Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતદ્વારકા જગતમંદિરે 5ના બદલે 6 ધજા ચડાવવાના પ્રશાસનના નિર્ણયનો અબોટી બ્રાહ્મણો દ્વારા...

    દ્વારકા જગતમંદિરે 5ના બદલે 6 ધજા ચડાવવાના પ્રશાસનના નિર્ણયનો અબોટી બ્રાહ્મણો દ્વારા વિરોધ, કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી: જાણો શું છે મામલો

    પ્રશાસન દ્વારા આ પરંપરાને બદલીને 6 ધજાઓ ચડાવવાનો નિર્ણય લેવાતા ત્રિવેદી અબોટી બ્રાહ્મણો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભગવાન દ્વારિકાધીશના નિજ મંદિર પર ધજા ચઢાવવાની પરંપરા આ બ્રાહ્મણ ઘણી પેઢીઓથી નિભાવતો આવ્યો છે.

    - Advertisement -

    તાજેતરમાં પ્રશાસન દ્વારા લેવાયેલા દ્વારકાધીશ મંદિર પર 6 ધજા ફરકાવવાના નિર્ણય પર વિવાદ સર્જાયો છે. અત્યાર સુધી ભગવાનના મંદિર પર દિવસની 5 ધજાઓનું આરોહણ કરવાની પરંપરા હતી, જ્યારે તાજેતરમાં આ પરંપરાને બદલીને 6 ધજાઓ ચડાવવાનો નિર્ણય લેવામાં આવતાં ત્રિવેદી અબોટી બ્રાહ્મણો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભગવાન દ્વારિકાધીશના નિજ મંદિર પર ધજા ચડાવવાની પરંપરા આ બ્રાહ્મણ ઘણી પેઢીઓથી નિભાવતો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પર નારાજગી દર્શાવતાં અબોટી બ્રાહ્મણોએ આ નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવ્યું હતું, સાથે જ આ નિર્ણય સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.

    ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભગવાન દ્વારિકાધીશના મંદિર પર દિવસની 5 ધજાઓનું આરોહણ કરવામાં આવતું હતું. પરંતુ દેવસ્થાન સમિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા ધજાની સંખ્યા વધારીને દિવસી 6 ધજા ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવા સમયે પરંપરાગત રીતે ધ્વજારોહણનું કાર્ય કરતા ત્રિવેદી અબોટી બ્રાહ્મણ સમાજે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને આ નિર્ણયને એકપક્ષીય ગણાવ્યો હતો. તેમનો આક્ષેપ છે કે આ નિર્ણય લેતી વખતે મંદિર સમિતિ કે પ્રશાસન દ્વારા તેમની સહમતી નથી લેવામાં આવી.

    બ્રાહ્મણ પરિવારનો આક્ષેપ છે કે અંગે અગાઉ તેમના પરિવારના સભ્યોને પ્રથમ મિટિંગમાં બોલાવાયા હતા, તે સમયે છઠ્ઠી ધ્વજાના આરોહણ અંગે તેઓનો અભિપ્રાય લેતી વખતે તેમણે ધ્વજારોહણ કરનારતેમના પરિવારના સભ્યની સેફટી બાબતે તેમજ સન્માનજનક લાભો આપવા અંગે માંગ કરી હતી. જોકે, જે બેઠકમાં દ્વારકાધીશ મંદિર 6 ધજા ચઢાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તે બેઠકમાં અબોટી બ્રાહ્મણના સભ્યોની હાજરી ન હોવા છતાં એક રફી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિરોધ નોંધાવનાર બ્રાહ્મણ પરિવારનો આક્ષેપ છે કે તેમની માંગણીઓને હાંસિયામાં ધકેલીને મંદિર કમિટી અને પ્રશાશન દ્વારા દિવસની 6 ધજા ચઢાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં તેમણે કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

    - Advertisement -

    દ્વારકાધીશ મંદિર પર 6 ધજા ફરકાવવાના નિર્ણય પર વિવાદ શા માટે?

    ઉલ્લેખનીય છે કે અબોટી બ્રાહ્મણો આ નિર્ણયનો વિરોધ શા માટે કરી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે. પરંપરાગત રીતે દ્વારકાના અબોટી બ્રાહ્મણોમાં પેઢી દર પેઢી દ્વારિકાધીશ મંદિરની ધજાનું આરોહણ કરતા આવ્યા છે. નિજ મંદિરની 150 ફૂટ ઉંચે આવેલા શિખર પર ધજા ચડાવવાનું કપરું કાર્ય તેઓ કોઈ પણ જાતના સુરક્ષા સંસાધનો વગર કરતા આવ્યા છે. જગત મંદિરમાં ધજા ચડાવવા માટે સીડી કે અન્ય કોઈ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ધજા લઈને જતા વ્યક્તિ મંદિરના ગુંબજના સીધા ચઢાણ પર ચડીને દંડ પર ધજા ફરકાવે છે. આ પાછળ ભગવાન પ્રત્યેની આસ્થા કારણભૂત છે. શિયાળો, ઉનાળો કે ચોમાસાના ધોધમાર વરસાદ કે દરિયાના તોફાની પવન વચ્ચે પણ નિજ મંદિર પર દિવસમાં 5 વાર ધજા ચઢાવવાનું કાર્ય આજ દિવસ સુધી અટક્યું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં