Friday, March 21, 2025
More
    હોમપેજઇન્ડોલોજીકાશ્મીરી હિંદુઓના નરસંહારનાં 35 વર્ષ: એ ઇતિહાસ જે ભૂલાવી દેવાયો, એ કહાણીઓ...

    કાશ્મીરી હિંદુઓના નરસંહારનાં 35 વર્ષ: એ ઇતિહાસ જે ભૂલાવી દેવાયો, એ કહાણીઓ જે ક્યારેય ચર્ચાઈ જ નહીં

    વિશ્વભરના યાત્રિકોને ભાન ભુલાવી, મંત્રમુગ્ધ કરતી ઝેલમ નદી આજે પણ કાશ્મીરી હિંદુઓના નરસંહારની સાક્ષી પૂરે છે. સુંદર વાદીઓમાં આજે પણ કાશ્મીરી હિંદુઓની ચીખ અને પીડા આસા અવાજે આજે પણ ગુંજી રહી છે.

    - Advertisement -

    કાશ્મીર. ઋષિ કશ્યપની ભૂમિ, સરસ્વતી અને શિવની ભૂમિ. આપણા પ્રાચીન ગ્રંથોમાં કાશ્મીરનું (Kashmir) વર્ણન કંઈક આવું મળે છે. આજે કાશ્મીર ખૂબ આગળ વધી રહ્યું છે, રક્તરંજિત ઇતિહાસની સાક્ષી રહેલી ત્યાંની માટી આજે વિકાસની પણ સાક્ષી બની રહી છે. લોહીના છાંટાથી ખરડાયેલી કાશ્મીરી ઘાટીમાં આજે વિશ્વની સુંદર ટ્રેનો અને સ્કૂલ-કોલેજો ચાલી રહી છે. હાથમાં પથ્થર લઈને સેનાની છાતી પર મારતા યુવાનો હવે હાથમાં માઉસ, પુસ્તક લઈને શિક્ષણ તરફ વળી રહ્યા છે. પાકિસ્તાની પરચમ અને આતંકવાદના ઝંડા તળે રોંદાયેલો લાલ ચોક આજે તિરંગા સાથે ખૂબ સોહામણો અને વિકાશીલ લાગી રહ્યો છે.

    સ્વામી વિવેકાનંદ અને આચાર્ય ચાણક્ય જેવા મહાપુરુષોએ એક વાતનું હંમેશા સમર્થન કર્યું હતું. તેઓ કહેતા કે, જે દેશ કે ભૂભાગ પોતાના ઇતિહાસને ભૂલે છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ ન થઈ શકે. આ જ સિદ્ધાંત કાશ્મીર પર પણ લાગુ પડે છે. વિકાસની દોડ લગાવી રહેલું કાશ્મીર શું હંમેશાથી આવું હતું? સીધો અને સ્પષ્ટ જવાબ છે, ના. 1990ના દાયકામાં કાશ્મીર ઇસ્લામી આતંકવાદનો એ ગઢ હતો, જ્યાં માત્ર કાફિરોનો (કાશ્મીરી હિંદુઓનો) નરસંહાર જ એકમાત્ર મકસદ હતો. એ દાયકામાં આખા કાશ્મીરમાં ઇસ્લામી આતંકવાદ ખદબદતો હતો.

    હિંદુઓના નરસંહારની સાક્ષી રહી છે ઝેલમ, ખીણો અને સુંદર વાદીઓ…

    કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા જેટલી ઉજ્વળ અને અનુપમ છે, તેટલો જ કાળો અને રક્તરંજિત તેનો ઇતિહાસ પણ છે. વિશ્વભરના યાત્રિકોને ભાન ભુલાવી, મંત્રમુગ્ધ કરતી ઝેલમ નદી આજે પણ કાશ્મીરી હિંદુઓના નરસંહારની સાક્ષી પૂરે છે. સુંદર વાદીઓમાં આજે પણ કાશ્મીરી હિંદુઓની ચીખ અને પીડા આસા અવાજે આજે પણ ગુંજી રહી છે. 90નો દાયકો ન માત્ર કાશ્મીરી હિંદુઓ માટે પરંતુ ઇસ્લામી બર્બરતા અને કહેવાતા ભાઈચારાના હનન માટે પણ ભારતીય ઇતિહાસમાં યાદ કરવામાં આવશે. ત્યારે હિંદુઓનો નરસંહાર ભારતીય હોવાના કારણે નહીં, પરંતુ ‘કાફિર હિંદુ’ હોવાના કારણે થયો હતો.

    - Advertisement -

    સેક્યુલરિઝમની પિપૂડી વગાડતા લોકોને એ પણ યાદ હોવું જરૂરી છે કે, કાશ્મીરમાં હિંદુઓની નૃશંસ હત્યામાં ઇસ્લામી આતંકવાદ જેટલા જ ત્યાંના સ્થાનિક મુસ્લિમો પણ જવાબદાર હતા. લાખોની સંખ્યામાં હિંદુઓએ પોતાની સ્વભૂમિ પરથી પલાયન કરવું પડ્યું હતું. પાડોશી મુસ્લિમો આતંકવાદના બાતમીદાર બનીને હિંદુઓની કરપીણ હત્યા કરાવવામાં સામેલ હતા. અઢળક હિંદુઓની હત્યા થઈ, બહેન-દીકરીઓની આબરૂ લૂંટાઈ અને મસ્જિદમાંથી એવા પણ એલાન થયા કે, ‘કાફિર હિંદુ પુરુષો તમે અહીંથી ભાગી જાઓ અને તમારી બહેન-દીકરીઓને અહીં છોડતા જાઓ.’

    શું થયું હતું કાશ્મીરી હિંદુઓ સાથે? (અમુક જાણીતા નૃશંસ કિસ્સાઓ)

    બદલાતા કાશ્મીરની સાથે જરૂર છે કાશ્મીરી હિંદુઓના રક્તરંજિત ઇતિહાસને વાગોળવાની પણ. હિંદુઓના નરસંહારની શરૂઆત થાય છે 1990ના દાયકાથી. એક દાયકામાં હજારો હિંદુઓએ પોતાનો જીવ ગુમાવ્યો. ખુલ્લેઆમ ઇસ્લામી આતંકીઓ તેના પર બર્બરતા આચરી રહ્યા હતા અને તેમને સહકાર આપી રહ્યા હતા કાશ્મીરના જ મઝહબી જેહાદીઓ. એ જેહાદીઓ જે હિંદુઓના ‘સારા પાડોશી’ હતા, ‘અંગત મિત્ર’ હતા અને ‘સહકર્મીઓ’ હતા. એમ તો હજારોની સંખ્યામાં હિંદુઓનો નરસંહાર થયો હતો. પરંતુ કેટલાક જાણીતા નૃશંસ કિસ્સાઓ પર જ નજર કરીએ તો પણ કંપારી છૂટી જાય.

    ગિરિજા ટિક્કુની અમાનુષી હત્યા:-

    25 જૂન 1990ના રોજ ગિરિજા ટિક્કુ નામની કાશ્મીરી હિંદુ મહિલાની નૃશંસ હત્યા વિશે જાણીને કાશ્મીરની અતિસુંદત પ્રકૃતિ પણ સ્તબ્ધ થઈ જશે. સરકારી શાળામાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. ઇસ્લામી આતંકવાદીઓના ડરથી તેમણે કાશ્મીર છોડીને જમ્મુમાં રહેવાનું શરૂ કર્યું. એક દિવસ કોઈએ તેમને કહ્યું કે, પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે, તેઓ બાંદીપુરા આવીને પોતાનો પગાર લઈ જાય. તેઓ પોતાના એક મુસ્લિમ સહકર્મીના ઘરે રોકાયા હતા. ઇસ્લામી આતંકી આવ્યા અને તેમને ખેંચીને લઈ ગયા. ત્યાંના સ્થાનિક મુસ્લિમો મૌન રહ્યા કારણ કે, તેમને કોઈ કાફિરની પરિસ્થિતિઓ સાથે કોઈ લેવાદેવા નહોતા. ગિરિજા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, તેમને સુથારની આરીથી બે ભાગમાં ચીરી નાખવામાં આવ્યા, તે પણ તેઓ જીવતા હતા ત્યારે. આ સમાચાર ક્યારેય પણ અખબારોમાં આવ્યા નથી.

    બીકે ગંજુની હત્યા:-

    7 મે, 1990ના રોજ શ્રીનગરના છોટા બજાર વિસ્તારમાં બીકે ગંજુ સાથે જે બન્યું તે દર્શાવે છે કે, લાંબા સમયથી ચાલતા આ મઝહબી નરસંહારને માત્ર ઇસ્લામી આતંકવાદીઓ જ નહોતા ઈચ્છતા, પરંતુ તેમને સ્થાનિક જેહાદીઓનું પણ સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. કર્ફ્યુ હટ્યો તો ટેલિકોમ એન્જિનિયર બીકે ગંજુ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમને કોઈ અંદાજો ન હતો કે, કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. જોકે, તેમના પત્નીએ ઘરની નજીક આવતાં જ આતંકીઓને જોઈ લીધા હતા. ઘરમાં પ્રવેશતાંની સાથે જ તેમના પત્નીએ દરવાજો બંધ કરી દીધો. બંને ઘરના ત્રીજા માળે ચોખાના મોટા ડબ્બામાં સંતાઈને બેસી ગયા.

    આતંકીઓએ ઘણી શોધખોળ કરી પણ તેઓ મળ્યા નહીં. જ્યારે તેઓ પાછા ફરવા લાગ્યા ત્યારે મઝહબી પાડોશીઓએ મઝહબી આતંકીઓને પરત બોલાવ્યા અને કહ્યું કે, તેઓ ચોખાના ડબ્બામાં સંતાયેલા છે. આતંકીઓએ તેમને બહાર કાઢ્યા, ગોળી મારી અને જ્યારે જોયું કે ચોખા લોહીથી ખરડાઈને લાલ રંગના થઈ ગયા, ત્યારે આતંકવાદીઓએ બહાર નીકળતી વખતે મઝહબી પાડોશીને કહ્યું, “આ ચોખામાં ખૂનને ભળી જવા દો અને તમારા બાળકોને ખાવા દેજો. તેમના માટે કેવું સ્વાદિષ્ટ ભોજન હશે.” આ જ દિવસે પ્રોફેસર કેએલ ગંજુની પણ હત્યા કરવામાં આવી હતી. તેમના પત્ની પર સામૂહિક બળાત્કાર પણ થયો. ફરી આ જ દિવસે હિંદુ દુકાનદાર પીએન કૌલની ચામડી જીવિત અવસ્થામાં જ ઉતારી લેવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ તેમની લાશ મળી હતી.

    તેજ કૃષ્ણ રાજદાનની હત્યા:-

    12 ફેબ્રુઆરી 1990ના રોજ તેજ કૃષ્ણ રાજદાનને તેમના એક જૂના સહકર્મીએ તેમને પંજાબથી રજાઓ ગાળવા માટે શ્રીનગર બોલાવ્યા. બંને લાલ ચોકની એક મીની બસમાં બેઠા. રસ્તામાં મઝહબી મિત્રએ ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી અને છાતીમાં ગોળીઓ ધરબી દીધી. આ પછી પણ તે ન અટક્યો, તે રાજદાનને ખેંચીને બહાર લઈ ગયો અને લોકોને લાત મારવા કહ્યું. પછી તેના મૃતદેહને આખી ગલીમાં ઢસડવામાં આવ્યો અને નજીકની મસ્જિદની સામે મૂકવામાં આવ્યો, જેથી લોકો જોઈ શકે કે હિંદુઓની હાલત શું થશે.

    લોહી વહેવડાવી કરી બે હિંદુઓની હત્યા:-

    મુજુ અને અન્ય બે લોકોનું મઝહબી આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું. તેમને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે, તેના અન્ય સાથીદારોને લોહીની જરૂર છે. આતંકીઓએ તેમના શરીરમાંથી તમામ લોહી કાઢી નાખ્યું અને તેઓ મૃત્યુ પામ્યા. 9 જુલાઈ, 1990ના રોજ હૃદય નાથ અને રાધા કૃષ્ણ નામના આ હિંદુઓ કપાયેલાં માથાં સાથે મળી આવ્યા. 26 જૂન, 1990ના રોજ, જ્યારે બીએલ રૈના તેમના પરિવારને જમ્મુ લાવવા કાશ્મીર જઈ રહ્યા હતા ત્યારે તેમને આતંકવાદીઓએ ઘેરી લીધા અને મારી નાખ્યા. 3 જૂને આતંકવાદીઓએ તેમના પિતા દામોદર સરૂપ રૈનાની ઘરમાં ઘૂસીને હત્યા કરી હતી. તેણે પડોશીઓ પાસેથી મદદ માંગી, પરંતુ તેઓ તો ‘મઝહબી’ હતા.

    કાશ્મીરમાં ઇસ્લામી આતંકવાદ કેટલો હાવી હતો તે આ ચાર કિસ્સાઓ પરથી સમજી શકાય છે. આવા અનેક કિસ્સાઓ છે, આ તો માત્ર અમુક ચર્ચિત ઘટનાઓ હતી. તે સિવાય આજે પણ અનેક ઘટનાઓમાં પીડિતોના નામ સાથે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં હિંદુઓને કાપી નાખ્યા અને તેમની બહેન-દીકરીઓ પર પાશવી બળાત્કાર ગુજાર્યો. દરેક ઘટના એટલી જ બર્બર હતી, જેટલી ઉપરોક્ત ઘટનાઓ છે.

    ઇતિહાસને ભૂલાવી દેવાના પણ થયા પ્રયાસો

    આટલા ભયંકર અત્યાચાર બાદ પણ ક્યારેય કાશ્મીરમાં થયેલા હિંદુઓના નરસંહાર પર વાત નથી થઈ. વાત તો દૂર પણ દેશના કથિત ઇતિહાસકારોએ (જે મોટાભાગે વામપંથી છે) એક પણ ઘટનાને કાગળ પર કંડારવાનું કામ નથી કર્યું. દેશનાં લાખો બાળકોને બાબર-અકબર અને મુઘલ સામ્રાજ્ય વિશે યાદ છે, પરંતુ 90ના દાયકામાં બનેલી આ ભયાનક ઘટના વિશે કશું જ યાદ નથી. આટલી ક્રૂરતા સહ્યા બાદ પણ કાશ્મીરના મઝહબી ઉન્માદીઓ અને આતંકવાદીઓને વાઇટવોશ કરવાનું કામ એક ટોળકી સતત કરતી રહી હતી. ‘આઝાદી’, ‘આઝાદી’ની બૂમો પાડીને હિંદુઓના લોહી પર રાજકારણ રમવાની હોડ જામી હતી.

    એકસાથે લાખો કાશ્મીરી હિંદુઓને જાતિ સાથે જોડીને માત્ર ‘પંડિતો’ ગણાવવાનું આખું કારસ્તાન ઊભું થયું. દેશને આટલા દાયકાઓ સુધી અંધારામાં રાખવામાં આવ્યો અને કાશ્મીરી હિંદુઓના અવાજને દબાવવામાં આવ્યો. આપણે હમણાં સુધી કાશ્મીરમાં બનેલી આ ભયાવહ ઘટના વિશે કોઈ વાત કે ચર્ચા સુદ્ધાં કરી નહોતી. પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે. હવે તે દરેક ઘટના પરથી પડદો હટી રહ્યો છે, જે ઘટના પર દાયકાઓથી પડદા રાખવાનું ષડયંત્ર ઊભું થયું હતું.

    સામૂહિક વૈચારિક પરિવર્તન બાદ શરૂ થઈ ચર્ચા

    હિંદુ ધર્મશાસ્ત્રોમાં વેદો પછીના સૌથી પવિત્ર ગ્રંથ ગણાતા ઉપનિષદોમાં કઠોપનિષદ કરીને એક ગ્રંથ છે. તેમાં એક વાક્ય કંઈક એવું છે કે, ‘સત્યને સંસાર ગમે તેટલું દબાવે, પરંતુ તે પ્રબળતા સાથે પ્રગટ થતું રહે છે.’ કાશ્મીરની ઘટનામાં પણ આ જ થયું. કાળા અને રક્તરંજિત ઇતિહાસને દબાવવા અને તેને ભૂલવી દેવાના ઘણા પ્રયાસો થયા, દેશ અને દુનિયા સુધી આ નરસંહારને ન પહોંચવા દેવા માટે આખાં અભિયાનો શરૂ થયાં, પરંતુ આખરે સત્ય જુઠ્ઠાણાં અને પ્રોપગેન્ડાના જડબાં ચીરીને સામે આવ્યું. દેશમાં આવેલું વૈચારિક પરિવર્તન તેમાં ખૂબ અસરકારક રહ્યું.

    જેમ વૈચારિક પરિવર્તન આવતું ગયું, તેમ દુનિયાને આ બધી ઘટનાઓ વિશેની જાણ થતી ગઈ અને ખુલ્લીને ચર્ચાઓ પણ થતી ગઈ. 2014 બાદના વૈચારિક પરિવર્તને કાશ્મીરના આખા ઇતિહાસને નિચોડી કાઢ્યો અને ધીરે-ધીરે હિંદુઓના નરસંહાર પરથી પડદો હટવા લાગ્યો અને જાહેરમાં વાત થવા લાગી. આ નરસંહારની ઘટનાઓ પર ફિલ્મ પણ બની. દેશના લાખો લોકોએ આ ફિલ્મને જોઈને ચર્ચા કરવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયાએ પણ તેમાં મોટો ભાગ ભજવ્યો. જાહેરમાં કાશ્મીરના નરસંહારની ટીકાઓ થવા લાગી અને પ્રશ્નો પણ ઉઠવા લાગ્યા. આખરે, વૈચારિક પરિવર્તન બાદ દેશને પોતાના જ નાગરિકો પર થયેલા અમાનુષી અત્યાચાર પર રડવાની એક તક પણ મળી શકી. આ જ ઘટનાની 1 દાયકા પહેલાં કોઈ ચર્ચા સુદ્ધાં નહોતું કરતું, આજે તે મઝહબી ઉન્માદની જાહેરમાં ટીકા પણ થઈ રહી છે.

    જોકે, એક વાત એ પણ સાચી છે કે કાશ્મીરી પંડિતો હજુ પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. માતૃભૂમિ પર સ્થાયી થવાનું તેમનું સ્વપ્ન સાકાર થવાનું હજુ બાકી છે. આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં નવો સૂર્યોદય થયો છે અને ઘણી ચીજો બદલાય રહી છે. આતંકવાદ ખતમ થઈ રહ્યો છે. પણ કાશ્મીરી પંડિતો હજુ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તેઓ ફરી એ જ ધરતી પર પહોંચે એ માટેના પ્રયાસ થાય એ જ 19મી જાન્યુઆરીની પાંત્રીસમી વર્ષગાંઠ પર આશા રાખીએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં