Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતપર્યુષણ પર્વને ધ્યાને લઈને રાજ્યમાં વધુ એક દિવસ કતલખાનાં બંધ રાખવા આદેશ,...

    પર્યુષણ પર્વને ધ્યાને લઈને રાજ્યમાં વધુ એક દિવસ કતલખાનાં બંધ રાખવા આદેશ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- અબોલ જીવો પ્રત્યે કરુણાભાવ પ્રાથમિકતા

    તપ-સંયમ અને આધ્યાત્મના આ પર્વની ઉજવણી વખતે કોઈ અબોલ જીવની હત્યા ન થા તે માટે રાજ્ય સરકારે 31 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી કતલખાનાં બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

    - Advertisement -

    જૈનોનો પવિત્ર તહેવાર એવા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. પર્યુષણ કે પજુસણ એ જૈનત્વનાં બે સૌથી મોટા પર્વ પૈકી એક માનવામાં આવે છે. અહિંસાને વરેલા જૈન સંપ્રદાય માટે પર્યુષણના આ આઠ દિવસ અતિ મહત્વના માનવામાં આવે છે. તેવામાં ગુજરાત સરકારે પર્યુષણ પર્વ પર રાજ્યમાં કતલખાનાં બંધ કરવા પર્વ પહેલાં જ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને આદેશ આપ્યો હતો.

    તપ-સંયમ અને આધ્યાત્મના આ પર્વની ઉજવણી વખતે કોઈ અબોલ જીવની હત્યા ન થાય તે માટે રાજ્ય સરકારે 31 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી કતલખાનાં બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે સંવત્સરી બાદ 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત જગ આખાના જૈન સમાજના લોકો તપના પારણાં કરશે. તેવામાં જૈનોના અહિંસાના ભાવને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વધુ એક દિવસ, એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ પણ કતલખાનાં બંધ રખાવવા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને આદેશ કર્યો છે.

    નોંધનીય છે કે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આધિકારિક X હેન્ડલ પરથી પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ગુજરાતમાં હાલ પવિત્ર પર્યુષણ મહાપર્વની ધાર્મિક ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. પર્યુષણ પર્વ નિમિત્તે રાજ્ય સરકારે નગરપાલિકા-મહાનગરપાલિકાઓને 31 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી તેમના વિસ્તારના કતલખાના બંધ રાખવાનો અનુરોધ કર્યો હતો. સંવત્સરી બાદ 8 સપ્ટેમ્બરના રોજ જૈન સમાજમાં પર્યુષણ નિમિત્તે આદરવામાં આવેલ તપનાં પારણાં સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. તેને ધ્યાને રાખીને કતલખાનાં વધુ એક દિવસ, એટલે કે, 8 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારનો અનુરોધ છે.”

    - Advertisement -

    તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત પહેલાથી જ ‘અહિંસા પ્રમો ધર્મ’ની ભાવનાને વરેલું છે અને અબોલ જીવો પ્રત્યે કરુણાનો ભાવ હંમેશા આપણી પ્રાથમિકતા રહેશે. મુખ્યમંત્રીના આ અનુરોધ બાદ પર્યુષણમાં રાજ્યમાં વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં 8 સપ્ટેમ્બરના રોજ પણ કતલખાનાં બંધ રહેશે. નોંધવું જોઈએ કે સરકારના આ નિર્ણયથી માત્ર જૈન સમાજની લાગણીઓને જ પોષણ નહીં મળે, પરંતુ હજારો-લાખો અબોલ જીવના જીવન પણ બચશે.

    શું હોય છે પર્યુષણ?

    પર્યુષણ કે પજુસણ એ જૈનત્વનાં બે સૌથી મોટા પર્વ પૈકીના એક છે. સામાન્ય રીતે શ્વેતાંબર પંથના જૈનો તેને ‘પર્યુષણ‘ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર જૈનો તેને ‘દસ લક્ષણા’ તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, “જોડાવું” અથવા “સાથે આવવું”. જૈનો માટે આ પર્વ એક એવો સમય છે, જે દરમિયાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ-મહારાજો જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના) દરમિયાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.

    આ સમય દરમ્યાન જૈન સમુદાયના લોકો ઉપવાસ રાખતા હોય છે અને આત્માને પવિત્ર કરે તેવી આધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાઈ સદ્ગુણી જીવન માટે પોતાને તૈયાર કરે છે. ઉપવાસનો સમયગાળો 1 દિવસથી લઈને 30 દિવસ સુધીનો હોય શકે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માત્ર ઉકાળેલું પાણી પીએ છે અને તે પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે. ત્યારબાદ જળ ગ્રહણ કરવું પણ વર્જિત હોય છે.

    પર્યુષણના દર આઠ દિવસની શરૂઆત પરોઢના પ્રતિકમણથી કરવાની હોય છે. ત્યાર બાદ વિશ્વશાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રતિક્રમણનો અર્થ થાય છે ‘પાછા ફરવું’. આ સામાયિક તરીક ઓળખાતી એક ધ્યાન વિધિનો પ્રકાર છે જે દરમિયાન વ્યક્તિએ તેના જીવનના આધ્યાત્મિક પાસાં પર વિચાર કરવાનો રહે છે. શ્વેતાંબર અને દિગંબર બંને તબક્કાના લોકો સામાયિક નિયમિત રીતે કરતા હોય છે.

    આની આવૃત્તિ દિવસમાં બે વખત (સવાર અને સાંજ), દર પખવાડિયે એક વખત, દર ચાર મહિને, અથવા દર વર્ષે એક વાર્ષિક પ્રતિક્રમણ કરવું એ શ્રાવક માટે ફરજિયાત માનવામાં આવે છે. વાર્ષિક પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિકમણ કહેવાય છે.આ દિવસ પર્યુષણ સાથે આવતો હોવાથી સંવત્સરી અને પર્યુષણ એ એકબીકજાનાં સમાનાર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં