ભારતમાં લેફ્ટ ઇકોસિસ્ટમ પાસે એક બહુ સરસ આવડત એ છે કે તેઓ શેહશરમ બાજુ પર મૂકીને ક્રિયા પર ચર્ચા કર્યા વગર પ્રતિક્રિયાની વાત આગળ રાખીને નરેટિવ બનાવી શકે છે. અઢળક કિસ્સાઓમાં એવું બન્યું છે. ઉદાહરણ તરીકે ગોધરા હિંદુ હત્યાકાંડ લઈએ તો 27મી ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરાના રેલવે સ્ટેશન પર મુસ્લિમ ટોળાંએ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે ટ્રેન સળગાવી એ ઘટના જણાવ્યા વગર તમને તેઓ કહેશે કે ગુજરાતમાં રમખાણો થયાં અને તેમાં મુસ્લિમો માર્યા ગયા હતા. વાસ્તવમાં તો રમખાણો થાય તો કોઈ એક જ સમુદાય હતાહત થતો નથી, એ સામાન્ય વાત છે. પરંતુ તેઓ ક્યારેય આ રમખાણો કઈ ક્રિયા પછી થયાં તેની તમને વાત કહેતા જોવા નહીં મળે.
ગોધરા અને હિંદુ હત્યાકાંડની વાત એટલા માટે કારણ કે એક બીજી ઘટનાના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીએ અમદાવાદામાં ઝાકિયા જાફરીનું મૃત્યુ થયું. ઝાકિયા જાફરી એટલે 2022નાં રમખાણોમાં ગુલબર્ગ સોસાયટીમાં થયેલી ધમાલમાં માર્યા ગયેલા તત્કાલીન કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની. શનિવારે 86 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
ઝાકિયા જાફરીના અવસાનના સમાચાર આવ્યા તેની સાથે જ ઇકોસિસ્ટમ ફરી સક્રિય થઈ. શ્રદ્ધાંજલિ આપી હોત કે સામાન્ય ટોનમાં જ વાત કરી હોત તો કોઈને વાંધો પણ ન હતો, પણ ફરી એક વખત આ ટોળકીએ એ જ કામ ચાલુ કર્યું, જે કામ તેઓ જાફરી અને તેમના જેવા ઘણા લોકોને હાથો બનાવીને કરતા હતા.
ઇકોસિસ્ટમ એ સાબિત કરવામાં લાગી ગઈ કે એક મુસ્લિમ મહિલા, જે પીડિત હતી, તેણે વર્ષો સુધી ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. તેમણે કોર્ટના ચક્કર કાપવા પડ્યા અને આખું જીવન ન્યાય માટે લડ્યાં. તેમને સાંભળવામાં ન આવ્યાં.
‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈ લખે છે, ‘દુઃખદ સમાચાર: 2022નાં ગુજરાત રમખાણો દરમિયાન નૃશંસતાથી માર્યા ગયેલા પૂર્વ કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીનું આજે અવસાન થયું. વર્ષો સુધી તેઓ દ્રઢતાપૂર્વક ન્યાય માટે લડ્યાં. જ્યારે એક સાંસદનાં પત્નીએ પણ પોતાને કોઈ સાંભળે તે માટે સંઘર્ષ કરવો પડે તો સામાન્ય નાગરિક વિશે વિચારો. છતાં તેઓ અંત સુધી અડગ અને ધૈર્યવાન રહ્યાં.’
Sad news : Zakia Jafri, whose husband and former Cong MP Ehsan Jafri was brutally killed in the 2002 Gujarat riots passed away today. For years, she fought a valiant battle for justice. When even an MP’s wife struggles to be heard, imagine the plight of an ordinary citizen. And… pic.twitter.com/Y28tqyLA6H
— Rajdeep Sardesai (@sardesairajdeep) February 1, 2025
કોંગ્રેસી પવન ખેડાએ એક પોસ્ટ કરી. આ વાતમાં ‘નવા ભારત’ની વાતને પણ ઘૂસાડી દેતાં, ‘ઝાકિયા જાફરી આજે મૃત્યુ પામ્યાં. તેમણે આંખ સામે ન્યાયની આશાનું મૃત્યુ થતું પણ જોયું. આવનારી પેઢીઓને ઝાકિયા જાફરીનાં આંસુ, ન્યાયની લડાઈ અને તેમની હારમાં ‘નવા ભારત’નો એક ઇતિહાસ જોવા મળશે.’
Zakia Jafri died today. Her Hope for justice had died in her life time. She chronicled the history of ‘New India’ through her tears, her sobs, her fight and her defeat. pic.twitter.com/98iP8wBFsi
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) February 1, 2025
‘ધ વાયર’નાં કથિત પત્રકાર આરફા ખાનમ શેરવાની શું લખે છે? જુઓ. ‘ઝાકિયા જાફરી એક અદમ્ય સાહસ અને ન્યાયનાં પ્રતીક હતાં. 2002નાં ગુજરાત રમખાણો પછી જવાબદેહી નક્કી કરવા માટેના તેમના અથાક પ્રયાસો કાયમ આવનારી પેઢીઓને સત્ય અને ન્યાય માટે પ્રેરિત કરતા રહેશે. તેઓ મારાં નાયક રહ્યાં છે.’
Zakia Jafri was an icon of unwavering courage and justice.
— Arfa Khanum Sherwani (@khanumarfa) February 1, 2025
Her relentless pursuit of accountability in the aftermath of the 2002 Gujarat riots will continue to inspire generations committed to truth and justice.
She’ll always be my hero.
My heartfelt condolences to her family. pic.twitter.com/lups3ddxEv
આવી બીજી ઘણી પોસ્ટ જોવા મળશે. ક્યાંય ગોધરા હિંદુ હત્યાકાંડનો ઉલ્લેખ જોવા નહીં મળે. જે 59 હિંદુઓ, નિર્દોષ હિંદુઓ, માત્ર હિંદુ હોવાના કારણે માર્યા ગયા હતા તેમાંથી કોઈનો ઉલ્લેખ જોવા નહીં મળે. કારણ કે એ બધું તેમના કામનું નથી. તેમના માટે એજન્ડા સર્વોપરી છે.
અહીં વાસ્તવિકતા એ છે કે ઝાકિયા જાફરી અને તેમના જેવા થોડા લોકોનો ઉપયોગ એક ઇકોસિસ્ટમે કાયમ પોતાનો એજન્ડા ચલાવવા માટે એક હાથા તરીકે જ કર્યો છે, જે કામ હજુ પણ ચાલુ જ છે. પીડિતોની આડમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ એજન્ડા ચલાવવા માટે કે ગુજરાતને બદનામ કરવા માટે વર્ષોથી સતત પ્રયાસો ચાલતા રહ્યા છે.
અહીં રાજદીપ સરદેસાઈ અને પવન ખેડા જેવા ‘ન્યાય’ની વાત કરીને કહે છે કે એક સાંસદનાં પત્નીને સાંભળવામાં ન આવ્યાં. પરંતુ હકીકત એ છે કે દેશની દરેક કોર્ટમાં તેઓ પહોંચ્યાં હતાં અને દરેક કોર્ટે તેમને સાંભળ્યાં હતાં. આખરે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યાં અને 2022માં સુપ્રીમ કોર્ટે આખરે ફટકાર લગાવીને ઇકોસિસ્ટમના એજન્ડા પર અંતિમ ખીલો ઠોકી દીધો અને મોદીને, તત્કાલીન ગુજરાત સરકારને ક્લીનચિટ આપી દીધી.
ઝાકિયા જાફરીએ સૌપ્રથમ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરીને સુપ્રીમ કોર્ટ રચિત SIT દ્વારા ગુજરાત રમખાણો મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય અધિકારીઓને ક્લીન ચિટ આપવાના નિર્ણયને પડકાર્યો હતો. સુનાવણી બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યાં. 2017માં હાઇકોર્ટે પણ SITનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો હતો. ત્યારબાદ જાફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં.
લાંબી સુનાવણીને અંતે સુપ્રીમ કોર્ટે જૂન, 2022માં ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી. માત્ર અરજી જ ન ફગાવી, સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણીઓ કરી એ પણ નોંધવા જેવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- આ માત્ર મુદ્દાને સળગતો રાખવાના પ્રયાસ
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આવી અરજીઓ કરીને માત્ર ગુનાનું રાજકારણ કરવામાં આવ્યું છે અને વર્ષો સુધી મુદ્દાને સળગતો રાખવાના પ્રયાસો કરવામાં આવતા રહ્યા છે. જેમાં તીસ્તા સેતલવાડ જેવાઓના નામસહિત ઉલ્લેખ સાથે કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી. ચુકાદામાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કઈ રીતે સેતલવાડે પોતાના રાજકીય ફાયદા માટે ઝાકિયા જાફરીને કમિશન અને કોર્ટ સમક્ષ કેવાં નિવેદનો આપવાં તે પણ શીખવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ નોંધ્યું છે કે કઈ રીતે અરજદારોએ ખોટાં નિવેદનો આપીને કોર્ટને ગેરમાર્ગે દોરી હતી. કોર્ટે સોલિસિટર જનરલની એ દલીલો પણ ધ્યાને લીધી, જેમાં તેમણે કહ્યું હતું કે, તીસ્તા સેતલવાડ જેવાઓએ ઝાકિયા જાફરીનો ઉપયોગ પોતાનો એજન્ડા ચલાવવા માટે અને ગુજરાતને બદનામ કરવા માટે કર્યો હતો અને જાફરી પણ તેમની વાતમાં આવી ગયાં હતાં. કોર્ટે એ પણ નોંધ્યું કે કઈ રીતે સેતલવાડે તથ્યો અને પુરાવાઓ સાથે છેડછાડ કરી હતી અને અમુક દસ્તાવેજો ફેબ્રિકેટ કર્યાં હતાં. એટલું જ નહીં, સાક્ષીઓને પણ જાણીજોઈને શું કહેવાનું છે એ માટે ભણાવવામાં આવ્યાં હતાં.

ગુજરાત રમખાણો બાદ પોતાના રાજકીય લાભ માટે અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે અને નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવા માટે ગ્લોબલ ઈકોસિસ્ટમ કામે લાગી ગઈ હતી. આ જ ક્રમમાં SITની તપાસને પડકારવા માટે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા અને એવું સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા કે નરેન્દ્ર મોદી અને અન્યો દોષી છે અને તેમને ખોટી રીતે ક્લીન ચિટ આપવામાં આવી છે. આ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો ઝાકિયા જાફરી અને અન્યોનો, જેઓ પણ આ ટોળકીની વાતમાં આવીને કોર્ટના ચક્કર કાપતા રહ્યા.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ બાદ પછીથી અમદાવાદમાં તીસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે દસ્તાવેજો સાથે છેડછાડ કરીને ગુજરાતને બદનામ કરવા માટે કાવતરું રચવાના આરોપસર એક કેસ પણ નોંધવામાં આવ્યો હતો, જેમાં સેતલવાડ ઘણો સમય જેલમાં રહ્યાં. પછીથી જોકે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
આટલી વિગતોથી સ્પષ્ટ છે કે ઝાકિયા જાફરીનો ઉપયોગ ઇકોસિસ્ટમે માત્ર પોતાનો એજન્ડા ચલાવવા માટે એક ટૂલ તરીકે જ કર્યો હતો. જે કામ તેમના મૃત્યુ પછી પણ આ ટોળકીએ ચાલુ જ રાખ્યું છે. તેમને હાથો બનાવીને છેક સુપ્રીમ કોર્ટ સુધી એવું સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા કે ગુજરાત સરકારે જાણીજોઈને રમખાણોમાં લઘુમતીઓને ટાર્ગેટ કર્યા હતા અને આ રમખાણો નહીં પરંતુ સ્ટેટ સ્પોન્સર્ડ વાયોલન્સ હતી, જેમાં મુખ્યમંત્રી સુધીના માણસો સામેલ હતા. પરંતુ દેશની તમામ કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય ન રાખી અને મોદી સહિત તમામને ક્લીન ચિટ આપી દીધી.
સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીને પણ જ્યારે દલીલો કામ ન આવી કે હથકંડા કામ ન આવ્યા તો ફરી ન્યાય ન મળવાનાં રોદણાં રડવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં. આ ઇકોસિસ્ટમની બીજી એક આદત છે. જ્યારે ચુકાદો પક્ષમાં આવે ત્યારે હોંશેહોંશે વધાવી લે છે, પરંતુ વિરુદ્ધ આવ્યો તો ગમે તેમ કરીને ન્યાયતંત્ર પર પણ સવાલો ઉઠાવવાની તક તેઓ શોધી કાઢતા હોય છે. આ કિસ્સામાં એવું જ બન્યું છે.