Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશછત્તીસગઢના જે વિસ્તારો પર હાવી હતો નક્સલવાદ, ત્યાં દાયકાઓ બાદ ઉજવાઈ દિવાળી:...

    છત્તીસગઢના જે વિસ્તારો પર હાવી હતો નક્સલવાદ, ત્યાં દાયકાઓ બાદ ઉજવાઈ દિવાળી: મોદી સરકાર-સશસ્ત્રબળોની રણનીતિથી કઈ રીતે નષ્ટ થઈ રહ્યો છે લાલ આતંક

    અંતિમ શ્વાસ ગણતો નક્સલવાદ એ સંદેશ આપી રહ્યો છે કે જો નિયત અને મજબૂત ઇચ્છાશક્તિ હોય તો સરકાર ધારે એ કરી શકે અને ધારે એટલા સમયમાં કરી શકે. માત્ર નક્સલવાદ સુધી આ સિદ્ધાંત સીમિત નથી રહેતો, 2047 સુધીમાં ભારતને વિકસિત કરવાના વિઝનમાં પણ આ જ કાર્યપદ્ધતિ કામ કરી રહી છે.

    - Advertisement -

    છત્તીસગઢ સહિતના અનેક વિસ્તારો છેલ્લા ઘણા દાયકાઓથી નક્સલવાદના પ્રભાવ હેઠળ જીવી રહ્યા હતા. તહેવારોથી લઈને જીવનશૈલી અને લોકોત્સવની ઉજવણીમાં પણ નક્સલવાદનો પ્રભાવ ઘર કરી ગયો હતો. દિવાળી જેવા સામૂહિક તહેવારોની ઉજવણીની કલ્પના સુદ્ધાં થઈ શકતી નહોતી, પણ સમયના ચક્ર સાથે તે બદલાયું. છત્તીસગઢના બસ્તર અને અન્ય નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આ વખતે પ્રથમ વાર દિવાળીની ઉજવણી થઈ રહી છે. 

    દાયકાઓથી લાલ આતંકવાદના અંધકાર અને ભયના ઓથા હેઠળ જીવતાં આ ગામડાંઓમાં આ વખતે મુક્તપણે દીવાઓ પ્રજ્વલિત થઈ રહ્યા છે, ફટાકડા ફૂટી રહ્યા છે અને લોકો એકબીજાને મીઠાઈઓ વહેંચી રહ્યા છે. અબુઝમાડ, ઉત્તર બસ્તર જેવા વિસ્તારોમાં નક્સલવાદ અંત તરફ છે અને લોકો 2 દાયકા બાદ પોતાના મૂળ તહેવારો તરફ પાછા ફરી રહ્યા છે. 

    છત્તીસગઢના ગઢચિરૌલી અને બસ્તરની સરહદ સાથે જોડાયેલા મોહલા, માનસુર અને અંબાગઢ જિલ્લાના ઘણા અંતરિયાળ ગામોમાં ITBPના જવાનો સાથે લોકોએ દિવાળીની પહેલી ઉજવણી કરી છે. ઉત્તર બસ્તર અને અબુઝમાડમાં તો નક્સલવાદીઓએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવેલો હતો, પણ આ વખતે લોકોએ જાહેરમાં ફટાકડા ફોડીને ભયથી નિર્ભયતા તરફ ડગલાં માંડી દીધાં છે. 

    - Advertisement -

    અધિકારીઓએ જણાવ્યું છે કે, સ્થાનિક આદિવાસીઓના ચહેરાઓ પર દિવાળી પહેલાં એક ઉમંગ અને ઉત્સાહની ભાવના દેખાઈ રહી હતી, લગભગ બે દાયકા બાદ તેઓ કોઈ તહેવારની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. સ્થાનિક વેપારીઓ ફટાકડાની હાટડીઓ લગાવીને બેઠા હતા અને લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા હતા. અધિકારીએ એવું પણ કહ્યું કે આ દિવાળી ખરેખર અબુઝમાડમાં અંધકારને દૂર કરનારી બની છે. 

