Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ18 જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 100મા વર્ષમાં પ્રવેશ કરશે: વતન...

  18 જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 100મા વર્ષમાં પ્રવેશ કરશે: વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન; મોદીની હાજરીની પણ શક્યતા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા શનિવારે સો માં વર્ષમાં પ્રવેશ કરશે, આ દરમ્યાન તેમના ગૃહનગર વડનગર તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  - Advertisement -

  પરમદિવસે એટલેકે 18મી જુન શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ નિમિત્તે વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ અન્ય પણ કાર્યક્રમો થશે. પીએમ મોદી નરેન્દ્ર મોદી પણ બે દિવસ માટે ગુજરાતમાં હોવાથી તેઓ માતા હીરાબાને મળવા જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

  પીએમ મોદી 17 અને 18 જૂનના રોજ ગુજરાતમાં છે. દર વખતની જેમ તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જેથી 18 જૂનના રોજ સવારે તેઓ ગાંધીનગરમાં જ હશે, તેથી ગાંધીનગરમાં જ રહેતાં માતા હીરાબાને મળવા જશે તેમ માનવામાં આવી રહ્યું છે અને હાલ તૈયારીઓ પણ થઇ રહી છે. હીરાબા પીએમ મોદીના ભાઈ પંકજભાઈ મોદી સાથે ગાંધીનગરના રાયસણમાં રહે છે.

  આગામી 18 જૂનના રોજ પીએમ મોદીનાં માતા હીરાબા શતાયુમાં પ્રવેશ કરી રહ્યાં છે, તેથી તેમના વતન વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

  - Advertisement -

  હીરાબાના સોમા જન્મદિને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એક રસ્તાને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરનો રોડ હવે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે ઓળખાશે. હીરાબા તેમના પુત્ર સાથે આ જ વિસ્તારમાં રહે છે.

  પીએમ મોદી માતા હીરાબાને અવારનવાર મળવા આવતા રહે છે. તેમના આશીર્વાદ લે છે અને ક્યારેક સાથે બેસીને ભોજન પણ કરે છે. ઉપરાંત, પરિવારના અન્ય સભ્યોને પણ મળે છે. તેમજ ચૂંટણીમાં વિજય બાદ વડાપ્રધાન માતાને મળવા અચૂક આવે છે. પીએમ બન્યા બાદ પણ પોતાના ગુજરાત પ્રવાસમાંથી સમય કાઢીને પીએમ માતાને મળતા રહ્યા છે. 

  આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પરિવારના અન્ય લોકોને મંજૂરી નથી અને મળવા માટે પરવાનગી લેવી પડે છે પરંતુ એકવાર વડાપ્રધાન માતા હીરાબાને પોતાના અધિકારીક નિવાસસ્થાને લાવ્યા હતા અને સાથે સમય વીતાવ્યો હતો. જે અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

  પીએમ મોદીએ માતા હીરાબા સાથેની તસવીરો શૅર કરતા કહ્યું હતું કે, “મારી માતા ગુજરાત પરત ફરી છે. ઘણા લાંબા સમયે તેમની સાથે સમય વીતાવ્યો. 7 RCR ખાતે આ તેમની પહેલી મુલાકાત હતી.” ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નિવાસસ્થાન પહેલાં 7 RCR (સેવન રેસ કોર્સ રોડ) નામથી ઓળખાતું હતું જે પીએમ મોદી દ્વારા બદલીને 7 LKM (સેવન લોક કલ્યાણ માર્ગ) કરી નાંખવામાં આવ્યું છે. આથી હવે આ અત્યંત મહત્વનું બિલ્ડીંગ આ નવા નામે ઓળખાય છે.

  આગામી તા. 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ વડોદરા ખાતે રૂ. 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં