Sunday, April 20, 2025
More

    અતુલ સુભાષ આત્મહત્યા કેસ: પત્ની નિકિતા, તેની માતા અને ભાઈની ધરપકડ; જેલભેગા કરાયા

    24 પાનાંની સ્યુસાઇડ નોટ અને દોઢ કલાકનો વિડીયો બનાવીને આપઘાત કરી લેનાર બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    નિકિતાની ધરપકડ ગુરુગ્રામથી કરવામાં આવી, જ્યારે માતા અને ભાઈની ધરપકડ પ્રયાગરાજથી કરવામાં આવી હતી. બેંગ્લોર પોલીસે કાર્યવાહીની પુષ્ટિ કરી છે. આરોપીઓને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં મોકલી આપવમાં આવ્યા હતા. 

    અતુલે સ્યુસાઇડ નોટ અને વિડીયોમાં અલગ રહેતી પત્ની અને તેના પરિવાર સામે હેરાનગતિ કરવાનો અને પૈસાની માંગણી કરીને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પછીથી અતુલના ભાઈ બિકાસ કુમારે બેંગ્લોર પોલીસ સમક્ષ ફરિયાદ આપતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    બેંગ્લોર પોલીસની એક ટીમ નિકિતાના ઘરે પણ પહોંચી હતી, પરંતુ કોઈ મળ્યું ન હતું. ત્યારબાદ પોલીસે બહાર એક નોટિસ ચોંટાડીને ત્રણ દિવસમાં હાજર થવા માટે જણાવ્યું હતું, પરંતુ હવે ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.