    દૂરસુદૂરના વિસ્તારોમાં આવેલું આ પરિવર્તન માત્ર એક રાતમાં નથી આવ્યું. વર્ષોથી આ દિશામાં દ્રઢ મનોબળ અને ઇચ્છાશક્તિથી કામ કરવામાં આવી રહ્યું હતું. સરકાર જમીન સાથે જોડાઈને નક્સલવાદ વિરુદ્ધ આક્રમક બની રહી હતી. વીણી-વીણીને નક્સલીઓને હણવામાં આવી રહ્યા હતા અને ઘણા નક્સલીઓ ભયના માર્યા આત્મસમર્પણ પણ કરી રહ્યા હતા. આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે તે વિસ્તારોના નિર્દોષ લોકો પહેલી વખત કોઈ પર્વ મનાવી રહ્યા છે. 

    છત્તીસગઢના ઉત્તર બસ્તરના અબુઝમાડ વિસ્તારમાં 17 ઑક્ટોબરે 210 નક્સલવાદીઓએ એકસાથે હથિયાર હેઠા નાખ્યાં હતાં, જેના કારણે આ વિસ્તારને સત્તાવાર રીતે નક્સલમુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. 

    માત્ર ત્રણ જિલ્લાઓ સુધી સીમિત થયો ‘લાલ આતંકવાદ’ 

    નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવેલા આ પરિવર્તનનું મુખ્ય કારણ છે નક્સલવાદનો ઝડપી અંત. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, 2014માં 182 જિલ્લાઓમાં ફેલાયેલા લાલ આતંકને હવે માત્ર 11 જિલ્લાઓ સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે, જેમાંથી માત્ર ત્રણ જિલ્લા (બીજાપુર, સુકમા અને નારાયણપુર) જ સૌથી વધુ પ્રભાવિત છે. 15 ઑક્ટોબરે PIB દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકારના નેશનલ એક્શન પ્લાન અને પોલિસીના કઠોર અમલથી આ સિદ્ધિ મળી શકી છે. 

    2014માં 182 જિલ્લાઓ સંપૂર્ણપણે લાલ આતંકવાદના અંધકાર હેઠળ જીવી રહ્યા હતા. માત્ર એક દાયકાના શાસનમાં સરકારનાં મજબૂત મનોબળ અને દ્રઢ ઇચ્છાશક્તિએ તેને 3 પર લાવીને અટકાવી દીધા છે અને 2026 સુધીમાં તે વિસ્તારો પણ નક્સલમુક્ત થઈ જશે. છત્તીસગઢમાં તો આ પ્રગતિ વધુ નોંધપાત્ર છે. અબુઝમાડ અને ઉત્તર બસ્તર જેવા વિસ્તારો પહેલાં નક્સલવાદીઓના ગઢ ગણાતા હતા, તે હવે નક્સલમુક્ત જાહેર થઈ ગયા છે.

    ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જણાવ્યું હતું કે અબુઝમાડ અને ઉત્તર બસ્તર પહેલાં લાલ આતંકવાદના મુખ્ય કેન્દ્રો હતાં, તે હવે નક્સલમુક્ત થઈ ચૂક્યાં છે. બસ્તરમાં બાકીના તમામ વિસ્તારોને પણ ટૂંક સમયમાં નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત કરી દેવામાં આવશે. 15 ઑક્ટોબરે 27, 16 ઑક્ટોબરે 170 નક્સલીઓએ છત્તીસગઢમાં અને 61એ મહારાષ્ટ્રમાં હથિયારો ફેંક્યાં છે, જે ફક્ત બે દિવસની સૌથી મોટી સંખ્યા છે. 

    માર્ચ 2026 સુધીની સરકારની ડેડલાઈન

    આ સફળતા પાછળ મોદી સરકારની નીતિઓ અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહના અભૂતપૂર્વ પ્રયાસો જવાબદાર છે. શાહે તાજેતરમાં રાજ્યસભામાં જાહેરમાં કહ્યું હતું કે નક્સલવાદને 31 માર્ચ, 2026 સુધીમાં સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે. તેમણે ચાર વ્યૂહરચના પણ રજૂ કરી હતી. 1- કઠોર કાર્યવાહી, 2- હથિયાર ત્યાગવા પ્રોત્સાહન અને 3- વિકાસ તથા પુનર્વસન. કઠોર કાર્યવાહી હેઠળ સુરક્ષાદળો વીણી-વીણીને લાલ આતંકીઓને મારી રહ્યા છે. ઘણા નક્સલીઓ સામે ચાલીને સરકાર સામે આત્મસમર્પણ કરી રહ્યા છે અને આવા નક્સલીઓને ફરીથી સમાજમાં સ્થાપિત કરવા માટે સરકાર મહેનત પણ કરી રહી છે. 

    ઑક્ટોબર 2025માં શાહે કહ્યું હતું કે નક્સલવાદના અંતની તારીખ 31 માર્ચ, 2026 છે. ત્યાં સુધીમાં જે નક્સલીઓ સરેન્ડર કરે તેમને આવકારવામાં આવશે અને જે નહીં કરે તેના માટે સુરક્ષાદળો છે જ. જોકે, ત્યારબાદ નક્સલીઓએ યુદ્ધવિરામ માટે સરકારને વિનંતી કરી હતી, પણ અમિત શાહે તે પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ દિશામાં કોઈ યુદ્ધવિરામ નહીં થાય. એકમાત્ર માર્ગ આત્મસમર્પણ દ્વારા હથિયારો ફેંકવાનો છે. 

    અમિત શાહે આશ્વાસન પણ આપ્યું હતું કે હથિયારો હેઠાં મૂક્યા બાદ એક પણ નક્સલવાદી પર ગોળી નહીં ચાલે. તેમણે કહ્યું હતું કે યુદ્ધવિરામની વાત જ વચ્ચે નથી આવતી. સ્પષ્ટ અને નક્કર પરિણામો માટે નક્સલીઓએ હથિયારો હેઠા ફેંકવાં જ પડશે અને સરકાર સામે આત્મસમર્પણ કરવું જ પડશે. અમિત શાહના આ કડક વલણ બાદ અનેક નક્સલવાદીઓએ સામે ચાલીને સરકાર સામે હથિયારો હેઠા મૂક્યાં હતાં અને આત્મસમર્પણ કર્યું હતું. 

    નક્સલવાદ પ્રત્યેનું અમિત શાહનું વલણ માત્ર ચાર શબ્દોનું છે – હથિયારો મૂકો અથવા મરો. સપ્ટેમ્બર, 2025માં તેમણે એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે જે લોકો એવો પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા છે કે વિકાસના અભાવના કારણે વામપંથી ઉગ્રવાદ ફેલાયો છે, તે દેશને ગુમહાર કરી રહ્યા છે. જેના હાથોમાં હથિયાર છે, તેમને આદિવાસીઓની નહીં, પણ દુનિયાએ નકારેલી વામપંથી વિચારધારાને જીવિત રાખવાની ચિંતા છે. 

    તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ ન થવાનું એકમાત્ર કારણ નક્સલવાદ પોતે છે. જ્યાં સુધી નક્સલવાદને વૈચારિક પોષણ, કાનૂની સહાય અને નાણાકીય સહાય કરનારાઓ ખુલ્લા નહીં પડે ત્યાં સુધી નક્સલવાદનું જોખમ સમાપ્ત નહીં થાય. તેમણે સફળતા વિશે વાત કરતા કહ્યું હતું કે આત્મસમર્પણ કરવામાં વધતી નક્સલીઓની સંખ્યા એ સંદેશ આપે છે કે હવે વામપંથી ઉગ્રવાદ પાસે બચેલો સમય પૂરો થઈ ચૂક્યો છે. 

    તેમણે વામપંથી ઉગ્રવાદને વૈચારિક સમર્થન આપતી દેશની લેફ્ટ-લિબરલ ટોળકીને પણ આડેહાથ લીધી હતી અને સવાલ કર્યો હતો કે સરકારને સલાહ આપીને લાંબાલચક લેખો ઘસનારા બુદ્ધિજીવીઓ પીડિત આદિવાસીઓ વિશે કેમ નથી લખી રહ્યા? તેમની સહાનુભૂતિ સિલેક્ટિવ કેમ છે? અંતે તેમણે સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યું હતું કે મોદી સરકાર આત્મસમર્પણની નીતિનો પ્રચાર કરે છે, પરંતુ ગોળીનો જવાબ હંમેશા ગોળીથી જ મળશે એ પણ નિશ્ચિત છે. 

    વડા પ્રધાન મોદીએ પણ 17 ઑક્ટોબરના રોજ NDTV વર્લ્ડ સમિટ 2025માં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે 303 નક્સલીઓએ છેલ્લા 75 કલાકમાં હથિયાર ફેંક્યાં છે. નક્સલવાદથી મુક્ત થયેલા વિસ્તારોમાં આ વખતે 60-70 વર્ષ પછી દિવાળીનો ઉત્સાહ જોવા મળશે. તેમણે નક્સલવાદના અંતને પ્રોત્સાહન આપતાં કહ્યું કે નક્સલવાદ દેશની યુવા પેઢી સામે અન્યાય છે અને તેને સંપૂર્ણપણે ખતમ કરવાનો દિવસ હવે નજીક આવી ગયો છે. 

    વડા પ્રધાને આગળ એવું પણ કહ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી તેમની સરકાર ગુમરાહ થયેલા યુવાનોને ફરી મુખ્યધારામાં લાવવા માટે કામ કરી રહી છે. માઓવાદીઓ હવે વિકાસની મુખ્યધારામાં પ્રવેશી રહ્યા છે અને જાહેરમાં સ્વીકાર કરી રહ્યા છે કે તેઓ ખોટા રસ્તે હતા. તેમણે 5 દાયકામાં નક્સલવાદના કારણે મૃત્યુ પામેલા લોકોને પણ યાદ કર્યા હતા અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર પણ કર્યા હતા. 

    છેલ્લા 6 મહિનામાં થઈ અભૂતપૂર્વ કાર્યવાહી

    PIB અનુસાર, આ વર્ષે નક્સલવિરોધી અભિયાનની સફળતાએ છેલ્લા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ અભિયાનો હેઠળ 312 નક્સલીઓએ ઠાર કરવામાં આવ્યા છે, 836 નક્સલીઓની ધરપકડ થઈ છે અને 1639 નક્સલીઓ હિંસાનો માર્ગ છોડીને મુખ્યધારામાં સામેલ થવા માટે સરકાર સમક્ષ હથિયારો મૂકી આત્મસમર્પણ કરવા માટે સહમત થયા છે. છત્તીસગઢમાં તો આ પ્રગતિ વધુ નોંધપાત્ર છે. છેલ્લા 22 મહિનાઓમાં (જાન્યુઆરી 2024થી) 477 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે, 1,785ની ધરપકડ કરાઈ અને 21,00થી વધુ આત્મસમર્પણ કર્યું છે. 

    મે, 2025માં ‘ઑપરેશન બ્લેક ફોરેસ્ટ’માં 31 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા, સપ્ટેમ્બરમાં અબુઝમાડમાં 12.3 કરોડના ઈનામી નક્સલવાદી નેતાને પણ ઠાર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત નક્સલમુક્ત ગામોને 1 કરોડનું વિકાસ ભંડોળ, વીજળી અને મોબાઈલ કનેક્ટિવિટી આપવાની યોજના પણ છે. તે સિવાય પણ છેલ્લા 6 મહિનામાં અઢળક એવા સમાચારો સામે આવ્યા છે, જેમાં અનેક નક્સલવાદીઓએ કાં તો આત્મસમર્પણ કર્યું છે અને કાં તો તેમને ઠાર કરવામાં આવ્યા છે. 

    આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે ઑગસ્ટ, 2025માં સ્વતંત્રતા દિવસે બસ્તરના લગભગ 14 નક્સલ પ્રભાવિત ગામોમાં પહેલી વખત તિરંગો ફરકવવામાં આવ્યો હતો. નારાયણપુરમાં હોરાડી, ગાર્પા, કચ્છપાલ જેવાં 11 ગામોમાં આ ઘટના ઐતિહાસિક હતી. પહેલાં નક્સલીઓ લાલ ઝંડા અથવા તો કાળા વાવટા ફરકાવતા હતા, પરંતુ હવે સ્થાનિક લોકો ઉત્સાહથી રાષ્ટ્રીય પર્વમાં ભાગ લેતા થઈ ગયા છે. આ સિવાયના અન્ય ગામોમાં પણ પહેલી વખત તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. 

    માર્ચ 2026, લાલ આતંકના અંતનું પ્રતિક

    ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા ઘણા સમયથી નક્સલવાદ પર વાત કરી રહ્યા છે અને અનેક નિવેદનો આપી રહ્યા છે. તેમાં સૌથી મહત્વનો ઉલ્લેખ લાલ આતંકની ડેડલાઇનનો કરવામાં આવે છે. ગૃહમંત્રી શાહ સતત માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરવાની વાતનો ઉલ્લેખ કરે છે અને તેના કારણે સ્થાનિક લોકોમાં પણ આત્મવિશ્વાસ વધી રહ્યો છે. માત્ર ઉલ્લેખ જ નહીં, પણ મજબૂત કાર્યવાહી દ્વારા નક્કર પરિણામો પણ લાવીને આપવામાં આવ્યાં છે. 

    સરકારની ડેડલાઇન- માર્ચ, 2026 સુધીમાં નક્સલમુક્ત ભારત- માત્ર ઘોષણા નથી, પરંતુ નિયત અને દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રતિક પણ છે. આ કામ માટે મજબૂત નેતૃત્વ અને નિયમિત પ્રયાસોની જરૂર પડે છે અને તે નરેન્દ્ર મોદીની સરકાર પાસે છે. માત્ર ઘોષણા કરવાથી કે સભાઓ ગજવવાથી પરિવર્તન નથી આવતું, પરિવર્તન આવે છે દ્રઢ ઇચ્છાશક્તિ અને નિરંતર પ્રયાસોથી, જે મોદી સરકારે સાબિત પણ કરી બતાવ્યું છે. 

    અંતિમ શ્વાસ ગણતો નક્સલવાદ એ સંદેશ આપી રહ્યો છે કે જો નિયત અને મજબૂત ઇચ્છાશક્તિ હોય તો સરકાર ધારે એ કરી શકે અને ધારે એટલા સમયમાં કરી શકે. માત્ર નક્સલવાદ સુધી આ સિદ્ધાંત સીમિત નથી રહેતો, 2047 સુધીમાં ભારતને વિકસિત કરવાના વિઝનમાં પણ આ જ કાર્યપદ્ધતિ કામ કરી રહી છે. અગાઉની સરકારોની જેમ માત્ર નક્સલવાદ પર માર્યા ગયેલા લોકો કે સેનાના વીર જવાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાથી નક્સલવાદ દૂર નથી થતો. 

    નક્સલવાદને દૂર કરવા માટે દ્રઢ મનોબળ, નિયત અને મજબૂત નેતૃત્વ પણ હોવું જરૂરી છે અને આ તમામ બાબતો મોદી સરકારમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જાહેરમાં, છાતી ઠોકીને, સતત માર્ચ-2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવાની વાત કરવી અથવા તો સંકલ્પ લેવો કોઈપણ નેતા માટે અઘરું છે, કારણ કે જાહેરમાં કરેલો સંકલ્પ જ્યારે પૂર્ણ ન થાય ત્યારે હજારો સવાલો તેમના પર ઉઠે છે. પરંતુ અમિત શાહ જાહેરમાં આ સંકલ્પ લઈને સતત તેને યાદ કરતા રહે છે અને પરિણામો પણ દેખાતાં રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં