બેંગ્લોરના (Bengaluru) AI એન્જિનિયર અતુલ સુભાષની બહુચર્ચિત આત્મહત્યા કેસમાં (Atul Subhash suicide case) પોલીસે તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનિયાની ધરપકડ કરી લીધી છે. તેવામાં હવે અતુલના ભાઈએ સવાલ ઉભો કર્યો છે કે આખરે અતુલનો દીકરો અને તમનો ભત્રીજો ક્યાં છે. વિકાસ મોદીએ જણાવ્યું છે કે તેમનું પરિવાર તે જાણવા ઈચ્છે છે કે અતુલનો દીકરો કઈ સ્થિતિમાં છે તે બાબત સાર્વજનિક રાખવામાં આવે. પરિવારે બાળકની કસ્ટડીની પણ માંગ કરી છે. બીજી તરફ માહિતી સામે આવી રહી છે કે અતુલ સુભાષના લેપટોપમાંથી જરૂરી ફોલ્ડર્સ ગાયબ છે. તેમાં સુસાઈડ નોટ સાથે સંકળાયેલી ફાઈલ અને વિડીયોનો સમાવેશ થાય છે.
અતુલની પત્ની અને તેના સાસુ અને સાળાની ધરપકડ બાદ વિકાસ મોદીએ પોલીસનો આભાર માન્યો હતો, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે આ ધરપકડથી ન્યાય નથી મળી જવાનો. તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે આ કેસમાં પુરુષો સાથે થઈ રહેલા ઉત્પીડન પર પણ ધ્યાન આપવામાં આવે. વિકાસે કહ્યું છે કે, “હંમેશા મહિલાઓના અધિકારની વાત થતી આવી છે, પરંતુ પુરુષોના અધિકાર પર કોઈ જ ચર્ચા નથી થતી.” વિકાસ મોદીએ એમ પણ કહ્યું છે કે નિકિતાની ધરપકડ બાદ પણ હજુ ઘણા સવાલો યથાવત છે. સહુથી મોટો સવાલ તે છે કે અતુલનો દીકરો ક્યાં છે. તેમણે કહ્યું છે કે, “નિકિતાના ફોટામાં અમારો ભત્રીજો નથી દેખાઈ રહ્યો. અમે જાણવા માંગીએ છીએ કે તે કઈ સ્થિતિમાં છે.”
પીડિત પરિવારની અપીલ: પૌત્રની કસ્ટડી જોઈએ છે
અતુલના પિતા પવન કુમાર મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath), બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) અને અન્ય નેતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના પૌત્રને સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવે. તેમણે ચિંતા દાખવતા કહ્યું કે, “અમને ખબર નથી કે અમારો પૌત્ર જીવતો છે કે તેને મારી નાખવામાં આવ્યો છે. અમે તેના વિશે કંઈ જ જાણતા નથી. એક દાદા માટે તેનો પૌત્ર તેના પુત્ર કરતા વધારે મહત્વ ધરાવે છે.” પવન કુમારે કહ્યું કે નિકિતાએ પૌત્રના નામે તેમના વિરુદ્ધ બીજો એક કેસ દાખલ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે પૌત્રને જાતે ઉછેરવા માંગે છે, જેથી તે સલામત અને સારું જીવન જીવી શકે.
પવન કુમાર મોદીએ જણાવ્યું હતું કે અતુલને લગ્ન બાદથી સતત પરેશાન કરવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું, “મારા દીકરાને ખોટા આરોપો અને કેસોમાં ફસાવીને તેના પર એટલો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો કે તેણે પોતાનું જીવન સમાપ્ત કરી દીધ. ન્યાય પ્રણાલીએ આવા મામલો પર ધ્યાન આપવું જોઈએ. જો આમ નહીં થાય તો અનેક અતુલ સુભાષ આ અન્યાયનો ભોગ બનશે.” તેમણે એમ પણ કહ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા અને કડકાઈની જરૂર છે. તેમણે સુપ્રીમ કોર્ટને આ બાબતને ગંભીરતાથી લેવા પણ અપીલ કરી હતી.
અતુલના પરિવારે કહ્યું કે હવે તેમની પ્રાથમિકતા અતુલના પુત્રને પરત મેળવવાની છે. તેમણે પોલીસને અપીલ કરી હતી કે, બાળક કઈ સ્થિતિમાં છે તે માહિતી સાર્વજનિક કરવામાં આવે. વિકાસ મોદીએ કહ્યું, “અમે અમારા પૌત્રને ઉછેરવા માટે તૈયાર છીએ. પોલીસ અને કોર્ટે સુનિશ્ચિત કરવું જોઈએ કે બાળકને સુરક્ષિત રીતે અમને પરત કરવામાં આવે.”
ગુરુગ્રામથી અતુલની પત્નીની ધરપકડ કરવામાં આવી
અતુલ સુભાષની બહુચર્ચિત આત્મહત્યા બાદ પોલીસે ગુરુગ્રામના એક પીજીમાંથી નિકિતાની ધરપકડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, નિકિતાએ પીજીમાં પોતાના નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને એક મહિનાનું ભાડું પણ આપ્યું હતું, પરંતુ તે ત્યાં રહી નહોતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તે પીજીમાં નિકિતાનો સામાન હજુ પણ યથાવત છે. નિકિતાની માતા નિશા અને ભાઈ અનુરાગની પ્રયાગરાજની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
અતુલના લેપટોપમાંથી ગૂગલ ડ્રાઈવ ગાયબ
આ દરમિયાન આ કેસ સાથે જોડાયેલી નવી જાણકારી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અતુલ સુભાષની આત્મહત્યાના લગભગ એક અઠવાડિયા બાદ તે ગૂગલ ડ્રાઈવ ગાયબ થઈ ગઈ છે, જેમાં તેણે તેની પત્ની નિકિતા અને તેના પરિવારના સભ્યો પર સતામણીનો આરોપ લગાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેના મૃત્યુ પહેલા તેણે શેર કરેલી ગૂગલ ડ્રાઇવ લિંકમાં મુકેલી કેટલીક ફાઇલો રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. જે ફાઈલો ગુમ થઈ છે તેમાં તેની 24 પાનાની સ્યુસાઈડ નોટ અને ‘ટુ મિલિયોનેર’ નામનો પત્ર સામેલ છે. આ ફાઈલમાં ભારતીય ન્યાય પ્રણાલીની આલોચના કરવામાં આવી હતી.
શું થયું હતું અતુલ સુભાષ સાથે
બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા અતુલ સુભાષે 9 ડિસેમ્બર 2024ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેની પત્ની અને સાસરિયાઓની પ્રતાડનાના કારણે તે આ પગલું ભરી રહ્યો છે. નિકિતાએ 2021માં તેના પુત્ર સાથે તેનું ઘર છોડી દીધું હતું અને ખોટા આરોપો લગાવતા કેસ દાખલ કર્યા હતા. અતુલે મરતા પહેલા એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમના કેસની સુનાવણી કરી રહેલા એક ન્યાયાધીશ દ્વારા તેની પાસે લાંચની માંગ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે તેની પત્ની તેના પુત્રને તેની પાસેથી લઈ ગઈ હતી અને તેને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું.
અતુલે આત્મહત્યા પહેલા દોઢ કલાકનો એક વીડિયો બનાવીને 23 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પત્ની અને સાસરીયાઓ પર ત્રાસ ગુજારવાનો અને ખોટા કેસ કરવાનો આરોપ લગાવ્યો હતો. અતુલે પોતાની સુસાઈડ નોટ અને વીડિયોમાં લગ્નના દિવસથી લઈને આત્મહત્યાના દિવસ સુધીની તમામ ઘટનાઓનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની અને સાસરિયાઓ તેને દહેજ ઉત્પીડન, હત્યા અને ખંડણી જેવા ખોટા કેસોમાં ફસાવી રહ્યા છે. અતુલે કોર્ટમાં સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ પર 5 લાખ રૂપિયાની લાંચ માંગવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધી નિકિતા, તેની માતા અને ભાઈ એમ ત્રણની ધરપકડ કરી છે, જયારે નિકિતાના કાકા સુશીલ હજુ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.