને ટાંકીને લખવામાં આવ્યું છે કે ‘કલકત્તાનાં રમખાણો દરમ્યાન 40,000 (ચાળીસ હજાર) લોકો માર્યા ગયા છે, સત્તાવાર આંકડો ભલે 4,000નો હોય.’
ડૉ. દિનેશ ચંદ્ર સિન્હા, અશોક દાસગુપ્તા અને આશિષ ચૌધરી લિખિત પુસ્તક ‘1946: ધ ગ્રેટ કલકત્તા કિલિંગ્સ’માં કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકના 5 ઑગસ્ટ, 1946ના અંકમાં છપાયેલું સુહરાવર્દીનું આ વાક્ય ટાંક્યું છે: ‘ઉમદા અને મહાન કાર્ય માટે જો કતલ કરવી પડે, તોફાન કરવાં પડે તો એમાં કંઈ ખોટું નથી. આજના મુસ્લિમો માટે પાકિસ્તાન (મેળવવા જેટલું) પ્યારું અને ઉમદા કાર્ય બીજું કોઈ નથી.’
હુસૈન શહીદ સુહરાવર્દી (જેને ઇતિહાસકારો ‘બુચર ઑફ બેન્ગાલ’ અર્થાત્ ‘બંગાળનો કસાઈ’ તરીકે ઓળખે છે) તે વખતે બંગાળ પ્રાંતનો મુખ્ય પ્રધાન હતો. એ વખતે આ હોદ્દો ‘વડા પ્રધાન’ તરીકે ઓળખાતો.
પાકિસ્તાનના જન્મદાતા મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગ કાઉન્સિલમાં ડાયરેક્ટ એક્શનનો ઠરાવ પસાર કરાવ્યા પછી ઘોષણા કરી હતી કે:
‘અત્યાર સુધી આપણે બંધારણ બંધારણ કરતા રહ્યા પણ બહુ થયું હવે. બંધારણીય રીતરસમોને અલવિદા કહીએ છીએ… મારે કોઈ નીતિમત્તાની વાતોની ફાંકાફોજદારી નથી કરવી…ડાયરેક્ટ એક્શનને અહિંસાનું બંધન નહીં નડે. અહિંસાની પિસ્તોલને ભઠ્ઠીમાં નાખીને ઓગાળી નાખી છે. એક શબ્દ સમજીવિચારીને કહું છું. ગોળગોળ વાતો કરવાનો જમાનો હવે ગયો.’
ઝીણાની ઘોષણા પછી સુહરાવર્દીએ બાકીની જવાબદારી ઉપાડી લીધી. મધ્ય કલકત્તામાં એક વિસ્તાર છે– મુચિપારા. ત્યાં મુસ્લિમ મોચીઓની વિશાળ વસ્તી હતી. વિસ્તારની ઉત્તરે એક હિન્દુ વસાહત હતી. મુચિપારાના ઑફિસર ઇન્ચાર્જના કહેવા મુજબ શ્યાલદાથી લૂંટફાટ કરતું આવેલું હજારોનું ટોળું બાઉબજાર થઈને આગળ વધી રહ્યું હતું. બીજું એક વિશાળ આક્રમક ટોળું અપર સર્ક્યુલર રોડથી નીકળ્યું જે હિન્દુવિરોધી સૂત્રો પોકારતું હતું અને લૂંટફાટ કરીને મેદાન તરફ દોડતું હતું. આ મેદાન એટલે જ્યાં વિક્ટોરિયા મેમોરિયલ અને ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ છે તે સવા હજાર એકરની ખુલ્લી જગ્યા. જે સૂત્રો પોકારવામાં આવતાં હતાં તે ત્રણ પ્રકારનાં હતાં.
- લડકે લેંગે પાકિસ્તાન
- મરકે લેંગે પાકિસ્તાન
- શોલા હિન્દુ લોક કો માર ડાલો
તમને યાદ હોય તો 1990માં કાશ્મીરમાંથી હિન્દુઓની કતલ કરીને એમને ભગાડવામાં આવ્યા ત્યારે કાશ્મીરી મુસ્લિમોનાં કયાં ત્રણ સૂત્રો હતાં?
- રલિવ
- ગલિવ
- ચલિવ
ઇસ્લામ અપનાવી લો, અથવા અહીંથી ભાગો, નહીં તો પછી મરવા માટે તૈયાર રહો.
ભારતના હિન્દુઓની આજની યુવા પેઢીને પોતાના પૂર્વજોએ ભોગવેલી યાતનાઓની જાણકારી નથી કારણ કે ઇતિહાસની હકીકતો એમનાથી છુપાવવામાં આવી છે. માત્ર ભારતમાં જ આવું છે, દુનિયામાં નહીં. યહૂદી કુટુંબમાં જન્મેલા દરેક બાળકને હિટલરના અત્યાચારો વિશે, દરેક બ્લૅક અમેરિકન કુટુંબના બાળકોને ગોરાઓએ કરેલા સામાજિક-આર્થિક અત્યાચારો વિશે કે જાપાનના દરેક બાળકને હિરોશિમા-નાગાસાકી વિશે વિગતવાર જાણકારી હોવાની.
આઝાદી પછીની પ્રથમ વસ્તી ગણતરી (1951)માં પશ્ચિમ બંગાળની વસ્તીમાં 20% મુસ્લિમો હતા અને 79.42% હિન્દુઓ હતા. એ પછી મુસ્લિમોની વસ્તી વધતી ગઈ, હિન્દુઓ ઘટી ગયા. 1991ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમ વસ્તી વધીને 23.61% થઈ અને હિન્દુઓ ઘટીને 75.82% થઈ ગયા. આ આંકડા ચેન્નાઈની સેન્ટર ફૉર પોલિસી સ્ટડીઝ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘રિલિજિયસ ડેમોગ્રાફી ઑફ ઇન્ડિયા’માં તમને મળશે.
1991થી 2025 દરમ્યાનના લગભગ સાડા ત્રણ દાયકામાં બંગાળમાં, વિશેષ કરીને બંગાળના સરહદી વિસ્તારોમાં મુસ્લિમો બહુમતીમાં છે, હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે. મમતા બેનર્જી દ્વારા સુહરાવર્દીનું સપનું સાકાર થઈ રહ્યું છે.
શુભમ તિવારી અને શિવમ રઘુવંશીનું એક પુસ્તક છે: ‘પોલિટિકલ કિલિંગ્સ ઇન મમતાઝ બેન્ગાલ.’ બંગાળના વિપક્ષ (એટલે કે ભાજપ) વિરુદ્ધના હિંસક બનાવોના વ્હાઇટ પેપર સમા આ પુસ્તકમાં ગળું ખોંખારીને મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસનાં પાપ ગણાવવામાં આવ્યાં છે. આ પુસ્તકમાં 2011માં બંગાળમાં મમતરાજ શરૂ થયું એ પછીના દાયકા દરમ્યાન થયેલી 126 રાજકીય હત્યાઓનો તસ્વીર-નામઠામ-દસ્તાવેજો સાથેનો રિપોર્ટ છે. આ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા જેઓ મમતાની ટીએમસીના કે મમતાની પોલીસના દમનના ભોગ બનીને વીરગતિ પામ્યા છે.
કલાચંદ કર્માકર કૂચબિહાર જિલ્લાના શિકારપુરમાં ભાજપનો બૂથ સેક્રેટરી હતો. તુફાનગંજ વિસ્તારમાં મા કાલીની મૂર્તિના વિસર્જન પ્રસંગે 55 વર્ષીય કલાચંદ અને એની પત્ની સાથે ટીએમસીના માણસોએ ગુંડાગિરી કરી. પત્ની ઘાયલ થઈ. કલાચંદની હત્યા થઈ. ગરુડ પબ્લિકેશન્સે પ્રકાશિત કરેલા પુસ્તકના 67મા પાને એની તસવીર છે.
પુરુલિયા જિલ્લાના 22 વર્ષના ભાજપ કાર્યકર્તા શિશુપાલ સાહિશની લાશ અવાવરુ જંગલ વિસ્તારના એક ઝાડ પરથી મળી આવી. એના પિતા ગ્રામ પંચાયતમાં ભાજપના સભ્ય હતા. રાજકીય હુંસાતુંસીના પરિણામે ટીએમસીના ગુંડાઓએ એની હત્યા કરી હતી. (પાનું 83)
ચોવીસ પરગણા જિલ્લાનો 45 વર્ષનો શક્તિપાદ સરદાર ભાજપની મંડલ કમિટીનો સેક્રેટરી હતો. એક દિવસ એ ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ટીએમસીના કેટલાક માણસોએ એના પર ધારદાર શસ્ત્રો વડે હુમલો કરીને રસ્તા પર લોહીલુહાણ અવસ્થામાં છોડી દીધો. સ્થાનિક લોકો એને હૉસ્પિટલમાં લઈ ગયા પણ રસ્તામાં જ એણે દમ તોડી દીધો. (પાનું 86)
બિહારમાં મતદાતાઓની સૂચિને અપડેટ કરવાની (એસ. આઈ. આર: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને ‘વોટચોરી’નું જૂઠું લેબલ ચિપકાવીને રાહુલ ગાંધી વિરોધયાત્રા કરે છે. બિહાર પછી બંગાળમાં એસ.આઈ.આરની પ્રક્રિયા શરૂ થશે. મમતા બેનર્જીએ ચૂંટણી પંચ સામે શિંગડાં ભરાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.
‘ઇકોનોમિક ટાઇમ્સ’ના એક અહેવાલ મુજબ છેલ્લા ત્રણ મહિનામાં બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા સરહદી જિલ્લાઓમાં નવા મતદારોની નોંધણીમાં નવ ગણો વધારો થયો છે. બંગાળના ચૂંટણી પંચે કન્ફર્મ કર્યું છે કે માલદા, મુર્શિદાબાદ, નાદિયા, ઉત્તર દિનાજપુર, કૂચબિહાર, ઉત્તર ચોવીસ પરગણા અને દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાઓમાં ફોર્મ-6 ભરીને નવા મતદાતાઓની નોંધણીમાં નવ ગણો વધારો થયો છે. આ તમામ જિલ્લાઓ ભારત-બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા છે. ઉત્તર અને દક્ષિણ દિનાજપુર બંગાળમાં છે અને આ જ નામે બાંગ્લાદેશમાં જિલ્લો છે જેના મુખ્યમથકનું નામ એ જ છે– દિનાજપુર.
આ મહિનાના આરંભમાં ભારતના ચૂંટણી પંચે બંગાળના 4 ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. રાજ્યના આ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બનાવટી મતદારોની અરજીઓ મંજૂર કરી હતી. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચના એક ડેટા એન્ટ્રી ઑપરેટર વિરુદ્ધ પણ ભારતના ચૂંટણી પંચે એફ.આઈ.આર નોંધવાની તજવીજ શરૂ કરી છે.
બંગાળમાં લાખો બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ આવી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહે જાહેરમાં કહ્યું છે કે ભારત-બાંગ્લાદેશની સરહદ પર વાડ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી જમીન અપાતી નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત સરકાર માત્ર 2,688 બાંગ્લાદેશી નાગરિકોને પકડીને એમને પાછા મોકલી શકી છે. વિશાખાપટ્ટનમની આઈ.આઈ.એમના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મિલન કુમાર અને એસ.બી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિધુ શેખરે (જેઓ આઇઆઇટી ખડગપુર અને આઇ.આઇ.એમ કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે) બે અઠવાડિયાં પહેલાં એક રિસર્ચ પેપર પ્રગટ કર્યું છે. એમાં જણાવ્યું છે કે બંગાળમાં 2024માં જે મતદાર યાદી તૈયાર થઈ છે તેમાં લગભગ એક કરોડ મતદાતાઓ ફર્જી હોવાની સંભાવના છે. બંગાળમાં કુલ મતદાતાઓમાંના 13થી 14 ટકા મતદાતાઓ બનાવટી હોય એવા સંજોગોમાં મમતા બેનર્જી એસ.આઈ.આરનો વિરોધ કરે તો એ સ્વાભાવિક છે.
ભારતના ચૂંટણી પંચથી મમતા બેનર્જી ડરે એમ નથી. ભારતની સુપ્રીમ કોર્ટની પણ એમને ધાક નથી. ભાજપની સરકારને કે વડા પ્રધાન મોદીની શક્તિને ઘોળીને તેઓ પી ગયાં છે. સુહરાવર્દીના વારસા પર તેઓ મુસ્તાક છે. એક કરોડ બાંગ્લાદેશી મુસલમાનોને ભારતના નાગરિક બનાવી દીધાની પોલ ખુલ્લી પડી ગયા પછી પણ મમતા સરહદી જિલ્લાઓમાં નવા-નવા મુસ્લિમ ઘૂસપેઠિયાઓની વોટબેન્ક તગડી કરી રહ્યાં છે. બંગાળમાં એસ.આઈ.આરનો વિરોધ માત્ર શાબ્દિક નહીં હોય. ઝીણાની જેમ મમતા પણ બંધારણની ઐસીતૈસી કરીને અહિંસાની પિસ્તોલને ઓગાળી ચૂક્યાં છે.
આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે યોજાનારી ચૂંટણી જીતીને ત્રીજીવાર મુખ્યમંત્રી બનવા માટે થનગની રહેલાં મમતાબાનોના ગેરબંધારણીય ધમપછાડાને કારણે સમગ્ર દેશમાં મોટો ધરતીકંપ આવવાની તૈયારી છે.
છેલ્લો બૉલ
“કલકત્તાની રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હાજરી આપવા હું આતુર છું. ટીએમસી માટેનો પ્રજાનો રોષ દિનબરદિન વધતો જાય છે. આપણાં વિકાસકાર્યોને લીધે પશ્ચિમ બંગાળની પ્રજા બી.જે.પી તરફ આશાભરી મીટ માંડીને બેઠી છે.”
–વડા પ્રધાન નરેન્દ્ર મોદી,
(22 ઑગસ્ટ 2025ના રોજ બિહાર અને બંગાળના પ્રવાસે જવાના આગલા દિવસે કરેલું ટ્વિટ.)


