Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશઑપઇન્ડિયા એક્સક્લુઝિવ: વામપંથી આતંક ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, RTIના આંકડા...

    ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ: વામપંથી આતંક ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, RTIના આંકડા આપી રહ્યા છે સાબિતી: 2025માં સૌથી વધુ નક્સલી ઠાર

    એક સમયે દેશના અડધા ભાગ પર કબજો જમાવનાર લાલ આતંક હવે માત્ર ત્રણ જિલ્લાઓમાં સીમિત, માર્ચ 2026 સુધીમાં જડમૂળમાંથી નાબૂદ કરવાનું લક્ષ્યાંક.

    - Advertisement -

    PM મોદીની આગેવાની હેઠળના છેલ્લાં 11 વર્ષના શાસનમાં નક્સલવાદ તેના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. ‘રેડ કોરિડોર’માં વામપંથી ઉગ્રવાદમાં (LWE) તીવ્ર ઘટાડો નોંધાયો છે. ગૃહ મંત્રાલયે નક્સલવાદ પર ઑપઇન્ડિયાની RTIના જવાબમાં જાણકારી આપી છે કે મે 2014થી 30 સપ્ટેમ્બર 2025 સુધી છત્તીસગઢમાં સૌથી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ (6,153) કર્યું અને સૌથી વધુ નક્સલીઓનો (1,129) ખાત્મો પણ કરવામાં આવ્યો.

    વર્ષ 2016માં સૌથી વધુ આત્મસમર્પણ (1,440) નોંધાયાં, જ્યારે 30 સપ્ટેમ્બર સુધી 2025માં સૌથી વધુ વામપંથી ઉગ્રવાદીઓને (311) મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ માહિતી નક્સલીઓ વિરુદ્ધ કરવામાં આવેલા સફળ મિશનને દર્શાવે છે.

    ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે ‘ઑપરેશન કગાર’ હેઠળ નક્સલવાદને નાબૂદ કરવા માર્ચ 2026નું લક્ષ્ય નક્કી કર્યું છે અને સરકાર સતત આ ડેડલાઈનનો ઉલ્લેખ પણ કરી રહી છે.

    - Advertisement -

    નક્સલવાદ ખતમ થવાની દિશામાં

    ઑપઇન્ડિયાને 10 રાજ્યો – પશ્ચિમ બંગાળ, કેરળ, છત્તીસગઢ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઓડિશા, તેલંગાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના આંકડા આપવામાં આવ્યા છે. આંકડા મુજબ, મે 2014થી અત્યાર સુધી કુલ 8,751 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે અને 1,801 નક્સલી માર્યા ગયા છે. આ લડતમાં કુલ 548 સુરક્ષાકર્મીઓ બલિદાન થયા. આ સમયગાળા દરમિયાન 1630 નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. વધુમાં સુરક્ષા દળોએ મે 2014થી 30 સપ્ટેમ્બર 2025 વચ્ચે વામપંથી ઉગ્રવાદીઓ પાસેથી 5,277 હથિયારો કબજે કર્યાં છે.

    આ આંકડા કેન્દ્ર સરકારની રાજ્યો વચ્ચે સમન્વય, વિકાસ અને પુનર્વસનની નીતિની સફળતા દર્શાવે છે. બિહારમાં ચૂંટણી રેલી દરમિયાન તાજેતરમાં ગૃહમંત્રી શાહે પણ કહ્યું હતું કે દેશભરમાં નક્સલવાદ હવે માત્ર 3 જિલ્લાઓમાં સીમિત રહી ગયો છે.

    રાજ્યોમાં છત્તીસગઢ સૌથી ટોચ પર

    છત્તીસગઢ પરંપરાગત રીતે નક્સલ ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. વામપંથી ઉગ્રવાદીઓના આત્મસમર્પણ સાથે છત્તીસગઢમાં સૌથી વધુ નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે હવે પહેલાં કરતાં અનેકગણો સારો તાલમેલ છે અને દૂરના વિસ્તારોમાં કઈ રીતે વિકાસ પહોંચી રહ્યો છે તે પણ દેખાય આવે છે.

    ખાસ વાત એ છે કે મે 2014થી ડિસેમ્બર 2018 સુધી રમણ સિંઘની આગેવાનીમાં અહીં ભાજપ સરકાર હતી. તે વખતે રાજ્યમાં લગભગ 2,697 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું અને 408 વામપંથી ઉગ્રવાદી માર્યા ગયા હતા. આ તબક્કામાં કેન્દ્ર-રાજ્ય વચ્ચે મજબૂત તાલમેલ જોવા મળ્યો હતો. અહીં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અભિયાન અને રાજ્ય પોલીસની કાર્યવાહીઓ એકસાથે કામ કરી રહી હતી.

    તેની વિરુદ્ધ કોંગ્રેસ શાસન (ભૂપેશ બઘેલ અને અજીત જોગી) દરમિયાન 7 ડિસેમ્બર 2018થી 13 ડિસેમ્બર 2023 સુધી આ આંકડો ઘટીને લગભગ 2,019 આત્મસમર્પણ અને 228 વામપંથી ઉગ્રવાદીઓના ખાત્માનો રહ્યો. જોકે નાગરિક અને સુરક્ષા દળોના નુકસાનની સંખ્યામાં સામાન્ય સુધારો થયો હતો.

    ડિસેમ્બર 2023માં વિષ્ણુ દેવ સાઈની ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી સપ્ટેમ્બર 2025 સુધી 1,887થી વધુ આત્મસમર્પણ થયાં અને 493 નક્સલી માર્યા ગયા છે. આની ઉપરથી ખબર પડે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભાજપ શાસિત સરકારો વચ્ચે વધુ સારો તાલમેલ રહ્યો અને પરિણામો પણ સામે આવ્યાં છે.

    ઝારખંડ અને ઓડિશામાં તેમની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. તેલંગાણા અને આંધ્ર પ્રદેશ તુલનાત્મક રીતે શાંત થયા છે. પશ્ચિમ બંગાળ અને કેરળમાં તાજેતરનાં વર્ષોમાં ઘટનાઓની સંખ્યા નગણ્ય નોંધાઈ છે, જે રેડ કોરિડોરનો પ્રભાવ નહીંવત થયો હોવાનું દર્શાવે છે.

    2016માં આત્મસમર્પણનો દર સૌથી વધુ

    2016માં નક્સલીઓએ સૌથી વધુ આત્મસમર્પણ કર્યું છે. જેની ઉપરથી જાણવા મળે છે કે પુનર્વસન કાર્યક્રમ સફળ રહ્યો છે. 2025માં (30 સપ્ટેમ્બર સુધી) નક્સલીઓની પ્રવૃત્તિ સૌથી ઓછી દેખાઈ છે. આ વધુ સારી કાર્યવાહી, ગુપ્ત માહિતી, સારા તાલમેલ અને તકનીકી મદદથી નક્સલવાદને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના દૃઢ સંકલ્પનો સંકેત છે. સમય સાથે આત્મસમર્પણની વધતી સંખ્યા એ બતાવે છે કે નક્સલવાદની કરોડરજ્જુ હવે તૂટી ગઈ છે.

    સુરક્ષા દળોનું બલિદાન

    સુરક્ષા દળોએ નક્સલવાદની મોટી કિંમત ચૂકવી છે. મે 2014થી અત્યાર સુધી 548 જવાનોએ બલિદાન આપ્યું છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. આ દરમિયાન 1,630 નાગરિકોના જીવ ગયા છે. જોકે નક્સલવાદીઓના નિયંત્રણવાળા વિસ્તારોમાં ઘટાડો થવાથી નાગરિકોને નિશાન બનાવીને અંજામ આપવામાં આવતો હોય તેવી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે.

    આત્મસમર્પણ અને પુનર્વસનનો લાભ

    છેલ્લાં અગિયાર વર્ષમાં 8,751 આત્મસમર્પણ થયાં છે. જે ગંભીર અપરાધોમાં સામેલ નથી એવા નક્સલીઓ માટે સલાહ-સૂચનો, આર્થિક પ્રોત્સાહન અને કાનૂની રાહત આપીને સમસ્યાના નિવારણ તરફ પગલાં ભરવામાં આવ્યાં છે.

    ગૃહમંત્રી અમિત શાહે અનેક વખત નક્સલીઓની વાટાઘાટોના પ્રસ્તાવો નકારીને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમની પાસે માત્ર એક જ વિકલ્પ છે– આત્મસમર્પણનો. આ દરમિયાન સુરક્ષા દળો સાથે અથડામણની સંખ્યા પણ વધી, જેનાથી નક્સલીઓ માટે પોતાના સશસ્ત્ર આંદોલનને ચાલુ રાખવાની કોઈ ગુંજાઈશ ન રહી.

    હથિયારોની કબજે કરવાથી નક્સલવાદ પડ્યો નબળો

    સતત હથિયારોની કબજે કરવા અને સુરક્ષા બળો તથા નક્સલીઓની ઘર્ષણની વધતી સંખ્યાએ નક્સલીઓને નબળા પાડ્યા છે. જેના પગલે જંગલોમાં છુપાઈને હુમલો કરવાની તેમની યોજનાઓ પર પણ અસર પડી છે.

    માર્ચ 2026માં નક્સલવાદ થઈ જશે ખતમ

    નક્સલવાદની હાજરી હવે અમુક જંગલવાળા વિસ્તારો સુધી મર્યાદિત થઈ ગઈ છે. માર્ચ 2026 સુધી નક્સલવાદને નાબૂદ કરવાની સરકારે જાહેરાત કરી છે. દૂરસંચારનું ફેલાતું નેટવર્ક, કલ્યાણકારી યોજનાઓની અસર અને સતત આત્મસમર્પણ કરતા નક્સલીઓને જોતા આશા રાખી શકાય કે માર્ચ 2026નું લક્ષ્ય પૂરું થશે અને નક્સલવાદ ભારતમાં એક ભૂતકાળ બની જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં