Monday, September 9, 2024
More
    હોમપેજક્રાઈમબાઇક પર જઈ રહ્યા હતા ગૌતમ બારોટ, ફિરોઝખાને આવીને છરીના ઘા ઝીંકી...

    બાઇક પર જઈ રહ્યા હતા ગૌતમ બારોટ, ફિરોઝખાને આવીને છરીના ઘા ઝીંકી દીધા, સારવાર દરમિયાન મૃત્યુ: ખેરાલુની ઘટના, ફરાર આરોપીને શોધી રહી છે પોલીસ

    હાલ આરોપી ગુનો કર્યા બાદ ભાગી ગયો છે, જેને શોધવા માટે લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને ખેરાલુ પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે. જલ્દીથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે: પોલીસ

    - Advertisement -

    મહેસાણાના ખેરાલુમાં એક કેબલ ઑપરેટરની ધોળે દહાડે હત્યા કરી નાખવામાં આવી છે. મૃતકની ઓળખ ગૌતમ બારોટ (50) તરીકે થઈ છે. જ્યારે આરોપી ફિરોઝખાન હાલ ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

    ઘટના ખેરાલુના દેસાઈવાડામાં બુધવારે (31 જુલાઈ) બની હતી. ગૌતમ બારોટ બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ આવીને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે પીડિત રસ્તા પર જ ઢળી પડ્યા હતા. થોડીવારમાં ત્યાં સ્થાનિક યુવાનોએ આવીને જોતાં તેઓ લોહીલુહાણ હાલતમાં વાહનની બાજુમાં પડ્યા હતા. તેમણે ગૌતમભાઈને ઘટના અંગે પૂછવાના પ્રયાસ કર્યા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેઓ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતા અને ત્યારબાદ બેભાન થઈ ગયા હતા. 

    આ હાલતમાં તેમને પ્રથમ ખેરાલુ સિવિલ અને ત્યાંથી આગળ રિફર કરવામાં આવતાં વડનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ મામલે ખેરાલુ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

    - Advertisement -

    પોલીસે શું જણાવ્યું?

    પોલીસે હત્યા નાણાની લેવડદેવડ મામલે થઈ હોવાનું જણાવ્યું છે. વિસનગર DySP દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું કે, “ગૌતમ બારોટની લાંબા સમયથી ફિરોઝખાન રહીમખાન ચૌહાણ નામના ઇસમ સાથે પૈસાની લેવડદેવડ બાબતે માથાકૂટ ચાલતી હતી. આ જ બાબતે ગઈકાલે (31 જુલાઈ) રસ્તા પર તેમનો ઝઘડો થયો હતો. જેને લઈને ફિરોઝખાને ગૌતમભાઈને બાઈક પરથી નીચે પાડી દઈને જીવલેણ હુમલો કર્યો હતો.”

    તેમણે ઉમેર્યું, “તેમને છરીથી ગળાના ભાગે ઘા મારવામાં આવ્યા હતા. સારવાર માટે વડનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ મામલે પુત્ર મીત ગૌતમભાઈ બારોટની ફરિયાદ લેવામાં આવી છે. હાલ આરોપી ગુનો કર્યા બાદ ભાગી ગયો છે, જેને શોધવા માટે લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને ખેરાલુ પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે. જલ્દીથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.”

    પોલીસ અધિકારીએ કહ્યું કે, હાલ આ ગુનામાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ તપાસ દરમિયાન તેવું કંઈ ખુલશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ફરાર આરોપીના પરિજનોની પૂછપરછ કરવામાં આવી છે, પણ હાલ તેમની સંડોવણી હોય તેવું ધ્યાને આવ્યું નથી. 

    ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, બજાર સ્વયંભૂ બંધ

    જાણવા મળ્યા અનુસાર, આ ઘટનાના વિરોધમાં સ્થાનિકોએ ગુરુવારે (1 ઑગસ્ટ) ખેરાલુમાં બજાર બંધ રાખ્યું હતું. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરવા માટે માંગ કરી હતી. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં