તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક મોટું ઑપરેશન પર પાડીને અમદાવાદના ચંડોળા તળાવ (Chandola Lake) વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા 50 બાંગ્લાદેશી નાગરકોને (Bangladeshi infiltrators) ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં 200 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ આખા ઑપરેશનને લઈને ખૂબ જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળ્યું છે કે, પોલીસે પકડેલા બાંગ્લાદેશીઓમાંથી અમુક હિંદુ ઓળખ ધારણ કરીને રહેતા હતા. આટલું જ નહીં, ચંડોળા તળાવમાં પૂરાણ કરીને તેમાં ગેરકાયદેસર હજારોની વસ્તીઓ ઉભી કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આ સમગ્ર મામલે અખબાર દિવ્ય ભાસ્કરે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા ચાર મહિનાથી આ ગુપ્ત રીતે ઑપરેશનને લઈને માહિતી એકઠી કરી રહી હતી. જેમાં હ્યુમન ડેટાથી માંડીને 1985થી લઈને 2024 સુધીનું ચંડોળા તળાવનું મેપિંગ પણ કરવામાં આવ્યું હતું. સેટેલાઈટ ઈમેજો ભેગી કરવાથી લઈને ગુપ્ત રીતે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પણ ક્રાઈમ બ્રાન્ચે કામગીરી કરી છે.

અહેવાલમાં ક્રાઈમ બ્રાંચના DCP અજીત રાજીયાણે અને સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલને ટાંકીને જણાવાયું છે કે, તેઓ ઘણા લાંબા સમયથી ગુપ્ત રીતે ઓપરેશન ચલાવી રહ્યા હતા. શરૂઆતમાં આ અધિકારીઓને એમ હતું કે માત્ર બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર બોર્ડર પાર કરાવીને અહીં લાવીને તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે. પરંતુ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે અહીં દેહવ્યાપાર સિવાય દેશવિરોધી ગતિવિધિ પણ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ અહીં દેશવિરોધી અને અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હતો. આથી અધિકારીઓએ એક ગુપ્ત ઑપરેશન લૉન્ચ કર્યું હતું.
Kudos to the Ahmedabad Crime Branch!
— Harsh Sanghavi (@sanghaviharsh) October 25, 2024
Based on thorough investigations into ongoing forgery and counterfeit document cases, 51 illegal Bangladeshi citizens have been detained.
Legal procedures have begun, and they will be sent back to Bangladesh. #Ahmedabad #CrimeBranch… pic.twitter.com/pNFvPC3Iiu
હિંદુ ઓળખ આપીને રહેતા હતા બાંગ્લાદેશીઓ
નોંધનીય છે કે ચંડોળામાં આવીને વસેલા બાંગ્લાદેશીઓ છેલ્લા ઘણા સમયથી અહીં રહેતા હતા. સરકારની કામચલાઉ વીજ કનેક્શન આપવાની નીતિને લઈને આ તમામે લાઈટ બિલ કઢાવી લીધાં હતાં. આ લાઈટ બિલના આધારે બાંગ્લાદેશીઓ પાણી અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લઈ લેતા. આ તમામ દસ્તાવેજોના આધારે તેમણે પોતાના બનાવટી ઓળખપત્રો પણ તૈયાર કરાવી લીધાં હતાં. આ આખી તપાસમાં તેવું પણ સામે આવ્યું હતું કે અહીંના કોઈ સ્થાનિક કોર્પોરેટરની સહી કરાવીને તેના લેટરપેડના આધારે આધાર કાર્ડ બનાવડાવી લેવામાં આવ્યા હતા.
તપાસમાં તેવો પણ ખુલાસો થયો છે કે જેટલા પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે, તેમાંથી મોટાભાગના લોકોએ પોતાની અસલ ઓળખ છુપાવીને હિંદુ ઓળખ ધારણ કરી હતી. શરૂઆતમાં તે લોકોએ પૂછપરછમાં ગોળગોળ વાતો કરીને તેઓ પશ્ચિમ બંગાળના હોવાનું જણાવ્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તેમને ત્યાના પરિચિતો અને ઓળખપત્રોનો માંગણી કરતા આખરે વાસ્તવિકતા સામે આવી હતી. બાંગ્લાદેશી મુસ્લિમો હિંદુ ઓળખ ધારણ કરીને રહેતા હોવાથી મામલો વધુ ગંભીર બને છે.
#WATCH | Ahmedabad, Gujarat: Crime Branch detains 48 illegal Bangladeshi migrants pic.twitter.com/wwt7qXwg4k
— ANI (@ANI) October 25, 2024
ચંડોળા તળાવમાં પીરાણાનો કચરો, પુરાણ કરીને વસ્તીઓ ઉભી કરી
આ કેસમાં વધુ એક ચિંતાજનક ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે, ઘૂસણખોરો નજીકની પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી પ્રોસેસ કરેલો ઘન કચરો ઉઠાવીને ચંડોળા તળાવમાં ઠાલવી રહ્યા હતા. આમ કરીને તેઓ ચંડોળા તળાવનું ધીમે-ધીમે પુરાણ કરી રહ્યા હતા. જ્યાં-જ્યાં તળાવના પાણીની જગ્યાએ નક્કર જમીન જેવું ઉભું થયું, ત્યાં તે લોકોએ વસ્તીઓ ઉભી કરી દીધી. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અહીં બાંગ્લાદેશી નાગરિકો સહિતની હજારો લોકોની વસ્તી ઉભી કરી દેવામાં આવી છે. આ મામલાની ખરાઈ કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 1985થી લઈને વર્ષ 2024 સુધીની ચંડોળા તળાવની સેટેલાઈટ ઈમેજોનો અભ્યાસ કર્યો છે.
આ ઈમેજોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે જગ્યા થોડાં વર્ષો પહેલાં ચંડોળાના પાણીમાં હતી, તે હાલમાં સૂકા ટેકરા જેવી છે અને તેના પર રહેણાંક ઉભા કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ અહીંના લોકોને જેવી ખબર પડી કે અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે, તેવા લગભગ 70 ટકા લોકો ભાગી છૂટ્યા છે. ભાગનારા તમામ બાંગ્લાદેશી જ હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. જે લોકો ઝડપાયા છે, તેઓ પણ ભાગવાની ફિરાકમાં હતા પરંતુ પોલીસે સમયસર તેમને ઝડપી લીધા હતા.

પુરાણ કર્યા બાદ પાણી ન આવે તે માટે નર્મદાની લાઈન બ્લૉક કરી
આ આખી તપાસમાં સહુથી મોટો પ્રશ્ન ઉભો તે થાય કે ચંડોળા તળાવમાં વર્તમાન સમયમાં વરસાદ સિવાય કુદરતી પાણી આવે તેવા કોઈ સ્ત્રોત નથી. પરંતુ સરકાર દ્વારા નર્મદાના પાણીને પાઈપલાઈન દ્વારા સીંચીને ચંડોળા તળાવને ભરવામાં આવતું હતું. હવે જો સરકાર દ્વારા પાણી ભરવામાં આવતું હોય તો જે જગ્યાઓ પર પુરાણ કરવામાં આવ્યું છે તે ફરી પાણીમાં ગરકાવ થવી જોઈતી હતી, બીજી તરફ તળાવ સતત નાનું થતું જઈ રહ્યું હતું અને તેમાં પાણી પણ નહોતું પહોંચી રહ્યું. તો આ પાછળનું કારણ શું? તે દિશામાં તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી હતી.
આ સવાલનો જવાબ મેળવવા પોલીસે સૌપ્રથમ તો તે પાઈપલાઈનની તપાસ કરી જેના મારફતે નર્મદાનાં નીર તળાવમાં ભરવામાં આવતાં. તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે ઘૂસણખોરોએ એ આખી પાઈપલાઈન જ બ્લૉક કરી દીધી હતી, જેના મારફતે નર્મદાનું પાણી તળાવમાં ઠાલવવામાં આવતું હતું. તળાવને પૂરીને ઘૂસણખોરોને વસાવી શકાય તે હેતુથી પાણીના રસ્તાને અવરોધી દેવામાં આવ્યો હતો અને ઘણા લાંબા સમયથી તળાવમાં પાણીની આવક જ બંધ કરી દેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઈટ ઈમેજમાં પણ જોઈ શકાય છે કે માત્ર દોઢ દાયકામાં જ તળાવના એક મોટા ભાગને પૂરીને ત્યાં હજારોની વસ્તી વસાવી દેવામાં આવી છે.
શું છે આખો ઘટનાક્રમ?
નોંધનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક અધિકારીને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ આસપાસ અનેક બાંગ્લાદેશી મુસ્લિમો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. માહિતી તેવી પણ હતી કે તેમની પાસે ભારતીય ઓળખ માટે બનાવટી દસ્તાવેજો પણ છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી, ધીમે-ધીમે આ આંકડો 50એ પહોંચી ગયો. અતિસંવેદનશીલ મુદ્દાને લઈને ચલાવવામાં આવેલી અત્યાર સુધીની તપાસમાં તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો ઉભા કરીને મેળવવામાં આવેલા ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખપત્રો પણ મળી આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસને શંકા છે કે આ બાંગ્લાદેશી ઘૂસણખોરોને કેટલાક સ્થાનિક લોકો અહીં વસવાટ કરવા તેમજ બનાવટી ઓળખપત્રો બનાવવા માટે મદદ કરી રહ્યા છે. એજન્સી તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ તમામ લોકો કેટલા સમયથી અહીં રહે છે અને તેઓ કોની મદદથી બાંગ્લાદેશથી અહીં આવ્યા અને કોણ મદદથી અહીં વસ્યા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી ગેરકાયદે વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ કેસમાં હાલ 200થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.